Market Crash: સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 23,250ની નીચે, શેરબજારમાં આ 4 કારણોથી હાહાકાર | Moneycontrol Gujarati
Get App

Market Crash: સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 23,250ની નીચે, શેરબજારમાં આ 4 કારણોથી હાહાકાર

11 સપ્ટેમ્બરે ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો. વધતા ક્રૂડ ઓઈલના ભાવ, FIIની વેચવાલી અને નબળા વૈશ્વિક સંકેતોને કારણે Sensex 700થી વધુ પોઈન્ટ તૂટ્યો, જ્યારે Nifty 23,250ની નીચે સરક્યો. India VIXમાં ઉછાળો અને નબળા ટેક્નિકલ સંકેતોએ પણ બજાર પર દબાણ વધાર્યું.

અપડેટેડ 10:48:53 AM Sep 11, 2026 પર
Story continues below Advertisement
ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને FII વેચવાલી વચ્ચે Sensexમાં 700થી વધુ પોઈન્ટનો કડાકો, Nifty 23,250ની નીચે

Market Crash: 11 સપ્ટેમ્બરના રોજ ભારતીય શેરબજારમાં શરૂઆતથી જ ભારે વેચવાલી જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાં નબળાઈ, ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવની અસર ભારતીય બજાર પર પડી હતી. પરિણામે બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીએ ગેપ-ડાઉનમાં ઓપનિંગ કર્યું હતું.

સવારે 9:15 વાગ્યે સેન્સેક્સ 707.72 પોઈન્ટ એટલે કે 0.94% ઘટીને 74,194.87 પર હતો. જ્યારે નિફ્ટી 237 પોઈન્ટ એટલે કે 1.01%ના ઘટાડા સાથે 23,240.80 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

બજારમાં વેચવાલી કેટલી ભારે હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લગભગ 749 શેર વધ્યા હતા, જ્યારે 2,269 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો અને 137 શેર યથાવત રહ્યા હતા. 16માંથી 15 મોટા સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ લગભગ 1.1%નો ઘટાડો થયો હતો.


શેરબજારમાં ઘટાડાના 4 મોટા કારણ

1. ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર ઉછાળો

પશ્ચિમ એશિયામાં યુદ્ધ વધુ ઉગ્ર બનતા ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ વધીને લગભગ $108 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે. એક સપ્તાહમાં બ્રેન્ટ ક્રૂડ ફ્યૂચરમાં લગભગ 12%નો ઉછાળો નોંધાયો છે.

ભારત માટે વધતા ક્રૂડના ભાવ ચિંતાનો વિષય છે, કારણ કે દેશ પોતાની ઊર્જા જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે. ક્રૂડ મોંઘું થવાથી ભારતનું ઈમ્પોર્ટ બીલ, મોંઘવારી અને કંપનીઓના પ્રોફિટ માર્જિન પર દબાણ વધી શકે છે.

પશ્ચિમ એશિયામાં વધતા સૈન્ય તણાવ અને રેડ સી તથા સ્ટેર હોર્મુઝ જેવા મહત્વના વેપાર માર્ગો અંગેની ચિંતાએ પણ રોકાણકારોમાં રિસ્ક-ઑફ સેન્ટિમેન્ટ વધાર્યો છે.

આ પણ વાંચો: Broker's Top Picks: સિમેન્ટ, પાવર સેક્ટર, પેટીએમ, ડિલહેવરી, અદાણી પોર્ટ્સ, ટાઈટન, સન ફાર્મા, એક્સિસ બેન્ક છે બ્રોકરેજના રડાર પર

2. FIIની વેચવાલી ચાલુ

વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે FIIએ ભારતીય શેરબજારમાં વેચવાલી ચાલુ રાખી છે. 10 સપ્ટેમ્બરે FIIએ ભારતીય ઇક્વિટીમાં ₹438 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી.

બીજી તરફ ડોમેસ્ટીક ઈન્સ્ટીટ્યૂશનલ ઈનવેસ્ટર્સ (DII)એ ₹1,026 કરોડની ચોખ્ખી ખરીદી કરીને બજારને સપોર્ટ આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે FIIની સતત વેચવાલી બજારના સેન્ટીમેન્ટ પર દબાણ બનાવી રહી છે.

3. ટેક્નિકલ કારણ પણ જવાબદાર

નિફ્ટી માટે 23,450-23,500નું લેવલ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. નિષ્ણાતોના મતે આ ઝોન ફરીથી પાર ન થાય ત્યાં સુધી બજારમાં બૂલિશ સેન્ટિમેન્ટ પરત આવવો મુશ્કેલ છે.

હાલમાં 23,300નું લેવલ પણ મહત્વપૂર્ણ બની ગયું છે. જો નિફ્ટી સતત આ લેવલની નીચે રહે છે, તો બજારમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. જોકે નિષ્ણાતો ગેપ-ડાઉન ઓપનિંગ બાદ તરત જ શોર્ટ સેલિંગ કરવાને બદલે સેલ-ઓન-રાઈઝ સ્ટ્રેટજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે.

4. India VIXમાં ઉછાળો

બજારમાં વધેલી અનિશ્ચિતતાની અસર India VIX પર પણ જોવા મળી છે. 11 સપ્ટેમ્બરે India VIXમાં 5.5%નો ઉછાળો નોંધાયો અને તે 12.45 પર પહોંચ્યો.

India VIXને બજારનો વોલેટાઈલ રેન્જ માનવામાં આવે છે. તેમાં ઉછાળો એટલે કે આગામી સમયમાં શેરબજારમાં વધઘટ વધુ રહેવાની શક્યતા છે.

યુએસ બોન્ડ યિલ્ડ અને ગ્લોબલ માર્કેટની અસર

ભારતીય બજાર પર વધતા યુએસ બોન્ડ યીલ્ડની પણ અસર પડી છે. અમેરિકાનો 10-વર્ષ ટ્રેઝરી યીલ્ડ 4.943% સુધી પહોંચી ગયો હતો, જે ઓક્ટોબર 2023 બાદનું ઊંચું સ્તર છે.

એશિયન બજારોમાં પણ નબળાઈ જોવા મળી હતી. જાપાનનો નિક્કેઈ 225 લગભગ 3% અને સાઉથ કોરિયાનો કોસ્પી લગભગ 2% ઘટ્યો હતો. વૈશ્વિક બજારોમાં વધેલી જોખમથી બચવાની વૃત્તિની સીધી અસર ભારતીય શેરબજારના સેન્ટીમેન્ટ પર પડી છે.

આ તમામ પરિબળોને કારણે ભારતીય શેરબજારમાં 11 સપ્ટેમ્બરે શરૂઆતથી જ ભારે વેચવાલી જોવા મળી અને સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો, જ્યારે નિફ્ટી 23,250ની નીચે સરકી ગયો.

 

MoneyControl News

MoneyControl News

First Published: Sep 11, 2026 10:48 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.