અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝને માર્ચ ક્વાર્ટરમાં 220.7 કરોડની ખોટ થઈ છે. ગયા વર્ષે થયેલા મોટા નફા સામે આ વખતે નુકસાન થવા પાછળ શું છે મુખ્ય કારણ? જાણો સંપૂર્ણ આર્થિક રિપોર્ટ.
અદાણી એન્ટરપ્રાઇઝે શેરબજારને આપેલી માહિતી મુજબ, જાન્યુઆરીથી માર્ચ 2026 ના ત્રિમાસિક ગાળામાં કંપનીને 220.7 કરોડ રૂપિયાની કંસોલિડેટેડ ખોટ થઈ છે.
Adani Enterprises Q4 Results: અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝે 30 એપ્રિલના રોજ પોતાના માર્ચ ક્વાર્ટરના (Q4) પરિણામો જાહેર કર્યા છે. કંપનીના આર્થિક રિપોર્ટ મુજબ, આ ત્રિમાસિક ગાળામાં કંપનીને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગયા વર્ષે કરોડોનો નફો કરનાર આ કંપની આ વખતે ખોટમાં સરકી ગઈ છે.
પરિણામોની મુખ્ય વિગતો
અદાણી એન્ટરપ્રાઇઝે શેરબજારને આપેલી માહિતી મુજબ, જાન્યુઆરીથી માર્ચ 2026 ના ત્રિમાસિક ગાળામાં કંપનીને 220.7 કરોડ રૂપિયાની કંસોલિડેટેડ ખોટ થઈ છે. નોંધનીય છે કે ગયા વર્ષે આ જ ગાળામાં કંપનીએ 3,845 કરોડ રૂપિયાનો જંગી નફો નોંધાવ્યો હતો.
નફામાંથી નુકસાન થવાનું મુખ્ય કારણ શું?
કંપનીને આ વખતે થયેલી ખોટ પાછળ એક ખાસ ટેકનિકલ કારણ જવાબદાર છે. ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં કંપનીને 3,945.7 કરોડ રૂપિયાનો એક્સેપ્શનલ ગેઈન થયો હતો. આ નફો કંપનીએ AWL Agri Businessમાં પોતાનો હિસ્સો વેચ્યો હોવાથી થયો હતો. આ વખતે આવો કોઈ મોટો ફાયદો ન મળતા અને સામે ખર્ચ વધતા કંપનીના સરવૈયામાં ખોટ જોવા મળી છે.
આવક અને ખર્ચનું ગણિત
કુલ આવક: માર્ચ ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક વાર્ષિક ધોરણે 20% વધીને 33,187 કરોડ રૂપિયા રહી છે.
ખર્ચ: આવકની સામે કંપનીના ખર્ચમાં 23.5% નો તોતિંગ વધારો થયો છે. ક્વાર્ટર દરમિયાન કુલ ખર્ચ 32,458.3 કરોડ રૂપિયા નોંધાયો છે, જેની સીધી અસર કંપનીના નફા પર પડી છે.
EBITDA: ઓપરેટિંગ પરફોર્મન્સ સ્થિર રહ્યું છે અને EBITDA વાર્ષિક ધોરણે 3% વધીને 4,479 કરોડ રૂપિયા પર પહોંચ્યું છે.
શેરના ભાવ અને બજાર પર અસર
30 એપ્રિલના રોજ અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 0.63% ઘટીને 2,410.50 રૂપિયા પર બંધ થયો હતો. જોકે, છેલ્લા એક મહિનામાં આ શેરમાં 31% જેટલો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે.
પરિણામોની જાહેરાત માર્કેટ બંધ થયા પછી કરવામાં આવી હોવાથી, તેની સાચી અસર હવે 4 મે ના રોજ જ્યારે શેરબજાર ખુલશે ત્યારે જોવા મળશે. નોંધનીય છે કે 1 મે ના રોજ 'મહારાષ્ટ્ર ડે' નિમિત્તે BSE અને NSE માં રજા હોવાથી બજાર બંધ રહેશે.
શેરબજારમાં અત્યારે શું ચાલી રહ્યું છે?
30 એપ્રિલના રોજ શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. એક સમયે સેન્સેક્સ 1200 પોઈન્ટ સુધી તૂટ્યો હતો, પરંતુ છેલ્લી ઘડીએ આવેલી રિકવરીને કારણે સેન્સેક્સ 582 પોઈન્ટ ઘટીને 76,913 પર અને નિફ્ટી 180 પોઈન્ટ ઘટીને 23,997 પર બંધ થયા હતા.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.