Gold Silver ETF: ગોલ્ડ અને સિલ્વર ETFના નિયમો બદલાશે? SEBI એ નવા પ્રાઈસ બેન્ડ માટે બનાવ્યો પ્લાન, જાણો શું થશે અસર
Gold Silver ETF: ગોલ્ડ અને સિલ્વર ETF માં વધતી અસ્થિરતાને રોકવા SEBI એ કમર કસી છે. માર્કેટ રેગ્યુલેટરે પ્રાઈસ બેન્ડ અને બેઝ પ્રાઈસના નિયમોમાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે. જાણો, ઇક્વિટી અને ડેટ ETF માટે શું છે નવી સીમા અને રોકાણકારો પર તેની શું અસર થશે.
સેબીના નવા પ્રસ્તાવ મુજબ, ગોલ્ડ અને સિલ્વર ETF માટે શરૂઆતી પ્રાઈસ બેન્ડ +/- 6% રાખવાની ભલામણ કરવામાં આવી છે.
Gold Silver ETF: શેરબજારમાં ETF દ્વારા સોના-ચાંદીમાં રોકાણ કરતા લોકો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. માર્કેટ રેગ્યુલેટર SEBI હવે ETF માર્કેટમાં જોવા મળતી ભારે ઉથલ-પાથલને કાબૂમાં લેવાની તૈયારી કરી રહ્યું છે. 13 ફેબ્રુઆરી 2026ના રોજ બહાર પાડવામાં આવેલા એક કન્સલ્ટેશન પેપરમાં સેબીએ ETFના બેઝ પ્રાઈસ અને પ્રાઈસ બેન્ડની સમીક્ષા કરવાની વાત કરી છે. આ પ્રસ્તાવ પર સામાન્ય જનતા પાસેથી પણ સૂચનો માંગવામાં આવ્યા છે.
ગોલ્ડ અને સિલ્વર ETF માટે કેમ પડી નવા નિયમોની જરૂર?
SEBIનું કહેવું છે કે જાન્યુઆરી 2026 ના છેલ્લા અઠવાડિયામાં સોના અને ચાંદીના ભાવમાં ઘરેલુ અને વૈશ્વિક સ્તરે જબરદસ્ત વધઘટ જોવા મળી હતી. આને કારણે ગોલ્ડ અને સિલ્વર ETFમાં પણ ભારે અસ્થિરતા આવી ગઈ હતી. અત્યાર સુધી ETF પર જે પ્રાઈસ બેન્ડ લાગુ હતો તે T-2 દિવસના NAV પર આધારિત હતો. પરંતુ જ્યારે માર્કેટમાં બહુ ઝડપી વધઘટ થાય, ત્યારે આ જૂની સિસ્ટમ બજારના ભાવ અને અંડરલાઇંગ એસેટ વચ્ચે તાલમેલ જાળવવામાં કારગર સાબિત ન થઈ.
આ સ્થિતિને પહોંચી વળવા માટે એક્સચેન્જોએ તાત્કાલિક ધોરણે T-1 દિવસના ક્લોઝિંગ NAV અથવા ક્લોઝિંગ પ્રાઈસને બેઝ પ્રાઈસ બનાવ્યો હતો, જે રજાઓને કારણે શક્ય બન્યું હતું. હવે સેબી કાયમી ઉકેલ લાવવા માંગે છે.
ગોલ્ડ અને સિલ્વર ETF માટે નવો પ્રસ્તાવ શું છે?
સેબીના નવા પ્રસ્તાવ મુજબ, ગોલ્ડ અને સિલ્વર ETF માટે શરૂઆતી પ્રાઈસ બેન્ડ +/- 6% રાખવાની ભલામણ કરવામાં આવી છે. જો બજારમાં વધારે વોલેટિલિટી હોય, તો આ લિમિટ વધારીને +/- 20% સુધી કરી શકાશે. આમાં 15 મિનિટનો 'કૂલિંગ ઓફ પિરિયડ' (Cooling off period) પણ સામેલ હશે, જેથી બજારને શાંત થવાનો સમય મળે.
ઇક્વિટી અને ડેટ ETF માટે પણ બદલાશે નિયમ
માત્ર સોનું-ચાંદી જ નહીં, સેબીએ ઇક્વિટી અને ડેટ ETF માટે પણ નવા નિયમો સૂચવ્યા છે, આ ETF માટે શરૂઆતી પ્રાઈસ બેન્ડ +/- 10% રાખવાનો પ્રસ્તાવ છે. જરૂર પડ્યે તેને વધારીને +/- 20% સુધી લઈ જઈ શકાશે. દિવસમાં વધુમાં વધુ બે વાર આ બેન્ડ બદલવાની છૂટ મળશે અને તેમાં પણ 15 મિનિટનો કૂલિંગ ઓફ પિરિયડ રહેશે.
હાલમાં શું છે નિયમ?
અત્યારે રોલિંગ સેટલમેન્ટમાં આવતા મોટાભાગના શેરો પર 20% સુધીનું પ્રાઈસ બેન્ડ હોય છે (ડેેરિવેટિવ્સ સિવાય). આ ઉપરાંત માર્કેટમાં 10%, 15% અને 20% ના સર્કિટ બ્રેકર પણ હોય છે, જે BSE સેન્સેક્સ અથવા નિફ્ટી 50 ની મૂવમેન્ટ પર આધારિત હોય છે.
રોકાણકારો પર શું અસર પડશે?
જો સેબીનો આ પ્રસ્તાવ મંજૂર થઈ જાય તો રોકાણકારો માટે તે મિશ્ર સાબિત થઈ શકે છે:
સુરક્ષા: અચાનક આવતા ભાવ વધારા કે ઘટાડા પર લગામ લાગશે. 15 મિનિટનો કૂલિંગ પિરિયડ મળવાથી ગભરાટમાં થતું સેલિંગ કે બાઇંગ અટકશે.
સચોટ ભાવ: ખાસ કરીને ગોલ્ડ-સિલ્વર ETF માં NAV અને માર્કેટ પ્રાઈસ વચ્ચેનો તફાવત ઘટશે, જેથી રોકાણકારોને યોગ્ય ભાવ મળશે.
ટ્રેડર્સ માટે મુશ્કેલી: જે લોકો શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરે છે, તેમના માટે વારંવાર ટ્રેડિંગ અટકવું થોડી મુશ્કેલી ઊભી કરી શકે છે.
આ પ્રસ્તાવનો મુખ્ય હેતુ બજારને સુરક્ષિત અને સ્થિર રાખવાનો છે, જેથી સામાન્ય રોકાણકારોના હિતોનું રક્ષણ થઈ શકે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સ્ટોક પર્ફોમન્સ પર આધારિત છે. એ નોંધવું અગત્યનું છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. મનીકંટ્રોલ ક્યારેય કોઈને અહીં પૈસા રોકવાની સલાહ આપતું નથી.