દક્ષિણ કોરિયા: કોસ્પી (Kospi) ઈન્ડેક્સમાં 6.95% નો તોફાની ઉછાળો નોંધાયો છે, જ્યારે કોસડેક 5.08% વધ્યો છે.
Asian Market Today: આજે એશિયન શેરબજારોમાં જબરદસ્ત રોનક જોવા મળી રહી છે. અમેરિકામાં મોંઘવારીના આંકડા અપેક્ષા કરતા ઘણા સારા આવ્યા છે. આના કારણે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો થવાની શક્યતાઓ ઘટી ગઈ છે. આ ઉપરાંત, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સેક્ટરના શેરોમાં નવી તેજી આવવાથી રોકાણકારોના સેન્ટિમેન્ટને મોટો ટેકો મળ્યો છે. આ જ કારણ છે કે આજે ગ્લોબલ અને એશિયન માર્કેટ લીલા નિશાનમાં ટ્રેડ કરી રહ્યા છે.
એશિયન બજારોની લેટેસ્ટ સ્થિતિ
ચિપ બનાવતી કંપનીઓના શેરોમાં ભારે ખરીદીના કારણે બજારોમાં ઉછાળો આવ્યો છે. ચાલો જોઈએ એશિયાના મુખ્ય ઈન્ડેક્સની સ્થિતિ,,,કોસ્પી ઈન્ડેક્સમાં 6.95% નો તોફાની ઉછાળો નોંધાયો છે, જ્યારે કોસડેક 5.08% વધ્યો છે.
નિક્કેઈ 225 0.87% અને ટોપિક્સ 0.23% ની મજબૂતી સાથે ટ્રેડ કરી રહ્યા છે.હોંગકોંગનો હેંગ સેંગ 1.10% અને સ્ટ્રેટ ટાઈમ્સ 0.57% ઉપર છે. તાઈવાનનું બજાર 1.43% વધીને 45,379.03 પર પહોંચ્યું છે, જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ 0.08% વધીને 3,974.02 ના સ્તર પર છે.
અમેરિકન બજારોમાં પણ શાનદાર રિકવરી
મંગળવારે અમેરિકન શેરબજાર પણ સારી એવી વધઘટ બાદ ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. બેન્કોની સારી કમાણી અને મોંઘવારી ઘટવાના રિપોર્ટથી બજારને ફાયદો થયો છે. ડાઉ જોન્સ 10.02 પોઈન્ટ વધીને 52,508.66 પર બંધ થયો.
S&P 500 ઈન્ડેક્સ 28.55 પોઈન્ટ (0.38%) વધીને 7,543.89 પર પહોંચ્યો. નાસ્ડેક 233.83 પોઈન્ટ એટલે કે 0.90% ના મોટા ઉછાળા સાથે 26,107.01 પર બંધ રહ્યો.
ટેક અને AI શેરોમાં જબરદસ્ત ખરીદી
ચિપ અને AI કંપનીઓમાં રોકાણકારોએ પડાપડી કરી છે. એનવિડિયા 4.06%, AMD 2.57%, ઈન્ટેલ 4.50% અને માઈક્રોન ટેકનોલોજી 4.92% ઉછળ્યા છે. સૌથી મોટો ફાયદો SK હાઈનિક્સને થયો છે જેનો શેર 27.29% ઉછળ્યો છે. ટેસ્લામાં 0.36% નો સામાન્ય વધારો જોવા મળ્યો છે. જોકે, માઈક્રોસોફ્ટ 1.55% અને એપલ 0.77% ઘટ્યા હતા.
IBM ના શેરમાં 25% નો કડાકો
ટેક જાયન્ટ IBM ના શેરમાં આજે 25.21% નો મોટો ઘટાડો નોંધાયો છે. કંપનીએ Q2ના પરિણામો ખૂબ જ નિરાશાજનક આપ્યા છે. સોફ્ટવેર સેક્ટરમાંથી ડેટા-સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરફ ખર્ચ વધારવાના કારણે કંપનીની કમાણી પર ખરાબ અસર પડી છે. અંદાજ હતો કે કંપની 17.86 બિલિયન ડોલરની કમાણી કરશે, પરંતુ તે ઘટીને 17.2 બિલિયન ડોલર રહેવાની ધારણા છે.
US-ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા
વૈશ્વિક તણાવની વાત કરીએ તો, US પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના તમામ બંદરો પર ફરીથી નેવલ બ્લોકેડ લગાવી દીધી છે. તેમણે સ્પષ્ટ ધમકી આપી છે કે જો ઈરાન વાટાઘાટો નહિ કરે તો આવતા સપ્તાહે તેમના પાવર પ્લાન્ટ અને પુલ પર હુમલા કરવામાં આવશે. US આર્મીએ સતત ચોથા દિવસે ઈરાન પર હુમલા કર્યા છે. આના જવાબમાં ઈરાને મહત્વની ગણાતી 'હોર્મુઝ સ્ટ્રેટ' ફરીથી બંધ કરી દીધી છે.
મોંઘવારીના રાહત આપતા આંકડા
જૂન મહિનામાં અમેરિકામાં કન્ઝ્યુમર મોંઘવારી દર અપેક્ષા કરતા વધુ ઝડપથી ઘટ્યો છે. વાર્ષિક ધોરણે મોંઘવારી 3.5% રહી છે, જે મે મહિનામાં 4.2% હતી. માસિક ધોરણે પણ તેમાં 0.4% નો નોંધપાત્ર ઘટાડો થયો છે. આ ડેટાએ રોકાણકારોને મોટી રાહત આપી છે.
સોના અને ક્રૂડ ઓઈલના લેટેસ્ટ ભાવ
મોંઘવારી ઘટતા સોનાના ભાવ સ્થિર થયા છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં સ્પોટ ગોલ્ડ 4,054.36 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે ચાંદી 0.2% વધીને 58.80 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી છે.
બીજી તરફ, અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ અને નાકાબંધીના કારણે કાચા તેલની કિંમતોમાં ભડકો થયો છે. બ્રેન્ટ ક્રૂડ 1.72% વધીને 86.19 ડોલર પ્રતિ બેરલ અને WTI ક્રૂડ 1.4% વધીને 80.40 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.