Share Market Crash today : શેર બજારમાં મોટો કડાકો! સેન્સેક્સ 1700 અને નિફ્ટી 530 પોઈન્ટથી વધુ તૂટ્યો.
Share Market Crash today : ભારતીય શેર બજારમાં 4 માર્ચે સળંગ બીજા દિવસે ભારે કડાકો જોવા મળ્યો છે. રોકાણકારોના હોળીના રંગમાં જાણે ભંગ પડ્યો હોય તેવો માહોલ સર્જાયો છે. બજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સ 1700 પોઈન્ટથી વધુ તૂટી ગયો હતો, જ્યારે નિફ્ટી 530 પોઈન્ટનું ગોતું લગાવીને 24,400 ની નીચે સરકી ગયો હતો. આ ભારે ઘટાડાને કારણે ગણતરીની મિનિટોમાં જ રોકાણકારોના 10 લાખ કરોડ રૂપિયાથી વધુ સાફ થઈ ગયા છે.
આંકડાકીય રીતે જોઈએ તો, BSE માં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 456.90 લાખ કરોડથી ઘટીને 446.45 લાખ કરોડ પર આવી ગયું છે. સવારે 9.25 વાગ્યાની આસપાસ BSE સેન્સેક્સ 1,721.97 પોઈન્ટ (2.15 ટકા) ના ઘટાડા સાથે 78,516.88 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 529.05 પોઈન્ટ (2.13 ટકા) તૂટીને 24,348.60 પર આવી ગયો હતો.
આજના આ કડાકાને કારણે IT સેક્ટરને બાદ કરતા તમામ મુખ્ય સેક્ટોરલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ 2 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.
શેર બજારમાં આજના આ મોટા કડાકા પાછળ આ 5 મુખ્ય કારણો જવાબદાર છે:
1. મિડલ ઈસ્ટમાં ભડકતું યુદ્ધ
છેલ્લા ત્રણ દિવસથી મિડલ ઈસ્ટમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે, જેની સીધી અસર દુનિયાભરના શેર બજારો પર પડી છે. શનિવારે અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત રીતે ઈરાન પર સૈન્ય કાર્યવાહી કરી હતી, જેમાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખમેનીનું મોત થયું હોવાના સમાચાર છે. જેના જવાબમાં ઈરાને પણ મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. આ યુદ્ધને કારણે 'હોર્મુઝ જળડમરુમધ્ય' (Strait of Hormuz) દરિયાઈ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. ભારતનો 40 ટકા એનર્જી સપ્લાય આ જ રસ્તેથી આવે છે, જેથી ભારતીય બજારમાં ચિંતાનો માહોલ છે.
2. નબળા ગ્લોબલ સંકેતો
અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની અસર આખી દુનિયાના બજારો પર દેખાઈ રહી છે. એશિયન બજારોમાં સળંગ ત્રીજા દિવસે ભારે ઘટાડો રહ્યો. જાપાનનો ટોપિક્સ ઈન્ડેક્સ 4 ટકાથી વધુ તૂટ્યો, હોંગકોંગનો હેંગસેંગ 2 ટકા અને સાઉથ કોરિયાનું શેર બજાર તો 11 ટકા જેટલું ક્રેશ થઈ ગયું છે. ગઈકાલે રાત્રે અમેરિકી બજારો પણ મોટા નુકસાન સાથે બંધ થયા હતા (ડાઉ જોન્સ 403 પોઈન્ટ, S&P 500 0.9 ટકા અને નાસ્ડેક 1 ટકા ડાઉન).
3. કાચા તેલ (Crude Oil) ના ભાવમાં ભડકો
શેર બજાર માટે અત્યારે સૌથી મોટો ડર કાચા તેલની કિંમતો છે. દરિયાઈ માર્ગમાં અવરોધ ઊભો થવાના ડરથી બ્રેન્ટ ક્રૂડનો ભાવ 81 થી 82 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયો છે. ભારત પોતાની 85 ટકા તેલની જરૂરિયાતો વિદેશથી આયાત કરે છે. જિયોજિત ઈન્વેસ્ટમેન્ટ્સના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે. વિજયકુમારના જણાવ્યા અનુસાર, જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતનું વેપાર ખાધ વધશે, રૂપિયા પર દબાણ આવશે, મોંઘવારી વધશે અને કંપનીઓની કમાણી પર પણ માઠી અસર પડશે.
4. વિદેશી રોકાણકારો (FIIs) ની સતત વેચવાલી
વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા સતત થઈ રહેલી વેચવાલી બજારને ઊંચે જતા રોકી રહી છે. સોમવારે 2 માર્ચના રોજ વિદેશી રોકાણકારોએ 3,295.64 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. છેલ્લા 8 મહિનાથી વિદેશી રોકાણકારો સતત પોતાનો માલ વેચી રહ્યા છે, જેનાથી બજારનું સેન્ટિમેન્ટ ખૂબ જ નબળું પડ્યું છે.
5. ઈન્ડિયા VIX (Volatility Index) માં મોટો ઉછાળો
શેર બજારમાં ડર અને અસ્થિરતાનો સંકેત આપતો ‘ઈન્ડિયા VIX' ઈન્ડેક્સ આજે લગભગ 14 ટકા ઉછળીને 19.51 પર પહોંચી ગયો છે. આ આંકડો દર્શાવે છે કે રોકાણકારોમાં ગભરાટ અને અનિશ્ચિતતા ખૂબ વધી ગઈ છે. યુદ્ધ અને તેલના વધતા ભાવોને કારણે ટ્રેડર્સ સાવચેત થઈ ગયા છે.
મિડલ ઈસ્ટનું યુદ્ધ અને તેના કારણે ગ્લોબલ માર્કેટમાં ઊભી થયેલી અનિશ્ચિતતા હાલ પૂરતી ભારતીય શેર બજાર માટે મોટા પડકાર સમાન છે. આગામી દિવસોમાં ક્રૂડ ઓઈલના ભાવ અને વિદેશી રોકાણકારોનું વલણ બજારની નવી દિશા નક્કી કરશે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.