KEC Internationalના શેરમાં 29 જૂને મોટો ઉછાળો આવી શકે, Power Gridએ હટાવ્યો 9 મહિનાનો પ્રતિબંધ
KEC Internationalના રોકાણકારો માટે ખુશખબર છે. Power Grid દ્વારા કંપની પરનો 9 મહિનાનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. જાણો સોમવારે શેરબજારમાં કેવો રહેશે માહોલ.
છેલ્લા નાણાકીય વર્ષ 2026 નો છેલ્લો ક્વાર્ટર (જાન્યુઆરી થી માર્ચ) કંપની માટે ખાસ્સો પડકારજનક રહ્યો હતો. માર્ચ 2026 ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 28 ટકા ઘટીને 193 કરોડ રૂપિયા થઈ ગયો હતો.
KEC International Share Price: શેરબજારમાં રોકાણ કરતા લોકો માટે સોમવારનો દિવસ ઘણો મહત્વનો રહેવાનો છે. મહોર્રમની રજા અને વીકએન્ડ એમ સળંગ ત્રણ દિવસ માર્કેટ બંધ રહ્યા પછી 29 જૂને ખુલશે ત્યારે સૌની નજર KEC International ના શેર પર રહેશે. પાવરગ્રીડ દ્વારા કંપની પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હવે હટાવી લેવામાં આવ્યો છે. આ મોટા નિર્ણયથી સોમવારે માર્કેટ ખુલતા જ કંપનીના શેરમાં ભારે ઉથલપાથલ અને તેજી જોવા મળી શકે છે.
છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 25 જૂને BSE પર આ શેર 0.71 ટકાના મામૂલી ઘટાડા સાથે 528.05 રૂપિયાના ભાવે બંધ થયો હતો. પણ હવે પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે.
પ્રતિબંધ હટવાથી કંપનીને મોટી રાહત
પાવરગ્રીડે તાત્કાલિક અસરથી આ બેન પાછો ખેંચી લીધો છે. આનો સીધો અર્થ એ છે કે હવે KEC International ફરીથી પાવરગ્રીડના ટેન્ડર અને કોન્ટ્રાક્ટમાં બિડર કે સહ-કોન્ટ્રાક્ટર તરીકે ભાગ લઈ શકશે. તમને જણાવી દઈએ કે 18 નવેમ્બર 2025 ના રોજ જ્યારે આ 9 મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો ત્યારે કંપનીના શેરમાં 10 ટકાથી વધુનો કડાકો બોલી ગયો હતો. હવે આ પ્રતિબંધ હટવાથી કંપનીની ઓર્ડરબુકને મોટો સપોર્ટ મળશે તેવી પૂરી શક્યતા છે.
કેવી રીતે મળી આ મોટી રાહત?
કંપનીએ 26 જૂનની રાત્રે એક્સચેન્જ ફાઈલિંગમાં આ અંગે સત્તાવાર માહિતી આપી હતી. કંપની દ્વારા કરવામાં આવેલી રજૂઆતો અને ઓર્ડર લાગુ થયા પછી લેવાયેલા સુધારાત્મક પગલાંને ધ્યાનમાં રાખીને પાવરગ્રીડે આ નિર્ણય લીધો છે. દેશમાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન (T&D) સેક્ટરમાં નવી તકો ઉભી થઈ રહી છે ત્યારે આ રાહત કંપની માટે ખૂબ જ યોગ્ય સમયે આવી છે તેમ કહી શકાય.
કેઈસી ઈન્ટરનેશનલની આર્થિક સ્થિતિ અને ભવિષ્ય
છેલ્લા નાણાકીય વર્ષ 2026 નો છેલ્લો ક્વાર્ટર (જાન્યુઆરી થી માર્ચ) કંપની માટે ખાસ્સો પડકારજનક રહ્યો હતો. માર્ચ 2026 ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 28 ટકા ઘટીને 193 કરોડ રૂપિયા થઈ ગયો હતો. આ સાથે રેવેન્યુ પણ 7 ટકા ઘટીને 6390 કરોડ રૂપિયા નોંધાયું હતું. કામ પૂરું કરવામાં આવતી મુશ્કેલીઓ અને વધેલા ખર્ચના કારણે ઓપરેટિંગ માર્જિન ઘટીને 7 ટકા પર આવી ગયું હતું.
જોકે આવનારા સમય માટે કંપનીના અંદાજો ઘણા સકારાત્મક છે. કંપનીના સીએમડી વિમલ કેજરીવાલના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2027 માં 10 થી 15 ટકા રેવેન્યુ ગ્રોથની અપેક્ષા છે. હાલમાં કંપની પાસે 37000 કરોડ રૂપિયાની મજબૂત ઓર્ડર બુક છે. આ ઉપરાંત પશ્ચિમ એશિયામાં પણ 25000 થી 30000 કરોડ રૂપિયાની નવી તકો રહેલી છે જે ભવિષ્યમાં કંપનીને ફાયદો કરાવી શકે છે.
શેરમાં ભારે ઉતાર-ચઢાવ
છેલ્લા એક વર્ષના આંકડા જોઈએ તો આ શેરે રોકાણકારોને થોડા નિરાશ કર્યા છે. 26 જૂન 2025 ના રોજ આ શેર 947.30 રૂપિયાની ઐતિહાસિક સપાટી પર હતો જે તેનો એક વર્ષનો હાઈ લેવલ છે. ત્યાંથી સતત ઘટાડા સાથે 11 મહિનામાં તે 50.80 ટકા ગગડીને 19 મે 2026 ના રોજ 466.10 રૂપિયાના રેકોર્ડ લો લેવલ પર પહોંચી ગયો હતો. હવે સોમવારે માર્કેટ ખુલતા જ આ સારા સમાચારની અસર શેરના ભાવ પર કેટલી દેખાય છે તે જોવું રસપ્રદ રહેશે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સ્ટોક પર્ફોમન્સ પર આધારિત છે. એ નોંધવું અગત્યનું છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. મનીકંટ્રોલ ક્યારેય કોઈને અહીં પૈસા રોકવાની સલાહ આપતું નથી.