Banks vs NBFCs: શેરબજારમાં બેન્કિંગ શેરોની ચમક ફીકી પડી, NBFCની બાજી, જાણો રોકાણકારો માટે આ 5 મોટા કારણો
છેલ્લા એક વર્ષમાં બેન્કિંગ શેરો કરતાં NBFC શેરોએ રોકાણકારોને વધુ રિટર્ન આપ્યું છે. બેંકોની મજબૂત સ્થિતિ છતાં તેમની ચમક કેમ ઘટી રહી છે? જાણો નિષ્ણાતોએ જણાવેલા 5 મુખ્ય કારણો.
અત્યારે મોટી પ્રાઈવેટ બેંકોના શેરહોલ્ડર્સનું રિટર્ન ઘટી રહ્યું છે, જ્યારે દિગ્ગજ NBFCનું રિટર્ન ઓન ઇક્વિટી વધી રહ્યું છે.
Banks vs NBFCs: શેરબજારમાં રોકાણ કરતા લોકો માટે અત્યારે એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. બેંકોની લોન બુકમાં સતત વધારો થઈ રહ્યો છે, એસેટ ક્વોલિટી મજબૂત છે અને બેડ લોન રેકોર્ડ નીચલા સ્તરે છે. આમ છતાં, મોટા બેન્કિંગ શેરો રોકાણકારોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યા છે. તેની સામે નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓના શેરોમાં રોકાણકારોનો ભારે રસ જોવા મળી રહ્યો છે.
સામકો સિક્યોરિટીઝના CEO અને ફાઉન્ડર જિમીત મોદીના જણાવ્યા અનુસાર, આનો અર્થ એવો બિલકુલ નથી કે બેંકોનું મેનેજમેન્ટ ખરાબ છે, પરંતુ હકીકતમાં બેંકિંગ સેક્ટરના સમીકરણો બદલાઈ ગયા છે. ચાલો જાણીએ તે 5 મુખ્ય કારણો જેના લીધે બેંકો કરતા NBFC આગળ નીકળી ગઈ છે.
1. બેંકોના રિટર્નમાં થઈ રહ્યો છે ઘટાડો
અત્યારે મોટી પ્રાઈવેટ બેંકોના શેરહોલ્ડર્સનું રિટર્ન ઘટી રહ્યું છે, જ્યારે દિગ્ગજ NBFCનું રિટર્ન ઓન ઇક્વિટી વધી રહ્યું છે. લાંબા સમય સુધી બેંકો પાસે મોટી માત્રામાં ગ્રાહકોની ડિપોઝિટ રહેતી હતી, જેના આધારે તેઓ વધુ લોન આપી શકતા હતા. પરંતુ હવે લેન્ડિંગ માર્જિન ઘટવાને કારણે બેંકોના રિટર્ન પર નેગેટિવ અસર દેખાઈ રહી છે. બીજી તરફ, વધુ સારા માર્જિનને કારણે NBFC નું રિટર્ન મજબૂત બની રહ્યું છે.
2. રેપો રેટ લિંક્ડ લોને વધારી બેંકોની મુશ્કેલી
ફેબ્રુઆરી 2025 થી RBI એ રેપો રેટમાં 125 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. બેંકોની લગભગ 60% લોન સીધી રેપો રેટ સાથે જોડાયેલી હોય છે, તેથી વ્યાજદરો ઘટતા બેંકોની આવક તરત ઘટી ગઈ. પરંતુ સામે પક્ષે બેંક ડિપોઝિટ પરનું વ્યાજ 6 થી 12 મહિના પછી મેચ્યોર થાય ત્યારે બદલાય છે. એટલે કે બેંકોની આવક પહેલા ઘટી અને ખર્ચ મોડો ઘટ્યો. જ્યારે NBFC માં મોટેભાગે ઓટો, ગોલ્ડ અને SME લોનના વ્યાજદરો ફિક્સ હોય છે, તેથી તેમની આવક અકબંધ રહી અને ફંડિંગનો ખર્ચ ઘટી ગયો.
3. બેંકોમાં ઘટી રહેલી ડિપોઝિટ
દાયકાઓથી બેંકોને સસ્તા દરે સેવિંગ્સ એકાઉન્ટની ડિપોઝિટ મળી રહેતી હતી. પરંતુ હવે લોકો પોતાના પૈસા મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજાર જેવા પ્રોડક્ટ્સમાં રોકી રહ્યા છે. ઇકોનોમિક સર્વે 2025-26 મુજબ, પરિવારોની બચતનો બેંકોમાં જમા હિસ્સો FY12 માં 57.9% હતો, જે ઘટીને FY25 માં માત્ર 35.2% રહી ગયો છે. આથી હવે બેંકોએ પણ બજારમાંથી બોન્ડ્સ અને CD દ્વારા મોંઘા દરે પૈસા ઉભા કરવા પડે છે.
4. અમુક ખાસ સેક્ટરમાં NBFC ની સરસાઈ
ભલે બેંકોનો લોન ગ્રોથ સારો હોય, પરંતુ તેઓ મોટાભાગે કોર્પોરેટ જગતને લોન આપે છે જ્યાં માર્જિન ઓછું હોય છે. તેની સામે NBFC ગોલ્ડ લોન, જૂની ગાડીઓની લોન, અફોર્ડેબલ હાઉસિંગ લોન અને નાના વેપારીઓને લોન આપવામાં માસ્ટર બની ગઈ છે. આ સેગમેન્ટમાં સ્થાનિક જાણકારી અને લોન વસૂલાતની ક્ષમતાના જોરે NBFC મોટો નફો રળી રહી છે.
5. બેંકોની લીડરશિપમાં મોટા ફેરફાર
RBI ના નિયમો મુજબ બેંકોના CEOનો કાર્યકાળ નિશ્ચિત હોય છે. 2026ની આસપાસ ઘણી સરકારી અને પ્રાઈવેટ બેંકોના CEO ના કાર્યકાળ એકસાથે પૂરા થઈ રહ્યા છે. જ્યારે લીડરશિપ બદલાય છે, ત્યારે નવા નિર્ણયો લેવામાં વિલંબ થાય છે. રોકાણકારો આ સમયે થોડા સાવચેત બની જાય છે, જેની સીધી અસર બેન્કિંગ શેરો પર જોવા મળી રહી છે.
આવા સમયે રોકાણકારોએ શું કરવું જોઈએ?
આ ટ્રેન્ડની અસર માર્કેટમાં સ્પષ્ટ દેખાય છે. છેલ્લા એક વર્ષમાં નિફ્ટી બેંક માત્ર 3.51% વધ્યો છે, જ્યારે ફાઇનાન્સિયલ સર્વિસીસ ઇન્ડેક્સમાંથી બેંકોને બાદ કરીએ તો તેણે 6.77% જેટલું મજબૂત રિટર્ન આપ્યું છે. નિષ્ણાતોના મતે, ગ્રાહકો હવે બેંકને બદલે માર્કેટ-લિંક્ડ પ્રોડક્ટ્સ તરફ વળ્યા છે જે બેંકો માટે મોટો પડકાર છે. તેથી, રોકાણકારોએ હવે માત્ર બેંકોનો 'લોન ગ્રોથ' જોવાના બદલે, તેમની 'લોન યીલ્ડ' (લોન પર મળતું વ્યાજ) અને તેમની પાસે કેટલી 'સસ્તી ડિપોઝિટ' છે, તેના પર ખાસ ધ્યાન આપીને જ રોકાણ કરવું જોઈએ.
ડિસ્ક્લેમર:- Moneycontrol.com પર વ્યક્ત કરવામાં આવેલા મંતવ્યો નિષ્ણાતોના પોતાના અંગત મંતવ્યો છે. આ મંતવ્યો કે ભલામણો માટે વેબસાઇટ અથવા તેનું મેનેજમેન્ટ કોઈપણ રીતે જવાબદાર નથી. મનીકંટ્રોલ તેના યુઝર્સને આગ્રહ કરે છે કે કોઈપણ પ્રકારનો રોકાણનો નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નાણાકીય નિષ્ણાતની સલાહ ચોક્કસથી લેવી.