ક્રૂડ ઓઇલ સસ્તું થતા એશિયાઈ બજારોમાં તેજી, નિક્કેઇ અને KOSPIમાં મોટો ઉછાળો, અમેરિકન માર્કેટે બનાવ્યો નવો રેકોર્ડ
ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા ઘટાડા અને અમેરિકા-ઈરાન વચ્ચેની સમજૂતીના સંકેતોથી ગ્લોબલ માર્કેટમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. એશિયન બજારો અને Wall Street માં રેકોર્ડ ઉછાળો. જાણો લેટેસ્ટ માર્કેટ અપડેટ.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલવાની આશાએ ગલ્ફ દેશોમાંથી ઓઇલ સપ્લાયની ચિંતા હળવી થઈ છે. જેના કારણે કાચા તેલના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત ઘટીને $79 પ્રતિ બેરલની નીચે આવી ગઈ છે, જ્યારે WTI ક્રૂડ $75ની નજીક પહોંચી ગયું છે.
Asian Market Today: આજના ગ્લોબલ માર્કેટમાંથી રોકાણકારો માટે ખૂબ જ સારા અને ઉત્સાહજનક સમાચાર આવી રહ્યા છે. ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા ઘટાડાને કારણે વૈશ્વિક શેરબજારોનું જોશ એકદમ 'હાઈ' છે. અમેરિકન બજારોમાં સળંગ ચોથા દિવસે જોરદાર તેજી નોંધાઈ છે, તો બીજી તરફ એશિયન માર્કેટમાં પણ ભારે રોનક જોવા મળી રહી છે.
એશિયન બજારોમાં શાનદાર ઉછાળો
બુધવારે સવારે એશિયન માર્કેટમાં શાનદાર શરૂઆત થઈ હતી. જેમાં દક્ષિણ કોરિયાનું બજાર સૌથી આગળ રહ્યું હતું. કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ માર્કેટ ખુલતાની સાથે જ 4%થી વધુ ઉછળ્યો હતો. જ્યારે સ્મોલ-કેપ કોસ્ડેકમાં 1.6%નો વધારો જોવા મળ્યો હતો. જાપાનના માર્કેટમાં પણ તેજી રહી. નિક્કેઇ 225 ઈન્ડેક્સ 1.83% અને ટોપિક્સ 0.9% ઉપર ચઢ્યા હતા. આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયાનો બેન્ચમાર્ક S&P/ASX 200 ઈન્ડેક્સ પણ 0.46% ના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.
Wall Streetએ બનાવ્યો નવો રેકોર્ડ
અમેરિકન માર્કેટમાં પણ સતત બીજા સેશનમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે. ડાઉ જોન્સ અને S&P 500 બંને ઇન્ડેક્સ પોતાની નવી રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયા છે.S&P 500 ઈન્ડેક્સ 1.8% વધીને પહેલીવાર 7,700 ની સપાટી પાર કરી ગયો છે. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં 900 પોઇન્ટથી વધુનો તોફાની ઉછાળો આવ્યો હતો. ચિપ શેરોમાં ભારે ખરીદી નીકળતા નેસ્ડેક (Nasdaq) ઇન્ડેક્સ 2.5% થી વધુ ઉછળ્યો છે. આ સાથે US બોન્ડ યીલ્ડ પણ ઘટીને 4.6% પર આવી ગઈ છે.
આ તેજી પાછળનું મુખ્ય કારણ શું છે?
આ રેકોર્ડ બ્રેક તેજી પાછળ અમેરિકન કંપનીઓના સારા ક્વાર્ટર પરિણામ અને જીઓ-પોલિટિકલ સમાચાર જવાબદાર છે. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટના એક નિવેદન મુજબ, અમેરિકા અને ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી ખોલવા માટે કોઈ સમજૂતીની નજીક પહોંચી શકે છે.
સસ્તું થયું ક્રૂડ ઓઇલ
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલવાની આશાએ ગલ્ફ દેશોમાંથી ઓઇલ સપ્લાયની ચિંતા હળવી થઈ છે. જેના કારણે કાચા તેલના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત ઘટીને $79 પ્રતિ બેરલની નીચે આવી ગઈ છે, જ્યારે WTI ક્રૂડ $75 ની નજીક પહોંચી ગયું છે. છેલ્લા બે સેશનમાં જ ક્રૂડ ઓઇલમાં 10% થી વધુનો ઘટાડો નોંધાયો છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિના પ્રયાસો
કતાર સરકારે જણાવ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે એક વચગાળાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે અને શિપિંગ રૂટ ફરી શરૂ કરવા માટે વાતચીત આગળ વધી રહી છે. રિપોર્ટ્સ મુજબ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે ફોન પર વાતચીત કરીને તણાવ ઓછો કરવાના પ્રયાસો પર ચર્ચા કરી છે. જોકે, આનાથી ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામની સમસ્યાઓ સંપૂર્ણપણે ઉકેલાઈ જશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.
સોના અને ચાંદીના ભાવમાં પણ ચમકારો
યુદ્ધની સ્થિતિ હળવી થવાથી અને મોંઘવારીની ચિંતા ઘટવાથી, એવી અપેક્ષા છે કે અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધુ વધારો નહીં કરે. આ કારણે સોનાના ભાવમાં તેજી આવી છે.સ્પોટ ગોલ્ડ 0.5% વધીને $4,076.47 પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે, જે $4,080 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. ચાંદીમાં પણ 2.3% નો ઉછાળો આવ્યો છે અને તે $59.51 પ્રતિ ઔંસ પર છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.