શેરબજારમાં મોટો કડાકો: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23700ની નીચે, જાણો કેમ બગડ્યો માર્કેટનો મૂડ? | Moneycontrol Gujarati
Get App

શેરબજારમાં મોટો કડાકો: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23700ની નીચે, જાણો કેમ બગડ્યો માર્કેટનો મૂડ?

Stock Market opening bell : શેરબજારમાં આજે મોટો કડાકો જોવા મળ્યો છે. ગ્લોબલ માર્કેટના ખરાબ સંકેતો અને મોંઘા ક્રૂડને કારણે સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો અને નિફ્ટી 23700ની નીચે પહોંચી ગયો છે. જાણો બજારની લેટેસ્ટ સ્થિતિ.

અપડેટેડ 09:48:35 AM Jul 24, 2026 પર
Story continues below Advertisement
Stock Market opening bell : શેરબજારમાં આજે મોટો કડાકો જોવા મળ્યો છે.

Stock Market opening bell : શેરબજારમાં આજે રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે. ગ્લોબલ માર્કેટમાંથી આવતા નબળા સંકેતો અને કાચા તેલ (Crude Oil) ના વધતા ભાવોને કારણે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારમાં સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ તૂટ્યો છે, જ્યારે નિફ્ટી 23700ના મહત્વના લેવલની નીચે સરકી ગયો છે. મોટા શેરોની વાત કરીએ તો IndiGo અને Infosys જેવા દિગ્ગજ શેરોમાં મોટું ગાબડું પડ્યું છે, જોકે આ ખરાબ માહોલમાં પણ Ciplaના શેરમાં તેજી જોવા મળી છે અને તે લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે.

શેરબજારમાં કડાકાના મુખ્ય 3 કારણો

1) કાચા તેલના ભાવમાં ઉછાળો: ક્રૂડ ઓઇલના ભાવ ઊંચકાવવાને કારણે વૈશ્વિક બજારોનો મૂડ ખરાબ થયો છે. જેની સીધી અસર ભારતીય બજારો પર પડી છે.

2) FIIsની મોટી વેચવાલી: વિદેશી રોકાણકારો (FIIs) એ કેશ માર્કેટમાં અંદાજે 3000 કરોડ રૂપિયાની માતબર વેચવાલી કરી છે.

3) લોંગ શોર્ટ રેશિયો: બજારનો લોંગ શોર્ટ રેશિયો પણ ઘટીને 8%ની નીચે આવી ગયો છે, જે નબળાઈનો સંકેત આપે છે.


ગ્લોબલ અને એશિયન માર્કેટની સ્થિતિ

માત્ર ભારતીય બજાર જ નહીં, પરંતુ એશિયન અને અમેરિકન બજારોમાં પણ આજે ભારે નિરાશા છવાયેલી છે. એશિયન માર્કેટમાં નિક્કેઇ અને કોસ્પીમાં 3%નો જંગી ઘટાડો આવ્યો છે. બીજી તરફ, અમેરિકન માર્કેટની વાત કરીએ તો, મોંઘુ ક્રૂડ અને બોન્ડ યીલ્ડ આ વર્ષની ટોચ પર પહોંચવાને કારણે યુએસ માર્કેટમાં પણ ભારે વેચવાલી જોવા મળી છે. ડાઉ જોન્સ 500 પોઈન્ટથી વધુ તૂટ્યો છે, જ્યારે નાસ્ડેકમાં પણ 2%નો ઘટાડો નોંધાયો છે.

બજારની શરૂઆત કેવી રહી?

નિફ્ટી 50નું શરૂઆતી ઇન્ડિકેટર ગણાતું GIFT નિફ્ટી પણ આજે 23689 પર ટ્રેડ કરી રહ્યું હતું અને તેમાં લગભગ પોણા બસ્સો (175) પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. નબળા વૈશ્વિક સંકેતોને લીધે ભારતીય બજારો આજે ગેપ-ડાઉન ખુલ્યા હતા. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 610.07 પોઈન્ટ (0.80%) ઘટીને 75781.32 ના સ્તરે અને નિફ્ટી 169.15 પોઈન્ટ (0.71%) ઘટીને 23700.45 પર આવી ગયો હતો. અગાઉના સેશનમાં પણ નિફ્ટી 50 માં 126.65 પોઈન્ટ્સ (0.53%) નો ઘટાડો થયો હતો અને તે 23869.60 પર બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ 363.66 પોઈન્ટ્સ (0.47%) ના ઘટાડા સાથે 76391.39 પર બંધ થયો હતો. સતત ચોથા સેશનમાં આવેલો આ ઘટાડો 6 જૂન પછીનો સૌથી લાંબો ઘટાડાનો દોર છે.

શેરોની વધ-ઘટનો આંકડો

આજના ટ્રેડિંગ સેશનમાં મોટાભાગના શેરો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. માર્કેટ બ્રેડ્થ એકદમ નબળી છે:

* 1376 શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

* 559 શેરોમાં સામાન્ય વધારો થયો છે.

* જ્યારે 98 શેરોના ભાવમાં કોઈ ફેરફાર નોંધાયો નથી.

હાલમાં શેરબજારમાં વોલેટિલિટી (ઉતાર-ચઢાવ) ખૂબ વધારે જોવા મળી રહી છે. ગ્લોબલ માર્કેટનું દબાણ, મોંઘુ ક્રૂડ ઓઇલ અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલી બજાર માટે ચિંતાનો વિષય બન્યો છે. જ્યાં સુધી વૈશ્વિક સંકેતોમાં સુધારો ન આવે, ત્યાં સુધી રોકાણકારોએ સાવચેતીપૂર્વક અને સ્ટોપ-લોસ સાથે ટ્રેડિંગ કરવું હિતાવહ છે.

શેર બજારમાં રોકાણ કરતા લોકો માટે શુક્રવારનો દિવસ ભારે નિરાશાજનક સાબિત થયો છે. માર્કેટ ખુલતાની સાથે જ તેમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. ટ્રેડિંગની શરૂઆતની ગણતરીની મિનિટોમાં જ રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, કારણ કે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સમાં મોટું ગાબડું પડ્યું છે.

સેન્સેક્સ અને નિફ્ટીની હાલત

શુક્રવારે, 24 જુલાઈના રોજ શેર બજારમાં ભારે વેચવાલીનો માહોલ રહ્યો. સેન્સેક્સ લાલ નિશાન સાથે 75,708.19ના સ્તર પર ખુલ્યો હતો. માર્કેટ ઓપન થયાની થોડી જ વારમાં તે પાછલા ક્લોઝિંગ કરતા લગભગ 778 પોઈન્ટ નીચે ખાબક્યો અને 75,613.43ના નીચલા સ્તર પર પહોંચી ગયો હતો.

બીજી બાજુ, નિફ્ટીની વાત કરીએ તો તેની શરૂઆત પણ નબળી રહી હતી. નિફ્ટી ઘટાડા સાથે 23,666.35 પર ખુલ્યો હતો. ત્યારબાદ તેમાં પણ 223 પોઈન્ટનો ભારે ઘટાડો જોવા મળ્યો અને તે 23,646.90 ના સ્તર સુધી ગગડી ગયો. આમ, નિફ્ટી 23700 ની મહત્વની સપાટી તોડીને નીચે સરકી ગયો છે.

માત્ર થોડી મિનિટોમાં 3.58 લાખ કરોડ રૂપિયાનું નુકસાન

આજના આ કડાકાને કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં તોતિંગ ઘટાડો નોંધાયો છે. બજાર ખુલતા જ રોકાણકારોની સંપત્તિમાંથી 3.58 લાખ કરોડ રૂપિયાથી વધુ સાફ થઈ ગયા છે.

આંકડાકીય રીતે સમજીએ તો:

ગુરુવારે, 23 જુલાઈએ જ્યારે શેર બજાર બંધ થયું ત્યારે BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 4,76,60,985.926 કરોડ રૂપિયા નોંધાયું હતું.

શુક્રવારે માર્કેટ ખુલતાની સાથે જ તેમાં મોટો ઘટાડો આવ્યો અને આ આંકડો ઘટીને સીધો 4,73,02,449.65 કરોડ રૂપિયા થઈ ગયો.

આનો સીધો અર્થ એ છે કે માર્કેટ કેપમાં 3,58,536.276 કરોડ રૂપિયાનો જંગી ઘટાડો થયો છે, જે રોકાણકારો માટે મોટો ફટકો છે.

શેર બજારમાં આ પ્રકારનો અચાનક કડાકો રોકાણકારોના શ્વાસ અધ્ધર કરી દે છે. બજારમાં જ્યારે પણ આટલી મોટી ઉથલપાથલ જોવા મળે, ત્યારે એક્સપર્ટ્સ હંમેશા સલાહ આપે છે કે ગભરાઈને વેચાણ કરવાને બદલે બજાર સ્થિર થવાની રાહ જોવી જોઈએ. હાલના સંજોગોમાં રોકાણકારોએ સાવચેતીપૂર્વક પોતાના નિર્ણયો લેવા જરૂરી છે.

આ પણ વાંચો- Share Market Today: નિફ્ટી 23,800નો સપોર્ટ તોડશે તો આવશે મોટો કડાકો! જાણો આજના બજારનો સંપૂર્ણ ટ્રેડ સેટઅપ

Disclaimer: મનીકંટ્રોલ.કોમ પર આપવામાં આવેલી સલાહ કે વિચારો એક્સપર્ટ/બ્રોકરેજ ફર્મના અંગત મંતવ્યો છે. વેબસાઇટ કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલ દ્વારા સલાહ આપવામાં આવે છે કે કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા હંમેશા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવી.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 24, 2026 9:42 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.