અદાણી ગ્રુપના રોકાણવાળી Semindia Projectsને બેંગલુરુ સબર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ હેઠળ ₹665.61 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. K-RIDEએ મલિગે લાઇન (કોરિડોર-2)ના પેકેજ-1 માટે આ ઓર્ડર આપ્યો છે. પ્રોજેક્ટમાં એલિવેટેડ વાયાડક્ટ, ડબલ-ડેકર સ્ટ્રક્ચર સહિતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે અને કામ 24 મહિનામાં પૂર્ણ કરવાનું રહેશે.
કર્ણાટક રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની (K-RIDE)એ મલિગે લાઇન (કોરિડોર-2)ના પેકેજ-1 માટે 29 ઓક્ટોબરે કંપનીને લેટર ઑફ એક્સેપ્ટન્સ (LoA) જારી કર્યો હતો. GST વગર આ કોન્ટ્રાક્ટની કુલ કિંમત ₹665.61 કરોડ છે. આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 24 મહિનાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
નોંધનીય છે કે આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે થોડા સમય પહેલાં ઓગસ્ટમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ બેંગલુરુ સ્થિત નિવાસસ્થાને કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર સાથે મુલાકાત કરી હતી.
પ્રોજેક્ટમાં શું છે ખાસ?
આ પ્રોજેક્ટ હેઠળ 7.795 કિલોમીટર લાંબો એલિવેટેડ વાયાડક્ટ, રેમ્પ અને બેન્નિગનહલ્લીથી શેટ્ટીહલ્લી વચ્ચે સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે.
આ પ્રોજેક્ટનું સૌથી મહત્ત્વનું આકર્ષણ મથિકેરેમાં બનનારો 1.2 કિલોમીટર લાંબો ડબલ-ડેકર વાયાડક્ટ અને સ્ટેશન છે.
ગીચ વસ્તી ધરાવતા મથિકેરે અને યશવંતપુર વચ્ચે મોહન કુમાર રોડ પર જગ્યાની અછતને ધ્યાનમાં રાખીને આ ડબલ-ડેકર સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. તેમાં ઉપરના સ્તરે એલિવેટેડ સબર્બન રેલવે લાઇન હશે, જ્યારે નીચેના સ્તરે વાહનોની અવરજવર માટે રોડ ફ્લાયઓવર બનાવવામાં આવશે.
પ્રોજેક્ટમાં ફૂટ ઓવરબ્રિજ, મલ્ટીમોડલ ઇન્ટિગ્રેશન સુવિધાઓ, રોડ ફ્લાયઓવર રેમ્પ અને Y-લૂપ રેમ્પનું નિર્માણ પણ સામેલ છે. આ ઉપરાંત હેબ્બલ, શેટ્ટીહલ્લી અને યશવંતપુરમાં પણ વધારાનાં કામ કરવામાં આવશે.
K-RIDEએ અન્ય બે મોટા કોન્ટ્રાક્ટ પણ આપ્યા
K-RIDEએ કોરિડોર-4 (કનક લાઇન) માટે પણ બે અલગ-અલગ કોન્ટ્રાક્ટ ફાળવ્યા છે.
RNS-GPL જ્વોઇન્ટ વેન્ચરને ₹342 કરોડનો કોન્ટ્રાક્ટ
કોરિડોર-4ના પેકેજ-1નું કામ RNS-GPLના કન્સોર્ટિયમને ₹342 કરોડમાં સોંપવામાં આવ્યું છે. આ કોન્ટ્રાક્ટ હેઠળ બેન્નિગનહલ્લી અને જક્કુર વચ્ચે 6.2 કિલોમીટરનો એટ-ગ્રેડ અને 3.6 કિલોમીટરનો એલિવેટેડ વાયાડક્ટ બનાવવામાં આવશે. આ કામ પણ 24 મહિનામાં પૂર્ણ કરવાનું રહેશે.
RNS Infrastructureને ₹169 કરોડનો કોન્ટ્રાક્ટ
કોરિડોર-4 (હીલાલિગે-રાજાનુકુંટે)ના પેકેજ-2નો કોન્ટ્રાક્ટ RNS Infrastructureને ₹169 કરોડમાં મળ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ હીલાલિગે અને બેલંદુર વચ્ચે 13 કિલોમીટરનો એટ-ગ્રેડ સેક્શન તૈયાર કરવામાં આવશે.
આ રીતે K-RIDE દ્વારા બેંગલુરુ સબર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ હેઠળ અલગ-અલગ પેકેજના કામો માટે મોટા કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવ્યા છે. તેમાં Semindiaને મળેલો ₹665.61 કરોડનો ઓર્ડર પણ સામેલ છે.