TVS Motor Q4 Results: નફામાં 19%નો ઉછાળો- આવક 30% વધી, જાણો શેર બજારમાં કેમ જોવા મળ્યો ઘટાડો?
TVS મોટરે માર્ચ ક્વાર્ટરના શાનદાર પરિણામો જાહેર કર્યા છે. કંપનીના નફામાં 19% અને આવકમાં 30% નો મોટો ઉછાળો જોવા મળ્યો છે. જાણો વેચાણના આંકડા અને શેરની સ્થિતિ.
નાણાકીય વર્ષ 2025-26 ની વાત કરીએ તો, કંપનીનો ટેક્સ પહેલાનો નફો (PBT) રૂ. 1,375 કરોડની વિક્રમી સપાટીએ પહોંચ્યો છે.
TVS Motor Q4 Results: દેશની દિગ્ગજ ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ઉત્પાદક કંપની TVS મોટરે તેના માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કરી દીધા છે. કંપનીએ શાનદાર પ્રદર્શન કરતા નફા અને આવકમાં મોટો ઉછાળો નોંધાવ્યો છે. જોકે, આ મજબૂત પરિણામો છતાં આજે કંપનીના શેરમાં રોકાણકારોનું થોડું દબાણ જોવા મળ્યું હતું.
ચાલો જાણીએ કંપનીના નાણાકીય પરિણામો અને વેચાણના આંકડા વિશે વિગતવાર માહિતી
નફો અને આવકમાં જબરદસ્ત ઉછાળો
માર્ચ ક્વાર્ટરના આંકડાઓ પર નજર કરીએ તો, વાર્ષિક ધોરણે કંપનીનો કન્સોલિડેટેડ નફો 19% વધીને રૂ. 771.5 કરોડ થયો છે. આ જ સમયગાળા દરમિયાન કંપનીની ઓપરેશનલ આવક (Consolidated Revenue) પણ 30% ના જંગી ઉછાળા સાથે રૂ. 15,052.7 કરોડ પર પહોંચી ગઈ છે.
સ્ટેન્ડએલોન બિઝનેસની વાત કરીએ તો, માર્ચ ક્વાર્ટરમાં આવક 36% વધીને રૂ. 12,808 કરોડે પહોંચી છે. કંપનીના ઇતિહાસમાં કોઈપણ એક ક્વાર્ટરમાં આ અત્યાર સુધીની સૌથી વધુ આવક છે. આ ઉપરાંત, કંપનીનું ઓપરેટિંગ EBITDA માર્જિન પણ ગત વર્ષના 12.5% થી વધીને 13.1% થઈ ગયું છે, જેમાં 60 બેસિસ પોઇન્ટનો વધારો જોવા મળ્યો છે.
નાણાકીય વર્ષ 2025-26 ની વાત કરીએ તો, કંપનીનો ટેક્સ પહેલાનો નફો (PBT) રૂ. 1,375 કરોડની વિક્રમી સપાટીએ પહોંચ્યો છે. આ આંકડો નાણાકીય વર્ષ 2025 ના રૂ. 936 કરોડના નફા કરતા 47% વધુ છે.
વાહનોના વેચાણમાં શાનદાર ગ્રોથ
માર્ચ ક્વાર્ટરમાં કંપનીના વેચાણના આંકડા પણ ઉત્તમ રહ્યા છે. ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરનું કુલ વેચાણ (નિકાસ સહિત) 28% વધીને 15.60 લાખ યુનિટ્સ નોંધાયું છે.
મોટરસાયકલ: વેચાણ 23% વધીને 6.93 લાખ યુનિટ્સ થયું છે.
સ્કૂટર: સ્કૂટરના વેચાણમાં 32% નો ઉછાળો આવ્યો છે અને તે 6.60 લાખ યુનિટ્સ પર પહોંચ્યું છે.
ઇલેક્ટ્રિક વાહન (EV): EV ના વેચાણમાં 51% નો જંગી ઉછાળો જોવા મળ્યો છે. ગત વર્ષના 76,000 યુનિટ્સ સામે આ વર્ષે 1.15 લાખ ઇલેક્ટ્રિક વાહનો વેચાયા છે.
નવા લોન્ચ અને માઈલસ્ટોન
TVS મોટરે માર્ચ ક્વાર્ટરમાં ભારતીય બજારમાં 'કિંગ કાર્ગો HD CNG' થ્રી-વ્હીલર અને 'આર્બિટર V1' (Orbiter V1) ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે, કંપનીએ મોરોક્કોમાં 'Apache RTR 310' મોટરસાયકલ લોન્ચ કરી છે.
આ સાથે જ ઇન્ડોનેશિયામાં કંપની માટે એક મોટો માઈલસ્ટોન જોવા મળ્યો છે. ત્યાં કંપનીનું કુલ પ્રોડક્શન 10 લાખ યુનિટ્સને પાર કરી ગયું છે. કંપનીએ ઇન્ડોનેશિયાના માર્કેટ માટે નવું 'Amado' થ્રી-વ્હીલર પણ લોન્ચ કર્યું છે.
શેર બજારમાં કેવી રહી પ્રતિક્રિયા?
પરિણામોની જાહેરાત બાદ TVS મોટરના શેરમાં નફાવસૂલીના કારણે થોડો ઘટાડો જોવા મળ્યો હતો. બપોરે 2:30 વાગ્યાની આસપાસ શેર 0.70% ઘટીને રૂ. 3,536 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે, લાંબા ગાળાના રોકાણકારો માટે આ શેર ફાયદાકારક જ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં આ શેરે રોકાણકારોને 30% થી વધુનું શાનદાર રિટર્ન આપ્યું છે. નોંધનીય છે કે TVS મોટર દેશની સૌથી મોટી ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ઉત્પાદક કંપનીઓમાંની એક છે.