Fino Payments Bank Share: EDની તપાસના ડરથી ફિનો પેમેન્ટ્સ બેન્કના શેરમાં 16%નો કડાકો, જાણો શું છે આખો વિવાદ?
Fino Payments Bank ના શેરમાં 16% નો ભારે કડાકો જોવા મળ્યો છે. ED ની તપાસના અહેવાલો અને CEO ની ધરપકડ વચ્ચે બેન્કે શું મોટો ખુલાસો કર્યો? રોકાણકારો માટે જાણો તમામ વિગતો.
આટલા મોટા વિવાદો અને શેરમાં કડાકા છતાં, બેન્કના બિઝનેસના આંકડા રાહત આપનારા છે. બેન્કે દાવો કર્યો છે કે તેમની પાસે આવતી જમા રકમમાં સતત વધારો થઈ રહ્યો છે.
Fino Payments Bank Share: 16 માર્ચના રોજ શેરબજારમાં Fino Payments Bank ના રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે. બેન્કના શેરમાં અચાનક ભારે વેચવાલી જોવા મળી અને શેર 16 ટકા જેટલો તૂટીને તેના 52 સપ્તાહના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો હતો. આ કડાકા પાછળનું મુખ્ય કારણ એક રિપોર્ટ છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બેન્ક સાથે જોડાયેલા કેટલાક ઓનલાઈન ગેમિંગ ટ્રાન્ઝેક્શન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસના ઘેરામાં આવી શકે છે.
CEO ની ધરપકડ બાદ વધી ચિંતા
આ ઘટના એવા સમયે બની છે જ્યારે બેન્ક પહેલેથી જ વિવાદોમાં ઘેરાયેલી છે. થોડા સમય પહેલા જ બેન્કે સત્તાવાર રીતે માહિતી આપી હતી કે તેમના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઋષિ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે. 27 ફેબ્રુઆરીના રોજ હૈદરાબાદમાં 'ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ'દ્વારા સેન્ટ્રલ અને સ્ટેટ GST એક્ટ 2017 ની જોગવાઈઓ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
શેરમાં કડાકા બાદ બેન્કે આપી સ્પષ્ટતા
શેરમાં સતત થઈ રહેલા ઘટાડા અને બજારમાં ફેલાયેલી અફવાઓ વચ્ચે ફિનો પેમેન્ટ્સ બેન્કે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને બચાવ કર્યો છે. બેન્કે જણાવ્યું છે કે અત્યારે તેમની સામે અન્ય કોઈ એજન્સી દ્વારા તપાસ ચાલી રહી નથી. માત્ર DGGI દ્વારા જ તપાસ કરવામાં આવી રહી છે અને આ તપાસ પણ કેટલાક પ્રોગ્રામ મેનેજર અને મર્ચન્ટ્સ પૂરતી સીમિત છે. આ સાથે બેન્કે મીડિયાના એ અહેવાલોને પણ ખોટા ગણાવ્યા છે જેમાં કહેવામાં આવ્યું હતું કે કોર્ટે ઋષિ ગુપ્તાની જામીન અરજી ફગાવી દીધી છે.
ઓનલાઈન ગેમિંગ કે સટ્ટાબાજી સાથે કોઈ સંબંધ નથી
ઓનલાઈન ગેમિંગ ટ્રાન્ઝેક્શનના વિવાદ પર સ્પષ્ટતા કરતા બેન્કે કહ્યું છે કે, "અમે કોઈપણ પ્લેટફોર્મ, વેબસાઈટ કે ચેનલ દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગેમિંગ અથવા સટ્ટાબાજી (Betting) ની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા નથી." બેન્કે વધુમાં ઉમેર્યું કે જે પ્રોગ્રામ મેનેજર્સ અને મર્ચન્ટ્સની વાત થઈ રહી છે, તેઓ બજારની અન્ય ઘણી બેન્કો સાથે પણ જોડાયેલા છે. તેથી તેમના કાર્યોને સીધા જ ફિનો બેન્કની કામગીરી સાથે જોડી દેવા યોગ્ય નથી.
મની લોન્ડરિંગની તપાસની વાત અફવા
કેટલાક અહેવાલોમાં દાવો કરાયો હતો કે બેન્ક વિરુદ્ધ 'પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ' (PMLA) હેઠળ કાર્યવાહી થઈ શકે છે. ફિનો પેમેન્ટ્સ બેન્કે આ અહેવાલોને સંપૂર્ણપણે પાયાવિહોણા અને માત્ર અટકળો પર આધારિત ગણાવીને ફગાવી દીધા છે.
વિવાદો વચ્ચે પણ બેન્કના બિઝનેસમાં શાનદાર ગ્રોથ
આટલા મોટા વિવાદો અને શેરમાં કડાકા છતાં, બેન્કના બિઝનેસના આંકડા રાહત આપનારા છે. બેન્કે દાવો કર્યો છે કે તેમની પાસે આવતી જમા રકમ (ડિપોઝિટ બેલેન્સ) માં સતત વધારો થઈ રહ્યો છે:
13 માર્ચ 2026 સુધીના આંકડા મુજબ, બેન્કની કુલ થાપણો લગભગ 9 ટકા વધીને 2,900 કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. 27 ફેબ્રુઆરી પછી પણ ગ્રાહકો સતત બેન્ક સાથે જોડાઈ રહ્યા છે.
આ સમયગાળા દરમિયાન લગભગ 1.5 લાખ નવા બેન્કિંગ એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. એટલે કે રોજના સરેરાશ 10,000 નવા ખાતા ખૂલી રહ્યા છે. ડિસેમ્બર 2025 સુધીના ડેટા પ્રમાણે, ફિનો પેમેન્ટ્સ બેન્કમાં પ્રમોટરોનો હિસ્સો લગભગ 75 ટકા જેટલો મજબૂત છે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી બ્રોકરેજ ફર્મના રિપોર્ટ પર આધારિત છે. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન હોય છે. કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા, કૃપા કરીને સર્ટિફાઇડ નિષ્ણાત અથવા તમારા નાણાકીય સલાહકારની મદદ લો. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.