China spy satellite: ચીનના જાસૂસી ઉપગ્રહો દ્વારા ભારત અને અમેરિકાના દુશ્મનોને મદદ પહોંચાડવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. યુક્રેનની લશ્કરી વેબસાઇટ ‘મિલિટાર્ની’ના અહેવાલ મુજબ, ચીનના ‘યાઓગન-33’ શ્રેણીના ત્રણ રડાર ઉપગ્રહો યુક્રેનના પશ્ચિમી વિસ્તારોમાં નજર રાખી રહ્યા છે, જ્યાં રશિયન મિસાઇલોના હુમલા થયા હતા. આ ઉપગ્રહો 700 કિલોમીટરની ઊંચાઈએથી દર 90 મિનિટે પૃથ્વીની પરિક્રમા કરે છે, જેનાથી તેઓ યુક્રેનના મહત્વના લશ્કરી ઠેકાણાઓ પર સતત નજર રાખી શકે છે.
આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે યાઓગન-33, યાઓગન-33-03 અને યાઓગન-33-04 ઉપગ્રહો 4 ઓક્ટોબરની મધ્યરાત્રિથી સવારે 11:30 વાગ્યા સુધી યુક્રેનના લ્વિવ શહેર ઉપરથી નવ વખત પસાર થયા હતા. આ ઉપરાંત, યાઓગન-34 ઓપ્ટિકલ જાસૂસી ઉપગ્રહે 5 ઓક્ટોબરે આ વિસ્તારમાં સાત પરિક્રમાઓ કરી હતી.
ચીન પર આરોપ છે કે તે રશિયા અને પાકિસ્તાન જેવા દેશોને ખુફિયા માહિતી અને હથિયારોની મદદ આપી રહ્યું છે. યુક્રેનની વિદેશ ગુપ્તચર એજન્સીના અધિકારી ઓલેહ એલેક્ઝાન્ડ્રોવે જણાવ્યું કે ચીન રશિયાને યુક્રેનમાં મિસાઇલ હુમલાઓને વધુ અસરકારક બનાવવા માટે જાસૂસી માહિતી પૂરી પાડે છે. તેમણે દાવો કર્યો કે યુક્રેન પાસે આના નક્કર પુરાવા છે.
આ ઉપરાંત, ભારત સાથેના તાજેતરના સંઘર્ષ દરમિયાન પાકિસ્તાને ચીનના હથિયારોનો ઉપયોગ કર્યો હતો. ભારતીય સેનાના ઉપ પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર. સિંહે ખુલાસો કર્યો હતો કે ચીન પાકિસ્તાનને સંઘર્ષ દરમિયાન રીઅલ-ટાઇમ ખુફિયા માહિતી પૂરી પાડતું હતું.