જાપાનની બહાર એશિયા-પેસિફિક શેરોનો MSCI ઇન્ડેક્સ 0.06% નીચે છે, જ્યારે ટોપિક્સમાં 1.66% નો ઘટાડો નોંધાયો છે.
Asian Market Today: આજના ગ્લોબલ માર્કેટમાંથી રોકાણકારો માટે ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. અમેરિકન બજારોમાં સેમિકન્ડક્ટર શેરોમાં ફરી એકવાર ભારે વેચવાલી જોવા મળી છે, જેની સીધી અને નકારાત્મક અસર એશિયન બજારો પર પડી છે. આ ઉપરાંત ભૌગોલિક તણાવ અને આર્થિક ડેટાએ પણ બજારના સેન્ટિમેન્ટને નબળું પાડ્યું છે.
એશિયન બજારોમાં મોટો કડાકો
એશિયન માર્કેટની શરૂઆત ખૂબ જ નબળી રહી છે. જાપાનનો પ્રખ્યાત નિક્કેઈ ઇન્ડેક્સ લગભગ 4% (3.93%) જેટલો તૂટી ગયો છે. તાઇવાનના માર્કેટમાં પણ 3.77% નો મોટો ઘટાડો નોંધાયો છે. દક્ષિણ કોરિયાના કોસ્પી માર્કેટમાં આજે 'કોન્સ્ટિટ્યુશન ડે' ની રજા હોવાથી કામકાજ બંધ છે. જાપાનની બહાર એશિયા-પેસિફિક શેરોનો MSCI ઇન્ડેક્સ 0.06% નીચે છે, જ્યારે ટોપિક્સમાં 1.66% નો ઘટાડો નોંધાયો છે. હોંગકોંગનો હેંગસેંગ 0.97% અને શાંઘાઈ માર્કેટ 0.78% તૂટ્યા છે.
ભારતીય બજાર માટે સંકેત આપતો ગિફ્ટ નિફ્ટી 24,113 ના સ્તર આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો, જે નિફ્ટી ફ્યુચર્સના અગાઉના ક્લોઝિંગ કરતાં 17 પોઈન્ટનું પ્રીમિયમ દર્શાવે છે. આ ભારતીય શેરબજાર માટે એક સ્થિર શરૂઆતનો સંકેત આપે છે.
અમેરિકન બજારની સ્થિતિ
અમેરિકન શેરબજારમાં ગુરુવારે ટેકનોલોજી અને સેમિકન્ડક્ટર શેરોમાં ભારે ધોવાણ થયું હતું. ડાઉ ફ્યુચર્સ 200 પોઇન્ટથી વધુ નીચે ચાલી રહ્યો છે. નાસ્ડેક 387.28 પોઇન્ટ (1.47%) ઘટીને 25,881.95 પર બંધ થયો હતો.
ડાઉ જોન્સ 105.32 પોઇન્ટ (0.20%) ઘટીને 52,553.32 પર અને S&P 500 38.63 પોઇન્ટ (0.51%) ઘટીને 7,533.77 પર આવી ગયા છે. એનવિડિયા 2.40% ઘટ્યો છે. AMD, બ્રોડકોમ, ઇન્ટેલ અને માઇક્રોન ટેકનોલોજી જેવા શેરો 5% થી વધુ તૂટ્યા. વેસ્ટર્ન ડિજિટલ અને સિગેટ ટેકનોલોજીના શેરમાં 12.6% સુધીનો કડાકો જોવા મળ્યો છે. જ્યારે એપલ 1.76% અને માઈક્રોસોફ્ટ 1.38% વધ્યા છે.
US-ઈરાન વચ્ચે વધતો તણાવ
ભૌગોલિક રાજનીતિની વાત કરીએ તો, અમેરિકાએ ઈરાન સામે એરસ્ટ્રાઈક વધારી છે અને મહત્ત્વના પુલો પર હુમલા કર્યા છે. સામે પક્ષે ઈરાને પણ મિડલ ઈસ્ટમાં અમેરિકાના સાથી દેશો પર મિસાઈલ હુમલા કર્યા છે અને યુદ્ધ વધુ ભડકવાની ચેતવણી આપી છે.
અમેરિકાના આર્થિક ડેટા
રિટેલ સેલ્સ: જૂન મહિનામાં અમેરિકાના રિટેલ સેલ્સમાં 0.2% નો મામૂલી વધારો થયો છે (મે મહિનામાં 1.0% નો વધારો હતો).
બેરોજગારી ક્લેમ: 11 જુલાઈએ પૂરા થયેલા સપ્તાહમાં બેરોજગારી ભથ્થા માટે અરજી કરનારાઓની સંખ્યા 8,000 ઘટીને 208,000 થઈ ગઈ છે, જે અર્થતંત્ર માટે થોડો રાહતનો શ્વાસ છે.
કોમોડિટી અને કરન્સી માર્કેટ
ક્રૂડ ઓઇલ
મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે કાચા તેલના ભાવ એપ્રિલ પછીના સૌથી ઊંચા સ્તરે છે. બ્રેન્ટ ક્રૂડ 1.27% વધીને $85.30 પ્રતિ બેરલ અને WTI ક્રૂડ 1.23% વધીને $79.92 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.
સોનું અને ચાંદી
ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાના ડરથી સોનામાં મોટી સાપ્તાહિક પડતી જોવા મળી રહી છે. સ્પોટ ગોલ્ડ $3,980.17 પ્રતિ ઔંસ પર છે. ચાંદી ઘટીને $55.50 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી છે.
કરન્સી
ડોલર ઇન્ડેક્સ 100.72 પર સ્થિર છે. જોકે, સૌથી મોટી ચિંતા જાપાનીઝ યેનને લઈને છે, જે 40 વર્ષના સૌથી નીચલા સ્તરે ગગડીને 162.38 પ્રતિ ડોલર પર પહોંચી ગયો છે.