Closing Bell: અમેરિકા-ઈરાન યુદ્ધની દહેશતથી શેરબજારમાં ગભરાટ, સેન્સેક્સ 1048 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા | Moneycontrol Gujarati
Get App

Closing Bell: અમેરિકા-ઈરાન યુદ્ધની દહેશતથી શેરબજારમાં ગભરાટ, સેન્સેક્સ 1048 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારાથી ભારતીય શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો. સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના અબજો રૂપિયા ડૂબ્યા. જાણો બજારની સંપૂર્ણ સ્થિતિ.

અપડેટેડ 03:50:37 PM Mar 02, 2026 પર
Story continues below Advertisement
આ ઘટાડાના કારણે રોકાણકારોના આશરે 6 લાખ કરોડથી લઈને 10 લાખ કરોડ રૂપિયા સુધીનું ધોવાણ થઈ ગયું છે.

Closing Bell: અમેરિકા અને ઈઝરાયેલની સંયુક્ત સૈન્ય કાર્યવાહીમાં ઈરાનના સુપ્રીમ લીડર આયતોલ્લાહ અલી ખામનેઈ અને અન્ય મોટા અધિકારીઓના મોતના સમાચારે ગ્લોબલ માર્કેટની સાથે ભારતીય બજારમાં પણ ભારે ગભરાટ ફેલાવી દીધો છે. પરિસ્થિતિ વધુ વણસી શકે છે તેવા ડરથી રોકાણકારોએ મોટા પાયે વેચવાલી કરી હતી.

સેન્સેક્સ અને નિફ્ટીના આંકડા

બજાર ખુલતાની સાથે જ મોટા કડાકા જોવા મળ્યા હતા. રિલાયન્સ, L&T અને HDFC બેન્ક જેવા હેવીવેઈટ શેરોએ બજારને નીચે ધકેલ્યું હતું.

સેન્સેક્સ: શુક્રવારે 81,287 પર બંધ થયેલો સેન્સેક્સ સોમવારે સીધો 78,543.73 ના સ્તરે ખુલ્યો હતો. જોકે, દિવસના અંતે 1048 પોઈન્ટનો મોટો ઘટાડો નોંધાવીને તે બંધ થયો હતો. બપોરે 1:15 વાગ્યા આસપાસ સેન્સેક્સ 79,700 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.

નિફ્ટી 50 : નિફ્ટી પણ ભારે ઘટાડા સાથે 24,659.25 પર ખુલ્યો હતો અને દિવસના અંતે 24,865 ના સ્તર પર બંધ થયો હતો.


રોકાણકારોના લાખો કરોડ રૂપિયા ડૂબ્યા

શેર બજારમાં આવેલા આ ભૂકંપના કારણે રોકાણકારોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. શુક્રવારે BSE માં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 4,63,25,200 કરોડ રૂપિયા હતું, જે સોમવારે ઘટીને 4,57,85,450 કરોડ રૂપિયા થઈ ગયું હતું. આ ઘટાડાના કારણે રોકાણકારોના આશરે 6 લાખ કરોડથી લઈને 10 લાખ કરોડ રૂપિયા સુધીનું ધોવાણ થઈ ગયું છે.

ગ્લોબલ માર્કેટની હાલત પણ ખરાબ

એશિયન અને અમેરિકન બજારોમાં પણ યુદ્ધની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે:

જાપાનનો નિક્કેઈ 225 ઇન્ડેક્સ 2.7% અને દક્ષિણ કોરિયાનો કોસ્પી 2.43% ગગડ્યો હતો.

અમેરિકાના ફ્યુચર્સ માર્કેટમાં પણ 1% થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. S&P 500 અને ડાઉ જોન્સ 1.11% સુધી તૂટ્યા હતા.

ક્રૂડ ઓઈલમાં ભડકો: ભાવમાં 13.76% નો ઉછાળો

મિડલ ઈસ્ટમાં તણાવ વધતા કાચા તેલ (Crude Oil) ની સપ્લાય ખોરવાઈ જવાની આશંકા છે. આ કારણોસર બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં 13.76% નો જંગી ઉછાળો આવ્યો છે અને તે 82.37 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. જાન્યુઆરી 2025 પછી આ સૌથી ઉંચુ સ્તર છે.

દુનિયાનું 20% ઓઈલ જ્યાંથી પસાર થાય છે તે 'હોર્મુઝ જલડમરુમધ્ય' હાલમાં ચર્ચાના કેન્દ્રમાં છે. ભલે રસ્તો બંધ નથી થયો, પણ હુમલાના ડરથી જહાજોને વીમો (Insurance) મળવામાં મુશ્કેલી પડી રહી છે.

એક્સપર્ટની સલાહ: ક્યાં કરવું રોકાણ?

જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે. વિજયકુમારના જણાવ્યા અનુસાર, બજાર માટે અત્યારે સૌથી મોટો ખતરો ક્રૂડ ઓઈલના વધતા ભાવ છે. જો હોર્મુઝનો રસ્તો બંધ થાય તો તેલના ભાવમાં 20% સુધીનો ઉછાળો આવી શકે છે.

જો બ્રેન્ટ ક્રૂડ 76 ડોલરની આસપાસ રહે તો માર્કેટમાં ધીમી રિકવરી આવી શકે છે. આ ઘટાડાના માહોલમાં રોકાણકારોએ બેન્કિંગ, ઓટોમોબાઇલ, કેપિટલ ગુડ્સ અને ડિફેન્સ જેવા મજબૂત શેરોમાં ધીમે-ધીમે રોકાણ કરવું જોઈએ.

આ પણ વાંચો-US-Iran War: શેર બજારમાં કડાકો! મિડલ ઈસ્ટ ક્રાઈસિસથી KRBL અને LT Foods જેવી ચોખાની કંપનીઓના શેર 8% સુધી તૂટ્યા

MoneyControl News

MoneyControl News

First Published: Mar 02, 2026 3:50 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.