શેરબજારમાં વિદેશી રોકાણકારોનો મોહભંગ, સપ્ટેમ્બરમાં 13138 કરોડ પાછા ખેંચ્યા, જાણો આ મસમોટા કડાકાનું કારણ | Moneycontrol Gujarati
Get App

શેરબજારમાં વિદેશી રોકાણકારોનો મોહભંગ, સપ્ટેમ્બરમાં 13138 કરોડ પાછા ખેંચ્યા, જાણો આ મસમોટા કડાકાનું કારણ

ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારો સતત પૈસા પાછા ખેંચી રહ્યા છે. સપ્ટેમ્બરના પહેલા 15 દિવસમાં જ 13138 કરોડ રૂપિયાનું ફંડ પાછું ખેંચાયું. જાણો બજાર તૂટવાના મુખ્ય કારણો.

અપડેટેડ 12:24:27 PM Sep 13, 2026 પર
Story continues below Advertisement
NSDL અને CDSLના લેટેસ્ટ આંકડા મુજબ, સપ્ટેમ્બરના આ આંકડાઓ સાથે વર્ષ 2026 માં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારો 2.37 લાખ કરોડ રૂપિયા ભારતીય બજારમાંથી કાઢી ચૂક્યા છે.

FPI's Selling in September: ભારતીય શેરબજારમાં અત્યારે વિદેશી રોકાણકારોનો ભરોસો ઘટી રહ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સપ્ટેમ્બર મહિનાના પહેલા બે અઠવાડિયામાં જ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ભારતીય શેરોમાંથી 13138 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. ગ્લોબલ માર્કેટમાં ચાલી રહેલી ઉથલપાથલની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર જોવા મળી રહી છે.

વર્ષ 2026 માં વિદેશી રોકાણકારોની જંગી વેચવાલી

NSDL અને CDSLના લેટેસ્ટ આંકડા મુજબ, સપ્ટેમ્બરના આ આંકડાઓ સાથે વર્ષ 2026 માં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારો 2.37 લાખ કરોડ રૂપિયા ભારતીય બજારમાંથી કાઢી ચૂક્યા છે. અગાઉ વર્ષ 2025 માં પણ તેમણે 1.66 લાખ કરોડ રૂપિયાનું મોટું વેચાણ કર્યું હતું. જોકે, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં FPI એ ખરીદી કરી હતી અને અનુક્રમે 20200 કરોડ તથા 29630 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. પરંતુ તે પહેલા માર્ચથી જૂન સુધી સતત 4 મહિના સુધી બજારમાં વેકવાલીનું જ દબાણ જોવા મળ્યું હતું.

વિદેશી રોકાણકારો કેમ ખેંચી રહ્યા છે પૈસા?

શેરબજારના નિષ્ણાતોના મતે આ મોટા વેચાણ પાછળ દેશના કોઈ આંતરિક કારણો નહીં, પરંતુ વૈશ્વિક પરિબળો વધુ જવાબદાર છે.


આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ભયંકર ઉછાળો

અમેરિકન બોન્ડ યીલ્ડમાં સતત થઈ રહેલો વધારો

અન્ય કરન્સીની સરખામણીમાં મજબૂત બની રહેલો અમેરિકન ડોલર

દુનિયાભરમાં વધતી આર્થિક અનિશ્ચિતતા અને મોંઘવારીનો ડર

શું કહે છે માર્કેટના એક્સપર્ટ્સ?

વેદાંત ગુપ્તે (કો-ફાઉન્ડર, ટ્રેક): જ્યારે અમેરિકામાં બોન્ડ યીલ્ડ અને ક્રૂડના ભાવ વધે છે, ત્યારે વિદેશી રોકાણકારો ભારત જેવા ઉભરતા (ઇમર્જિંગ) બજારોમાંથી મૂડી કાઢી લે છે. ક્રૂડના વધતા ભાવથી વૈશ્વિક સ્તરે મોંઘવારી વધવાનો મોટો ડર છે.

પબિત્રો મુખર્જી (ડેપ્યુટી વાઇસ પ્રેસિડેન્ટ, બજાજ બ્રોકિંગ): આગામી સપ્તાહે અમેરિકાની US ફેડરલ ઓપન માર્કેટ કમિટીની મીટિંગ યોજાવા જઈ રહી છે. જેમાં વ્યાજદરમાં વધારો થવાની પ્રબળ શક્યતા છે, જેના ડરથી રોકાણકારો અત્યારે સાવચેત થયા છે.

વી.કે. વિજયકુમાર (ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ, જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સ): જો અમેરિકાના 10 વર્ષના બોન્ડ પર યીલ્ડ 5 ટકાના સ્તરે પહોંચી જશે, તો દુનિયાભરના શેરબજારોમાં મોટો કડાકો જોવા મળી શકે છે. આથી વિદેશી રોકાણકારો શેરબજારમાંથી પોતાના પૈસા કાઢીને, વધુ સુરક્ષિત અને ફિક્સ રિટર્ન આપતા બોન્ડ્સમાં શિફ્ટ કરી રહ્યા છે.

ડેટ માર્કેટમાંથી પણ પૈસા ઉપડ્યા

શેરબજારની સાથે સાથે વિદેશી રોકાણકારોએ ડેટ અને બોન્ડ માર્કેટમાં પણ વેચાણ કર્યું છે. સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં તેમણે FAR દ્વારા 1350 કરોડ રૂપિયા અને જનરલ રૂટ મારફતે 955 કરોડ રૂપિયા પાછા ખેંચ્યા છે. જોકે, વોલન્ટરી રિટેન્શન રૂટ હેઠળ 29 કરોડ રૂપિયાનું સામાન્ય રોકાણ જોવા મળ્યું છે.

આ પણ વાંચો-SBI Safe Schemes : 0% રિસ્ક અને બેંક FD કરતા વધુ રિટર્ન, જાણો SBI મ્યુચ્યુઅલ ફંડની આ 3 સૌથી સુરક્ષિત સ્કીમ્સ વિશે

ડિસ્ક્લેમર:- Moneycontrol.com પર વ્યક્ત કરવામાં આવેલા મંતવ્યો નિષ્ણાતોના પોતાના અંગત મંતવ્યો છે. આ મંતવ્યો કે ભલામણો માટે વેબસાઇટ અથવા તેનું મેનેજમેન્ટ કોઈપણ રીતે જવાબદાર નથી. મનીકંટ્રોલ તેના યુઝર્સને આગ્રહ કરે છે કે કોઈપણ પ્રકારનો રોકાણનો નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નાણાકીય નિષ્ણાતની સલાહ ચોક્કસથી લેવી.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 13, 2026 12:24 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.