Share Market Crash: ભારતીય શેરબજારમાં આજે એટલે કે 27 ફેબ્રુઆરીએ મોટો કડાકો જોવા મળ્યો છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સમાં 600થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી ગગડીને 25,300ના લેવલની નીચે સરકી ગયો હતો. વૈશ્વિક બજારોના નબળા સંકેતો અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીને કારણે બજારના સેન્ટિમેન્ટ પર ભારે દબાણ જોવા મળ્યું છે.
આજના કડાકામાં માત્ર આઈટી (IT) સેક્ટર જ ગ્રીન ઝોનમાં હતું, બાકીના તમામ 15 મુખ્ય સેક્ટોરલ ઈન્ડેક્સ લાલ નિશાન પર ટ્રેડ કરી રહ્યા હતા. આ ઉપરાંત નિફ્ટી સ્મોલકેપ 100 અને નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સમાં પણ 1 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
* શેરબજાર તૂટવા પાછળના 5 મુખ્ય કારણો:
1. ગ્લોબલ માર્કેટના નબળા સંકેતો
ભારતીય બજારને આજે વિદેશી બજારો તરફથી કોઈ સપોર્ટ મળ્યો ન હતો. એશિયન માર્કેટમાં સાઉથ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કેઈ 225 અને શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ સવારે ઘટાડા સાથે ખુલ્યા હતા. ગઈકાલે ગુરુવારે અમેરિકા અને યુરોપના શેરબજારો પણ લાલ નિશાનમાં બંધ થયા હતા. એસએન્ડપી 500 (S&P 500) માં પણ ઘટાડો નોંધાયો હતો. ખાસ કરીને દિગ્ગજ કંપની એનવિડિયા (Nvidia) ના રિઝલ્ટ સારા આવ્યા અને તેણે 78 અબજ ડોલરનું શાનદાર રેવન્યુ ગાઈડન્સ આપ્યું હોવા છતાં કંપનીના શેરમાં 5.5% નો ઘટાડો થયો. આની સીધી અસર સેમિકન્ડક્ટર શેરો અને સમગ્ર ગ્લોબલ સેન્ટિમેન્ટ પર પડી છે.
2. વિદેશી રોકાણકારો (FIIs) ની ભારે વેચવાલી
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) સતત પોતાનો માલ વેચી રહ્યા છે. ગુરુવારે જ તેમણે અંદાજે 3,466 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. આ પહેલા બુધવારે પણ તેઓ નેટ સેલર રહ્યા હતા. જ્યારે વિદેશી રોકાણકારો સતત પૈસા પાછા ખેંચે છે, ત્યારે ભારતીય બજારમાંથી મૂડી બહાર જાય છે અને માર્કેટ પર દબાણ વધે છે.
3. ઈન્ડિયા VIX (વોલેટિલિટી ઈન્ડેક્સ)માં ઉછાળો
બજારમાં રોકાણકારોનો ડર દર્શાવતો ‘ઈન્ડિયા VIX' શુક્રવારે લગભગ 3 ટકા વધીને 13.44 ના સ્તરે પહોંચી ગયો છે. આ ઇન્ડેક્સ વધવાનો સીધો અર્થ એ છે કે બજારમાં અનિશ્ચિતતા વધી ગઈ છે અને રોકાણકારો ગભરાટમાં છે. SBI સિક્યોરિટીઝના રિસર્ચ હેડ સુદીપ શાહના જણાવ્યા મુજબ, બજારમાં હાલ સાવચેતીનો માહોલ છે અને મંદીવાળાઓનું દબાણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
4. ભૌગોલિક અને રાજકીય ચિંતાઓ (જીઓપોલિટિકલ ટેન્શન)
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી પરમાણુ કાર્યક્રમની વાતચીત કોઈપણ નિર્ણય વિના જ પૂરી થઈ ગઈ છે. જેના કારણે મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધ ભડકવાની ચિંતા વધી છે. એનરિચ મનીના સીઈઓ પોનમુડી આર. ના મતે, આ અનિશ્ચિતતાને કારણે અમેરિકાના હુમલાની શક્યતા વધી ગઈ છે. બજાર પાસે કોઈ સારા સમાચાર (પોઝિટિવ ટ્રિગર) ન હોવાથી રોકાણકારો નવી ખરીદી કરતા ડરી રહ્યા છે.
5. રૂપિયામાં નબળાઈ
શુક્રવારે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો 4 પૈસા તૂટીને 90.95 ના સ્તરે આવી ગયો હતો. વિદેશી રોકાણકારો દ્વારા પૈસા કાઢી લેવા અને શેરબજારના કડાકાને કારણે રૂપિયા પર દબાણ આવ્યું છે. જોકે, ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાને કારણે રૂપિયો વધુ પડતો બચી ગયો છે. આજે રૂપિયો 90.91 પર ખુલ્યો હતો અને બાદમાં 90.95 પર પહોંચ્યો હતો.
ચાર્ટ અને એક્સપર્ટ્સ શું સંકેત આપે છે?
જીઓજિત ઈન્વેસ્ટમેન્ટ્સના ચીફ માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ આનંદ જેમ્સના મતે, બજાર વારંવાર ઉપરના લેવલ પર અટકી રહ્યું છે, જે થોડી નિરાશાજનક બાબત છે. પરંતુ નીચેનું લેવલ હજુ મજબૂત છે. જો માર્કેટ 25,670 નું લેવલ ક્રોસ કરશે, તો બજારમાં મજબૂતી આવશે અને નવો ટાર્ગેટ 25,900 બની શકે છે. હાલ બજારમાં 25,530 ની આસપાસ ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. પરંતુ જો નિફ્ટી 25,300 ની નીચે સરકી જશે, તો સ્થિતિ વધુ બગડી શકે છે અને રોકાણકારોએ પોતાની રણનીતિ બદલવી પડશે.
(ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી અને શેરબજારના આંકડા માત્ર ન્યૂઝ રિપોર્ટિંગના હેતુથી છે. બજારમાં રોકાણ કરવું એ જોખમોને આધીન છે. કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારા સર્ટિફાઇડ આર્થિક સલાહકાર (ફાઇનાન્સિયલ એક્સપર્ટ) ની સલાહ ચોક્કસ લેવી.)