અદાણી ગ્રુપના શેરોમાં રોકેટ જેવી તેજી, અમેરિકી કોર્ટના એક નિર્ણયે ભરી દીધો જોશ, જાણો સમગ્ર મામલો
અદાણી ગ્રુપના શેરોમાં 13% સુધીનો તોફાની ઉછાળો! અમેરિકી કોર્ટના એક નિર્ણયથી ગૌતમ અદાણીને મોટી રાહત. જાણો લાંચના આરોપો અને કોર્ટમાં શું થયું તે વિશે વિગતવાર.
અંબુજા સિમેન્ટ અને અદાણી એનર્જી બંનેમાં 10%ની અપર સર્કિટ લાગી. અદાણી પોર્ટ્સ, અદાણી પાવર અને ACC માં 6% થી 8% નો વધારો થયો હતો.
Adani Group Stocks: અદાણી ગ્રુપના શેરોમાં આજે બુધવારે આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. અમેરિકાની એક કોર્ટ તરફથી ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણીને મોટી રાહત મળવાના સંકેત મળતા જ ગ્રુપના તમામ શેરો રોકેટ ગતિએ ઉછળ્યા. આ ઉપરાંત, ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ ઓછો થતા બજારના સકારાત્મક માહોલની અસર પણ અદાણીના શેરો પર જોવા મળી.
અમેરિકી કોર્ટે અદાણી ગ્રુપના વકીલોની એ અરજી સ્વીકારી લીધી છે, જેમાં તેમણે SEC (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન) દ્વારા દાખલ કરાયેલા કેસને રદ કરવા માટે 'પ્રી-મોશન કોન્ફરન્સ'ની માંગ કરી હતી.
અમેરિકી કોર્ટમાં શું થયું?
અમેરિકી કોર્ટે અદાણી ગ્રુપની 'પ્રી-મોશન કોન્ફરન્સ' (કેસ રદ કરવાની અરજી દાખલ કરતા પહેલાની બેઠક) માટેની અરજીને મંજૂરી આપી છે. અદાણી ગ્રુપે SEC વિરુદ્ધ આ અરજી દાખલ કરી હતી, જેના પર કોર્ટે બંને પક્ષોને (અદાણી અને SEC) વાતચીત કરીને કોન્ફરન્સનો સમય નક્કી કરવા માટે નિર્દેશ આપ્યો છે.
આ પહેલા, ગૌતમ અદાણી અને સાગર અદાણીના વકીલોએ 30 એપ્રિલ સુધીમાં SECની ફરિયાદને રદ કરાવવાની યોજના પર કામ કરી રહ્યા હોવાનો સંકેત આપ્યો હતો. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે તેમની પાસે કેસને રદ કરવા માટે ઘણા મજબૂત આધારો છે.
અદાણી ગ્રુપની દલીલ શું છે?
અદાણી ગ્રુપના વકીલોએ મુખ્યત્વે ત્રણ દલીલો રજૂ કરી છે. આ કેસમાં અમેરિકી કોર્ટને સુનાવણી કરવાનો અધિકારક્ષેત્ર નથી, કારણ કે બંને આરોપી (ગૌતમ અદાણી અને સાગર અદાણી) ભારતીય નાગરિક છે. SEC દ્વારા લગાવવામાં આવેલા આરોપો ખોટા અને એટલા અસ્પષ્ટ છે કે તેના પર કોઈ કાયદાકીય કાર્યવાહી ન થઈ શકે. આ સમગ્ર લેવડ-દેવડમાં તેમની કોઈ સીધી સંડોવણી ન હોવાથી SECનો કેસ નબળો છે.
અદાણી ગ્રુપ પર SECના આરોપો શું છે?
અમેરિકાની SEC એ અદાણી ગ્રુપ પર 25 કરોડ ડોલરની લાંચખોરીનો આરોપ લગાવ્યો છે. SECના જણાવ્યા મુજબ, અદાણી ગ્રીનને ભારતમાં સોલર એનર્જીના કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને લાંચ આપવામાં આવી હતી અથવા આપવાનું વચન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગ્રુપ પર 2021 માં બોન્ડ દ્વારા 75 કરોડ ડોલર એકત્ર કરતી વખતે અમેરિકી રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ છે.
જોકે, અદાણી ગ્રુપનું કહેવું છે કે, બોન્ડ રોકાણકારોને કોઈ નાણાકીય નુકસાન થયું નથી અને 2024 માં તેમને વ્યાજ સહિત પૂરી રકમ પરત કરી દેવામાં આવી છે.
અદાણી ગ્રુપના શેરોની ચાલ
આ સકારાત્મક સમાચારને પગલે બુધવારના ટ્રેડિંગ સેશનમાં અદાણી ગ્રુપના શેરોમાં 13% સુધીનો જંગી ઉછાળો જોવા મળ્યો છે. અદાણી ગ્રીન અને અદાણી ટોટલ ગેસ માં 13% સુધીની તેજી જોવા મળી. ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 11% ઉછળ્યો. અંબુજા સિમેન્ટ અને અદાણી એનર્જી બંનેમાં 10%ની અપર સર્કિટ લાગી. અદાણી પોર્ટ્સ, અદાણી પાવર અને ACC માં 6% થી 8% નો વધારો થયો હતો. તો મીડિયા સ્ટોક NDTV માં પણ 12% નો ઉછાળો જોવા મળ્યો છે.