WhatsApp new feature: આજના ડિજિટલ યુગમાં વોટ્સએપ જેવી એપ્સ પર ફરજી મેસેજ અને સ્કેમની મુશ્કેલી વધી રહી છે. પણ હવે આનો અંત આવવાનો છે! મેટાની વોટ્સએપ કંપનીએ સ્કેમરો પર ગાળીયો કસવા માટે એક મજબૂત ફીચર તૈયાર કર્યું છે, જેને 'મેસેજ કેપિંગ' કહેવામાં આવે છે. આ ફીચરની ટેસ્ટિંગ હાલ ચાલુ છે અને તે યુઝર્સને અજાણ્યા નંબરથી આવતા પ્રમોશનલ કે ફરજી મેસેજથી મુક્ત કરશે.
જાણીતી ટેક વેબસાઇટ ટેક્ક્રંચની રિપોર્ટ અનુસાર, આ ફીચર ખાસ કરીને બિઝનેસ અને બલ્ક મેસેજ મોકલનારાઓ માટે છે. જો કોઈ યુઝર તમારા નંબર પર મેસેજ મોકલે અને તમે તેનો જવાબ ના આપો, તો તેવા મેસેજની સંખ્યા પર માસિક મર્યાદા લગાવવામાં આવશે. એટલે કે, જો તમે કોઈ અજાણ્યા નંબરને રિપ્લાય ના કરો, તો તેમની તરફથી આવતા વધુ મેસેજ આપમેળે ઘટી જશે. આનાથી સ્પેમ અને સ્કેમ જેવા ફ્રોડ મેસેજ 70% જેટલા ઓછા થઈ શકે છે, જે યુઝર્સની ચેટ લિસ્ટને સ્વચ્છ બનાવશે.
આ ફીચર કેવી રીતે કામ કરશે?
વોટ્સએપમાં જો કોઈ બિઝનેસ અથવા વ્યક્તિ તમારી કોન્ટેક્ટ લિસ્ટની બહારના લોકોને મેસેજ મોકલે, તો તે મેસેજને એન્ગેજમેન્ટ પેટર્ન પર આધારિત મર્યાદામાં ગણવામાં આવશે. જો રિપ્લાય ઓછા આવે, તો મેસેજ મોકલવાની લિમિટ પૂરી થઈ જશે અને મોકલનારને નોટિફિકેશન મળશે. જો તેને અવગણવામાં આવે, તો અસ્થાયી બ્લોક પણ થઈ શકે છે. કંપની વિવિધ મર્યાદાઓ સાથે આને ટેસ્ટ કરી રહી છે, પણ ચોક્કસ નંબર હજુ જાહેર કર્યો નથી.