માર્કેટ ક્રેશથી ગભરાઈને SIP બંધ કરનારાઓ માટે મોટી ચેતવણી! ઇતિહાસ સાક્ષી છે કે કડાકા વચ્ચે જ આવે છે બજારના સૌથી 'સારા દિવસો' | Moneycontrol Gujarati
Get App

માર્કેટ ક્રેશથી ગભરાઈને SIP બંધ કરનારાઓ માટે મોટી ચેતવણી! ઇતિહાસ સાક્ષી છે કે કડાકા વચ્ચે જ આવે છે બજારના સૌથી 'સારા દિવસો'

શેરબજારમાં ભારે કડાકાથી ગભરાઈને જો તમે તમારી મ્યુચ્યુઅલ ફંડ SIP બંધ કરવાનું વિચારી રહ્યા છો, તો મોટી ભૂલ કરશો. જાણો માર્કેટ ક્રેશ વિશે રિપોર્ટ અને નિષ્ણાતો શું કહે છે.

અપડેટેડ 12:46:26 PM Jul 09, 2026 પર
Story continues below Advertisement
શેરબજારનો આ ડેટા સાબિત કરે છે કે લાંબા ગાળાનું રિટર્ન કેટલાક ગણ્યા-ગાંઠ્યા 'જાદુઈ દિવસો' પર નિર્ભર કરે છે.ઈતિહાસના ટોપ 5 સૌથી સારા દિવસોએ મળીને 56.2% નું કમ્પાઉન્ડ રિટર્ન આપ્યું.

મિડલ ઈસ્ટમાં વધતો જતો તણાવ અને અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને કારણે ભારતીય શેરબજારમાં હાલમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. બુધવારે સેન્સેક્સમાં 1677 પોઈન્ટનો મોટો કડાકો બોલી ગયો હતો, પરંતુ તેની બરાબર બીજા જ દિવસે ગુરુવારે બજાર ફરી પાછું લીલા નિશાનમાં આવી ગયું હતું.

માર્કેટના આવા વર્તનથી મ્યુચ્યુઅલ ફંડ અને SIPના રોકાણકારો વારંવાર ગભરાઈ જાય છે અને પોતાની SIP બંધ કરી દેવાની ભૂલ કરે છે. પરંતુ, ફંડ્સઇન્ડિયાના જૂન 2026 ના એક લેટેસ્ટ રિપોર્ટમાં એક ખૂબ જ ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે. ચાલો જાણીએ કે માર્કેટ જ્યારે તૂટી રહ્યું હોય ત્યારે તમારે શા માટે તમારી SIP ચાલુ રાખવી જોઈએ.

સૌથી મોટી મંદીમાં જ આવે છે સૌથી 'સારા દિવસો'

ફંડ્સઇન્ડિયા વેલ્થ કન્વર્સેશન રિપોર્ટ (જૂન 2026) મુજબ, જાન્યુઆરી 2005 થી મે 2026 વચ્ચેના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું. આશ્ચર્યની વાત એ છે કે, માર્કેટના ઈતિહાસમાં સૌથી વધુ રિટર્ન આપનારા 'ટોપ 30 બેસ્ટ દિવસો' માંથી 29 દિવસો મોટી મંદી (Crash) દરમિયાન અથવા તેની બરાબર આસપાસ જ આવ્યા હતા! માત્ર 1 જ સારો દિવસ એવો હતો જે સામાન્ય દિવસોમાં આવ્યો હતો.

આંકડાઓ પર નજર કરીએ તો


2008 નું ફાઈનાન્સિયલ ક્રેશ: આ મહામંદીમાં બજાર 60% જેટલું તૂટી ગયું હતું. પરંતુ ઈતિહાસના 30 સૌથી શ્રેષ્ઠ દિવસોમાંથી 22 દિવસ આ જ ક્રેશ દરમિયાન આવ્યા હતા. જે લોકો ડરીને શેર વેચીને ભાગી ગયા, તેઓ પાછળથી આવેલી શાનદાર રિકવરીનો ફાયદો ઉઠાવી શક્યા નહીં.

2020 નું કોવિડ ક્રેશ: કોરોના કાળમાં માર્કેટ 40% પડ્યું હતું. પરંતુ ટોપ 30 માંથી 4 બેસ્ટ દિવસો આ સમયગાળામાં જ જોવા મળ્યા. ઈતિહાસનો બીજો સૌથી સારો દિવસ 7 એપ્રિલ 2020 હતો, જ્યારે એક જ દિવસમાં માર્કેટ 8.8% ઉછળ્યું હતું.

2006 નું માર્કેટ કરેક્શન: આ સમયે બજાર 30% તૂટ્યું હતું, પરંતુ ઈતિહાસના 3 શ્રેષ્ઠ દિવસો આ કરેક્શન વચ્ચે જ આવ્યા હતા.

થોડા દિવસ ચૂક્યા તો મોટો નફો ગુમાવશો

શેરબજારનો આ ડેટા સાબિત કરે છે કે લાંબા ગાળાનું રિટર્ન કેટલાક ગણ્યા-ગાંઠ્યા 'જાદુઈ દિવસો' પર નિર્ભર કરે છે.ઈતિહાસના ટોપ 5 સૌથી સારા દિવસોએ મળીને 56.2% નું કમ્પાઉન્ડ રિટર્ન આપ્યું.ટોપ 10 દિવસોએ 111.5% અને ટોપ 20 દિવસોએ મળીને 261.4% નો બમ્પર નફો રળી આપ્યો. સૌથી ખરાબ દિવસ અને સૌથી સારા દિવસ બિલકુલ એકબીજાની આસપાસ જ આવે છે. તેથી, બજાર ક્યારે ઘટશે અને ક્યારે વધશે તેનો અંદાજ લગાવવો કોઈપણ રોકાણકાર માટે અશક્ય છે.

ક્રૂડ ઓઈલ અને યુદ્ધની બજાર પર અસર

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની શાંતિ સમજૂતીને 'ખતમ' ગણાવી હતી. આ નિવેદન બાદ જ બજારમાં તાજેતરનો ઘટાડો આવ્યો. પરિણામે કાચા તેલના ભાવ વધી ગયા. ભારત પોતાની જરૂરિયાતનું 85% કાચું તેલ આયાત કરે છે. જો તેલ મોંઘુ થાય તો મોંઘવારી વધવાનું જોખમ રહે છે, જેનાથી બજારનું સેન્ટિમેન્ટ બગડે છે. જોકે, નિષ્ણાતો આને ટૂંકા ગાળાની સમસ્યા માને છે.

નિષ્ણાતોની સલાહ: SIP રોકાણકારોએ અત્યારે શું કરવું જોઈએ?

SIP ચાલુ રાખો: ટ્રુનોર એન્ટરપ્રાઈઝિસના CFP લેફ્ટનન્ટ કર્નલ રોચક બક્ષી કહે છે કે, "ટૂંકા ગાળાની ભૌગોલિક ઘટનાઓને કારણે લાંબા ગાળાની રોકાણ નીતિ બદલવી જોઈએ નહીં. જ્યારે બજાર પડે છે, ત્યારે ખરીદીની સરેરાશ પડતર ઘટે છે. પડતા બજારમાં તમારી SIP ના પૈસાથી તમને વધુ 'યુનિટ્સ' મળે છે, જે બજાર સુધરતા બમ્પર રિટર્ન આપે છે."

લક્ષ્યો અને રિસ્કની સમીક્ષા કરો: સ્ટોકટિક કેપિટલના ફાઉન્ડર વિજય મહેશ્વરી સલાહ આપે છે કે, માત્ર ન્યૂઝ હેડલાઈન્સ વાંચીને ભાવનાત્મક નિર્ણયો લેવાને બદલે, આ સમય એ જોવાનો છે કે તમારું રોકાણ તમારા આર્થિક લક્ષ્યો અને રિસ્ક લેવાની ક્ષમતા સાથે મેળ ખાય છે કે નહીં.

ઈમરજન્સી ફંડ તૈયાર રાખો: રોકાણકારો પાસે હંમેશા 6 થી 12 મહિનાના ખર્ચ જેટલું ઈમરજન્સી ફંડ હોવું જોઈએ. જેથી માર્કેટ ક્રેશ થાય ત્યારે ઘર ચલાવવા માટે નુકસાનમાં શેર કે મ્યુચ્યુઅલ ફંડ વેચવા ન પડે. જો તમારી પાસે વધારાના પૈસા હોય, તો ઘટાડામાં થોડું-થોડું રોકાણ વધારી શકાય છે.

ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સ્ટોક પર્ફોમન્સ પર આધારિત છે. એ નોંધવું અગત્યનું છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. મનીકંટ્રોલ ક્યારેય કોઈને અહીં પૈસા રોકવાની સલાહ આપતું નથી.

આ પણ વાંચો-Ather Energy share Price : 1 વર્ષમાં 275% રિટર્ન આપનાર આ EV સ્ટોક પર નોમુરા ફિદા, ટાર્ગેટ પ્રાઈઝ વધારી, શેર 2.5%થી વધુ ઉછળ્યો

MoneyControl News

MoneyControl News

First Published: Jul 09, 2026 12:46 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.