બિહાર સરકારની લાલ આંખ: મનમાની પર લગામ કસતા જ નાની NBFC કંપનીઓના શેરમાં મોટો કડાકો, જાણો શું છે નવો કાયદો
NBFC stocks fall: બિહાર સરકારે નવો માઈક્રો ફાઈનાન્સ રેગ્યુલેશન બિલ પાસ કરતા નાની NBFC કંપનીઓના શેરમાં ભારે કડાકો બોલાયો છે. લોન રિકવરીના કડક નિયમો અને શેરબજાર પર તેની અસર વિશે સંપૂર્ણ માહિતી વાંચો.
NBFC stocks fall: બિહાર સરકારે નવો માઈક્રો ફાઈનાન્સ રેગ્યુલેશન બિલ પાસ કરતા નાની NBFC કંપનીઓના શેરમાં ભારે કડાકો બોલાયો છે.
NBFC stocks fall: શેરબજારમાં આજે નાની NBFC (નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ) ના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આ કડાકા પાછળનું મુખ્ય કારણ બિહાર સરકારનો એક નવો કાયદો છે. બિહાર સરકારે હાલમાં જ ‘માઇક્રો ફાઇનાન્સ રેગ્યુલેશન બિલ' પાસ કર્યું છે, જેની સીધી અસર આ નાની ફાયનાન્સ કંપનીઓના બિઝનેસ પર પડવાની છે.
કયા શેરોમાં જોવા મળ્યું દબાણ?
નવા બિલના સમાચાર આવતાની સાથે જ માર્કેટમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો. ખાસ કરીને એચબીએસ, ઉજ્જીવન એસએફબી (Ujjivan SFB), ઉત્કર્ષ એસએફબી (Utkarsh SFB), એલએન્ડટી ફિન (L&T Fin), ક્રેડિટ એક્સેસ ગ્રામીણ અને ફ્યુઝન ફાઇનાન્સ જેવા નામાંકિત NBFC શેરોમાં સૌથી વધુ વેચવાલી અને દબાણ જોવા મળ્યું છે.
શું છે બિહારનું માઇક્રો ફાઇનાન્સ રેગ્યુલેશન બિલ?
બિહાર સરકારના આ બિલનો મુખ્ય હેતુ માઇક્રો ફાઇનાન્સ (MF) કંપનીઓની મનમાની રોકવાનો છે. આ કાયદા હેઠળ સરકારે કેટલાક કડક નિયમો બનાવ્યા છે:
ફરજિયાત રજિસ્ટ્રેશન: હવે તમામ માઇક્રો ફાઇનાન્સ કંપનીઓએ સ્ટેટ લેવલ (રાજ્ય સ્તર) પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.
સરકારની મંજૂરી જરૂરી: કોઈપણ ગ્રાહકને લોન આપતા પહેલા કંપનીઓએ રાજ્યના નાણાં વિભાગ પાસેથી મંજૂરી લેવી પડશે.
રિકવરી પર કડક નિયંત્રણ: ગેરકાયદેસર અને જબરદસ્તીથી થતી લોન રિકવરી પર સકંજો કસવામાં આવશે.
પારદર્શિતા: લોન આપવાની પ્રક્રિયા અને વ્યાજ દરોમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવામાં આવશે જેથી નાના લોન લેનારાઓનું શોષણ ન થાય.
IIFL કેપિટલનો રિપોર્ટ શું કહે છે?
બ્રોકરેજ ફર્મ IIFL કેપિટલના જણાવ્યા અનુસાર, બિહારનો આ નવો કાયદો કર્ણાટકના ઓર્ડિનન્સ કરતા પણ વધુ કડક સાબિત થઈ શકે છે. જોકે, RBI દ્વારા રેગ્યુલેટ થતી કંપનીઓને આ બિલમાંથી બાકાત રાખવામાં આવી છે. પરંતુ, જબરદસ્તીથી લોન રિકવરી ન કરવાના અને ગ્રાહકોની સુરક્ષાને લગતા નિયમો આ RBI રેગ્યુલેટેડ કંપનીઓને પણ લાગુ પડશે.
રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે આ નવા બિલ પછી લોન ડિફોલ્ટનું જોખમ ઝડપથી વધી શકે છે. તેથી, જે કંપનીઓનો બિહારમાં મોટો બિઝનેસ છે તેમણે ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે.
બિહાર માર્કેટના આંકડા અને કંપનીઓનું રોકાણ (AUM)
માઇક્રો ફાઇનાન્સ સેક્ટરમાં બિહારનો દબદબો છે. દેશના કુલ MFI સેક્ટરમાં બિહારનો હિસ્સો 15 ટકા છે અને છેલ્લા 2 વર્ષમાં આ હિસ્સામાં 1.10 ટકાનો વધારો થયો છે. જોકે, ચિંતાની વાત એ છે કે છેલ્લા 2 વર્ષમાં બિહારનો MFI પોર્ટફોલિયો વાર્ષિક 8 ટકાના દરે ઘટ્યો છે. બિહારમાં NBFCs, SFBs અને બેંકોનું કુલ એક્સપોઝર 5 થી 45 ટકાની વચ્ચે છે.
બિહારમાં વિવિધ મુખ્ય કંપનીઓનું એક્સપોઝર (AUM) આ મુજબ છે:
* ઉત્કર્ષ એસએફબી (Utkarsh SFB): 45 ટકા
* એલએન્ડટી ફાઇનાન્સ (L&T Finance): 17 ટકા
* ફ્યુઝન એમએફઆઈ (Fusion MFI): 16.70 ટકા
* ઉજ્જીવન એસએફબી (Ujjivan SFB): 11.10 ટકા
* ક્રેડિટ એક્સેસ ગ્રામીણ (CreditAccess Grameen): 4.60 ટકા
બિહાર સરકારનો આ નિર્ણય સામાન્ય ગ્રાહકોને રાહત આપવા અને જબરદસ્તીથી થતી વસૂલાત અટકાવવા માટે લેવાયો છે. પરંતુ તેના કડક નિયમોના કારણે ટૂંકા ગાળામાં નાની NBFC કંપનીઓનો ગ્રોથ ધીમો પડી શકે છે, જેની સીધી અસર અત્યારે શેરબજારમાં તેમના શેરોના ભાવ પર દેખાઈ રહી છે. આ શેરોમાં રોકાણ કરતા પહેલા રોકાણકારોએ હવે વધુ ધ્યાન આપવું પડશે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.