Share market crash today: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન અંગેના નિવેદનથી શેરબજારમાં મોટો કડાકો બોલી ગયો છે.
Share market crash today: આજે શેરબજારમાં એવો ભૂકંપ આવ્યો કે રોકાણકારો જોતા જ રહી ગયા. અગાઉના ટ્રેડિંગ સેશનમાં (1 એપ્રિલ) શાનદાર તેજી સાથે બંધ થયેલા સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના માત્ર એક નિવેદને એશિયન માર્કેટની સાથે સાથે ભારતીય બજારમાં પણ હાહાકાર મચાવી દીધો છે. માર્કેટ ખૂલવાની શરૂઆતની 5 સેકન્ડમાં જ રોકાણકારોના 9 લાખ કરોડથી વધુ સાફ થઈ ગયા છે.
માર્કેટમાં કડાકાનું મુખ્ય કારણ શું છે?
શેરબજારમાં આવેલા આ મોટા કડાકા પાછળ ડોનાલ્ડ ટ્રમ્પનું આક્રમક વલણ જવાબદાર છે. ટ્રમ્પે ઈરાન અંગે ધમકી આપતા કહ્યું છે કે, જો હોર્મુઝ જલડમરુમધ્ય (Strait of Hormuz) ખુલ્લો રહેશે તો જ તેઓ વિચાર કરશે, નહીંતર ઈરાન પર અમેરિકાનો હુમલો ચાલુ રહેશે. ટ્રમ્પની આ ધમકીની સીધી અસર કાચા તેલ (Crude Oil) ના ભાવો પર પડી અને તેમાં ભડકો થયો. ક્રૂડ મોંઘુ થવાના ડરે એશિયન બજારોમાં ભારે વેચવાલીની આંધી શરૂ થઈ અને તેની ઝપેટમાં ભારતીય શેરબજાર પણ આવી ગયું.
સેન્સેક્સ અને નિફ્ટીની હાલની સ્થિતિ
આજે સેન્સેક્સની વીકલી એક્સપાયરી (Weekly Expiry) નો દિવસ છે અને બજારમાં ચારેકોર લાલાશ જોવા મળી રહી છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ભારે વેચવાલીનું દબાણ છે. તમામ સેક્ટરના ઈન્ડેક્સ લાલ નિશાનમાં છે.
BSE Sensex: સેન્સેક્સ હાલ 1325.12 પોઈન્ટ્સ (1.81%) ના મોટા ઘટાડા સાથે 71,809.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જોકે, શરૂઆતી કારોબારમાં તે ગગડીને 71,608.48 ના લેવલ સુધી પહોંચી ગયો હતો.
Nifty 50: નિફ્ટી 401.90 પોઈન્ટ્સ (1.77%) તૂટીને 22,277.50 પર આવી ગયો છે. આજે માર્કેટ ખૂલતાની સાથે જ તે 22,209.15 ના નીચલા સ્તર સુધી ગયો હતો.
રોકાણકારોના 9.16 લાખ કરોડનું ધોવાણ
ફક્ત એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં મોટું ગાબડું પડ્યું છે. 1 એપ્રિલ 2026 ના રોજ BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 4,22,01,433.48 કરોડ હતું. પરંતુ આજે 2 એપ્રિલ 2026 ના રોજ માર્કેટ ખૂલતાની સાથે જ આ માર્કેટ કેપ ઘટીને 4,12,84,494.52 કરોડ પર આવી ગયું. એટલે કે ગણતરીની મિનિટોમાં રોકાણકારોની મૂડીમાંથી 9,16,938.96 કરોડ પાણીમાં ગયા છે.
સેન્સેક્સના તમામ 30 શેર લાલ નિશાનમાં
આજના ઘટાડાની ગંભીરતા એ વાત પરથી સમજી શકાય કે સેન્સેક્સ પર લિસ્ટેડ તમામ 30 શેરો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે, એકપણ શેર ગ્રીન ઝોનમાં (ફાયદામાં) નથી. સૌથી મોટો ફટકો આઈટી (IT) સેક્ટરને પડ્યો છે, જેમાં HCL Tech, TCS અને Infosys ના શેરમાં સૌથી વધુ કડાકો બોલ્યો છે.
BSE પર ઓવરઓલ માર્કેટની સ્થિતિ પર નજર કરીએ તો BSE પર આજે કુલ 2604 શેરોમાં ટ્રેડિંગ થઈ રહ્યું છે. જેમાંથી માત્ર 603 શેર જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. જ્યારે 1869 શેરોમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે અને 132 શેરોમાં કોઈ જ ફેરફાર નથી. આજે 15 શેરો પોતાના એક વર્ષના હાઈ (High) લેવલ પર પહોંચ્યા છે, જ્યારે 65 શેર 1 વર્ષના લો (Low) સ્તર પર પટકાયા છે. આ ઉપરાંત 44 શેરોમાં અપર સર્કિટ લાગી છે, તો સામે 54 શેરોમાં લોઅર સર્કિટ વાગી ગઈ છે.
અંતમાં કહીએ તો, આજના કારોબારમાં ગ્લોબલ ટેન્શનની સ્પષ્ટ અસર ભારતીય બજારો પર વર્તાઈ રહી છે. રોકાણકારોમાં હાલ ડરનો માહોલ છે અને સૌની નજર વૈશ્વિક બજારોના આગામી અપડેટ્સ પર ટકેલી છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.