Closing Bell: શેરબજારમાં કોહરામ, ક્રૂડ ઓઈલના ભડકે સેન્સેક્સ 1400 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24050ની નીચે ખાબક્યો | Moneycontrol Gujarati
Get App

Closing Bell: શેરબજારમાં કોહરામ, ક્રૂડ ઓઈલના ભડકે સેન્સેક્સ 1400 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24050ની નીચે ખાબક્યો

9 માર્ચે શેરબજારમાં મોટો કડાકો: વૈશ્વિક તણાવ અને ક્રૂડ ઓઈલ 112 ડોલરને પાર થતાં સેન્સેક્સ 1352 પોઈન્ટ અને નિફ્ટી 422 પોઈન્ટ તૂટ્યો. જાણો આજના ટોપ લૂઝર અને ગેનર શેર વિશે માહિતી.

અપડેટેડ 03:54:49 PM Mar 09, 2026 પર
Story continues below Advertisement
બજારના આટલા ખરાબ માહોલમાં પણ આઈટી અને ફાર્મા સેક્ટરે થોડો ટેકો આપ્યો હતો.

Closing Bell: ભારતીય શેરબજારમાં 9 માર્ચે સળંગ બીજા સત્રમાં ભારે વેચવાલી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચતા બજારમાં જાણે કોહરામ મચી ગયો છે. રોકાણકારોમાં ગભરાટનો માહોલ છે, જેના કારણે મોટાભાગના તમામ સેક્ટરમાં ભારે ઘટાડો નોંધાયો છે.

આજના બજારની સ્થિતિ પર નજર કરીએ તો, કારોબારના અંતે બજારના બંને મુખ્ય સૂચકાંકો મોટા ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા છે, સેન્સેક્સ 1352.74 પોઈન્ટના કડાકા સાથે 77,566.16 ના સ્તર પર બંધ થયો. જ્યારે નિફ્ટી 422.40 પોઈન્ટ તૂટીને 24,028.05ના સ્તર પર બંધ થયો.

નિફ્ટીમાં 10% થી વધુનું કરેક્શન

તમને જણાવી દઈએ કે, નિફ્ટી હવે તેના રેકોર્ડ હાઈ લેવલથી ઘણો નીચે આવી ગયો છે. 5 જાન્યુઆરીના રોજ નિફ્ટીએ 26,373 ની લાઈફટાઈમ હાઈ સપાટી બનાવી હતી. હાલમાં તે આ ટોચના સ્તરથી 10 ટકા કરતાં પણ વધુ તૂટી ચૂક્યો છે. ટેકનિકલ ભાષામાં કહીએ તો, બજાર હવે સત્તાવાર રીતે 'કરેક્શન ઝોન' માં પ્રવેશી ચૂક્યું છે.

બજાર કેમ તૂટ્યું?


શેરબજારમાં આટલા મોટા કડાકા પાછળનું મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલો તણાવ છે. આ જિયો-પોલિટિકલ ટેન્શનને કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ ઉછળીને લગભગ 112 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે. ક્રૂડ મોંઘુ થવાથી વૈશ્વિક અર્થવ્યવસ્થા અને સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની ભીતિ ઊભી થઈ છે, જેની સીધી અસર ભારતીય બજાર પર પડી છે.

આજના ટોપ લૂઝર

નિફ્ટી 50ના દિગ્ગજ શેરોમાં આજે ભારે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું.

અલ્ટ્રાટેક સિમેન્ટ : સૌથી વધુ 4.98 ટકા તૂટીને 11,390 રૂપિયાની આસપાસ બંધ થયો.

ઓટો અને બેન્કિંગ શેરમાં ધોવાણ: મારુતિ સુઝુકી (4.53%), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (4.52%), સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI - 3.81%), ટાટા સ્ટીલ (3.68%) અને અદાણી પોર્ટ્સ (3.68%) માં મોટો ઘટાડો નોંધાયો. આ ઉપરાંત ટાટા મોટર્સ, આઈશર મોટર્સ, બજાજ ઓટો, ઈન્ડિગો અને કોટક બેંક જેવા શેરો પણ ખરાબ રીતે તૂટ્યા હતા.

આજના ટોપ ગેનર

બજારના આટલા ખરાબ માહોલમાં પણ આઈટી અને ફાર્મા સેક્ટરે થોડો ટેકો આપ્યો હતો.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries): આજે નિફ્ટીનો ટોપ ગેનર રહ્યો. તેનો શેર 1.05 ટકા વધીને 1,419.95 રૂપિયા પર બંધ થયો. અન્ય વધતા શેરોમાં ઈન્ફોસિસ (0.52%), સન ફાર્મા (0.35%), એચસીએલ ટેક (0.30%) અને ટેક મહિન્દ્રા (0.23%) નો સમાવેશ થાય છે. વિપ્રો અને અપોલો હોસ્પિટલમાં પણ સામાન્ય તેજી જોવા મળી હતી.

તમામ સેક્ટરમાં લાલાશ, PSU બેંકોના ભુક્કા બોલ્યા

સોમવારના ટ્રેડિંગ સેશનમાં લગભગ તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે.

સૌથી ખરાબ હાલત નિફ્ટી PSU બેંક ઈન્ડેક્સ ની રહી, જે 5 થી 6 ટકા જેટલો તૂટી ગયો. ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, રિયલ્ટી, ઓઈલ એન્ડ ગેસ અને પ્રાઈવેટ બેંક સેક્ટરમાં પણ 2 થી 4 ટકા સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે.

બજારનું આ દબાણ માત્ર મોટા શેરો પૂરતું સીમિત ન હતું; મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ 2-2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જે દર્શાવે છે કે નાના શેરોમાં પણ રોકાણકારો માલ વેચીને નીકળી રહ્યા છે.

વૈશ્વિક બજારોમાં પણ રક્તપાત ક્રૂડ ઓઈલની આગ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આખી દુનિયાના શેરબજારોને દઝાડી રહી છે. એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 8 ટકા જેટલો ધરાશાયી થયો, જ્યારે જાપાનનો નિક્કેઈ 6 ટકા ગગડ્યો છે.

અમેરિકન બજારોમાં પણ વેચવાલીનો દોર ચાલુ છે. ગઈકાલના સત્રમાં S&P 500 ઈન્ડેક્સ 1.33 ટકા, નેસ્ડેક (Nasdaq) 1.59 ટકા અને ડાઉ જોન્સ (Dow Jones) 0.95 ટકા તૂટીને બંધ થયા હતા. હાલમાં શેરબજારની ચાલ સંપૂર્ણપણે આંતરરાષ્ટ્રીય સમાચારો અને ક્રૂડ ઓઈલની કિંમતો પર નિર્ભર છે. જ્યાં સુધી અમેરિકા અને ઈરાન વચ્ચેનો વિવાદ શાંત નહીં થાય, ત્યાં સુધી બજારમાં આવી જ ઉથલપાથલ રહેવાની શક્યતા છે. રોકાણકારોએ હાલ પૂરતી સાવચેતી રાખવી જરૂરી છે.

આ પણ વાંચો-શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ-નિફ્ટી હાઈથી 10% ગગડ્યા, શું હવે SIP બંધ કરી દેવી જોઈએ? જાણો એક્સપર્ટની સલાહ

MoneyControl News

MoneyControl News

First Published: Mar 09, 2026 3:54 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.