શેરબજારની વધઘટ વચ્ચે પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોનો ભરોસો અકબંધ છે. ઓગસ્ટમાં ઈક્વિટી ફંડ્સમાં 29,328 કરોડનું રોકાણ આવ્યું, જ્યારે માસિક SIP નો આંકડો 32,000 કરોડને પાર કરી ગયો છે. જાણો સંપૂર્ણ વિગત.
રોકાણકારો હવે લાંબા ગાળાના ફાયદા માટે દર મહિને નાની રકમ રોકવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ઓગસ્ટમાં SIP દ્વારા કુલ 32,297 કરોડનું વિક્રમજનક રોકાણ થયું છે.
SIP record: શેરબજારમાં ભલે ગમે તેટલી ઉથલપાથલ થતી હોય, પરંતુ સામાન્ય રોકાણકારોનો મ્યુચ્યુઅલ ફંડ પરનો ભરોસો જરાય ડગ્યો નથી. ઓગસ્ટ મહિનામાં રોકાણકારોએ ફરી એકવાર મ્યુચ્યુઅલ ફંડમાં ખોબલે ને ખોબલે પૈસા ઠાલવ્યા છે. ખાસ કરીને સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા થતા રોકાણે તો ઇતિહાસનો નવો રેકોર્ડ બનાવી દીધો છે. AMFIના લેટેસ્ટ ડેટા મુજબ, ઓગસ્ટમાં ઈક્વિટી આધારિત સ્કીમ્સમાં કુલ 29,328.62 કરોડનું જંગી રોકાણ આવ્યું છે.
ઈક્વિટી ફંડ્સમાં રોકાણમાં જોરદાર ઉછાળો
જુલાઈ મહિનામાં ઈક્વિટી ફંડ્સમાં રોકાણ થોડું ઘટ્યું હતું, પરંતુ ઓગસ્ટમાં તેણે ફરી સ્પીડ પકડી છે. ઓગસ્ટમાં ઈક્વિટી ફંડ્સમાં 29,328.62 કરોડ આવ્યા છે, જે જુલાઈના 24,697.39 કરોડ કરતા આશરે 19 ટકા વધારે છે. અગાઉ જૂન મહિનામાં આ આંકડો 28,973 કરોડ હતો. આ દર્શાવે છે કે રોકાણકારોનો રસ ફરીથી સીધા ઈક્વિટી માર્કેટ તરફ વધ્યો છે.
SIP નું રોકાણ પ્રથમ વખત 32,000 કરોડને પાર
રોકાણકારો હવે લાંબા ગાળાના ફાયદા માટે દર મહિને નાની રકમ રોકવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ઓગસ્ટમાં SIP દ્વારા કુલ 32,297 કરોડનું વિક્રમજનક રોકાણ થયું છે. જુલાઈમાં આ આંકડો 31,961 કરોડ હતો, એટલે કે એક જ મહિનામાં તેમાં 336 કરોડ (1.1 ટકા) નો વધારો નોંધાયો છે. જૂનમાં SIP રોકાણ 31,781 કરોડ હતું.
સ્મોલ અને મિડ-કેપ ફંડ્સ બન્યા રોકાણકારોની પહેલી પસંદ
રોકાણકારોએ સૌથી વધુ રસ સ્મોલ-કેપ અને મિડ-કેપ ફંડ્સમાં દાખવ્યો છે. ઓગસ્ટમાં સ્મોલ-કેપ ફંડ્સમાં સૌથી વધુ 7,973.33 કરોડનું રોકાણ આવ્યું (જુલાઈમાં આ રકમ 7,767.50 કરોડ હતી). મિડ-કેપ ફંડ્સમાં 6,989.40 કરોડ આવ્યા (જુલાઈમાં 6,192.31 કરોડ હતું). આ બંને કેટેગરી (સ્મોલ અને મિડ-કેપ) મળીને કુલ 14,962.73 કરોડનું રોકાણ આવ્યું, જે કુલ ઈક્વિટી ઇનફ્લોના લગભગ 51 ટકા જેટલું થાય છે.આ ઉપરાંત ફ્લેક્સી-કેપ ફંડ્સમાં 5,059.42 કરોડ અને મલ્ટી-કેપમાં 3,732.77 કરોડનું રોકાણ નોંધાયું છે.
લાર્જ-કેપ ફંડ્સમાંથી સતત બીજા મહિને પૈસા ઉપડ્યા
જ્યાં નાના શેરોમાં પૈસા આવી રહ્યા છે, ત્યાં મોટી કંપનીઓના ફંડ્સમાંથી રોકાણકારો પૈસા પાછા ખેંચી રહ્યા છે.
લાર્જ-કેપ ફંડ્સમાંથી ઓગસ્ટમાં 1,147.36 કરોડ પાછા ખેંચાયા. જોકે, જુલાઈ (1,321.69 કરોડ)ની સરખામણીએ આ ઉપાડ થોડો ઓછો છે. ટેક્સ બચાવતા ELSS ફંડ્સમાંથી 1,078.32 કરોડ અને સેક્ટોરલ ફંડ્સમાંથી 53.19 કરોડ બહાર ગયા છે.
ડેટ ફંડ્સમાં ચિત્ર સંપૂર્ણ બદલાઈ ગયું. જુલાઈમાં ડેટ ફંડ્સમાં 1.88 લાખ કરોડનું જંગી રોકાણ આવ્યું હતું, પરંતુ ઓગસ્ટમાં સ્થિતિ સાવ ઉલટી થઈ ગઈ.
ઓગસ્ટમાં ડેટ ફંડ્સમાંથી 8,127.32 કરોડ પાછા ખેંચવામાં આવ્યા છે. જેમાં ઓવરનાઈટ ફંડ્સમાંથી સૌથી વધુ 30,654.25 કરોડનો ઉપાડ થયો છે. જોકે, રાહતની વાત એ છે કે લિક્વિડ ફંડ્સમાં 19,934.29 કરોડ અને મની માર્કેટ ફંડ્સમાં 11,734.71 કરોડનું નવું રોકાણ આવ્યું છે.