પશ્ચિમ એશિયામાં વકરેલા યુદ્ધ અને કાચા તેલના વધતા ભાવને કારણે શેરબજારમાં મોટો કડાકો બોલી ગયો છે. સેન્સેક્સ 2497 પોઈન્ટ તૂટ્યો છે. જાણો 20 માર્ચે બજારની ચાલ કેવી રહેશે અને દિગ્ગજ એક્સપર્ટ્સ શું સલાહ આપી રહ્યા છે.
મેટલ, IT, બેન્કિંગ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ શેરોમાં પણ 3 થી 4 ટકાનું મોટું દબાણ જોવા મળ્યું છે.
Market Outlook: પશ્ચિમ એશિયામાં ઘેરાયેલા યુદ્ધના સંકટની શેરબજાર પર ભયંકર અસર પડી છે. ગ્લોબલ માર્કેટમાં ડરનો માહોલ અને કાચા તેલની કિંમતોમાં આવેલા ઉછાળાને કારણે ભારતીય શેરબજારમાં હાહાકાર મચી ગયો છે. રોકાણકારો જોખમ લેવાનું ટાળી રહ્યા છે, જેને કારણે બેન્ચમાર્ક ઇન્ડેક્સ 3 ટકા કરતાં વધુ તૂટી ગયા છે. આજના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી મોટા કડાકા સાથે બંધ થયા છે, અને માર્કેટની બ્રેડ્થ એકદમ નબળી જોવા મળી છે.
માર્કેટમાં કડાકાની આંકડાકીય માહિતી
નિફ્ટી 50 776 પોઈન્ટના ઘટાડા સાથે 23,002 પર બંધ થયો. નિફ્ટીના 50 માંથી 49 શેરો લાલ નિશાનમાં રહ્યા. સેન્સેક્સ 2497 પોઈન્ટના ઐતિહાસિક કડાકા સાથે 74,207 ના સ્તરે બંધ થયો. સેન્સેક્સના તમામ 30 શેરો તૂટ્યા. બેંક નિફ્ટી 1875 પોઈન્ટ ગગડીને 53,451 પર બંધ થયો. આના પણ તમામ 14 શેરોમાં વેચવાલી રહી. મિડકેપ 1798 પોઈન્ટ તૂટીને 54,492 ના સ્તરે પહોંચી ગયો. માર્કેટમાં એટલી હદે ગભરાટ હતો કે માત્ર 999 શેરોમાં જ ખરીદી જોવા મળી, જ્યારે 3,072 શેરોમાં ભારે ઘટાડો નોંધાયો. બજારનો ડર દર્શાવતો ઇન્ડેક્સ 'ઇન્ડિયા VIX' 21 ટકાથી પણ વધુ ઉછળી ગયો હતો, જે બજારમાં મોટા ઉતાર-ચઢાવનો સંકેત આપે છે.
કયા સેક્ટરમાં સૌથી વધુ નુકસાન?
BSE ના તમામ સેક્ટરલ ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા છે. ઓટો અને રિયલ્ટી સેક્ટરમાં સૌથી વધુ ધોવાણ થયું છે. ઓટો ઇન્ડેક્સ 4 ટકાથી વધુ ગગડી ગયો છે. આ ઉપરાંત મેટલ, IT, બેન્કિંગ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ શેરોમાં પણ 3 થી 4 ટકાનું મોટું દબાણ જોવા મળ્યું છે.
એક્સપર્ટ્સનું શું કહેવું છે? શા માટે આવ્યો આ કડાકો?
જીઓજિતના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે. વિજયકુમારના જણાવ્યા અનુસાર, "ઈઝરાયેલે ઈરાનમાં આવેલી દુનિયાની સૌથી મોટી LNG રિફાઇનરી પર હુમલો કર્યો છે. આ ઘટનાએ યુદ્ધ અંગેની અનિશ્ચિતતામાં મોટો વધારો કર્યો છે. જો બ્રેન્ટ ક્રૂડ લાંબા સમય સુધી 110 ડોલરની ઉપર જળવાઈ રહેશે, તો ભારતની મેક્રો-ઇકોનોમિક્સ સ્થિતિ પર તેની ખૂબ જ ખરાબ અસર પડશે. તેની સીધી અસર નાણાકીય વર્ષ FY27 માં ભારતના GDP ગ્રોથ અને કોર્પોરેટ અર્નિંગ પર પણ જોવા મળશે."
20 માર્ચે બજારની ચાલ કેવી રહેશે?
જીઓજિત ઇન્વેસ્ટમેન્ટ્સના ચીફ માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ આનંદ જેમ્સે જણાવ્યું કે, "છેલ્લા 3 દિવસમાં બજારમાં 900 પોઈન્ટનો જે જંગી ઉછાળો આવ્યો હતો, તેમાં 10-દિવસના સિમ્પલ મૂવિંગ એવરેજ પાસે હવે થાક જોવા મળી રહ્યો છે." 20 માર્ચ માટે તેમણે સ્પષ્ટ કર્યું કે, "જો નિફ્ટી 23,111 ની નીચે જશે તો બજારમાં વધુ નબળાઈ આવી શકે છે. જ્યારે બજારને ફરીથી મજબૂતી બતાવવા માટે 23,450 ની ઉપર ટકી રહેવું અત્યંત જરૂરી છે."
વેલ્થ મિલ્સ સિક્યોરિટીઝના ડિરેક્ટર ક્રાંતિ બેથાનીએ જણાવ્યું કે, બજાર હાલમાં 'બેર ફેઝ' (મંદીના તબક્કા) ની એકદમ નજીક છે. શોર્ટ ટર્મમાં બજાર એક ચોક્કસ દાયરામાં (Range-bound) જ કામકાજ કરે તેવી શક્યતા છે. જ્યાં સુધી નિફ્ટી 25,000 ની નીચે રહેશે, ત્યાં સુધી બજારનો મૂડ નબળો જ રહેવાની પૂરી સંભાવના છે.
અંદરખાને માર્કેટ કેટલું નબળું છે? મોટો ખતરો!
વેલ્થ કોના મેનેજિંગ પાર્ટનર અક્ષય ચિંચાલકરે બજારની આંતરિક નબળાઈ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, "નિફ્ટી 500 ઇન્ડેક્સ સપ્ટેમ્બર 2024 ની તેની ટોચ પરથી 10 ટકા કરતાં વધુ નીચે આવી ગયો છે. આવું પહેલીવાર બન્યું છે કે બજાર 100-અઠવાડિયાના મૂવિંગ એવરેજથી આટલું ખરાબ રીતે તૂટ્યું હોય અને તેમાં કોઈ જ રિકવરી ન આવી હોય."
ભૂતકાળ યાદ અપાવતા તેમણે કહ્યું કે, જૂન 2022, એપ્રિલ 2023 અને એપ્રિલ 2025 માં જ્યારે પણ બજાર આ રીતે તૂટ્યું હતું, ત્યારે રોકાણકારોએ તરત જ નીચેના ભાવે ખરીદી (Dip Buying) શરૂ કરી દીધી હતી. પરંતુ આ વખતે રોકાણકારો કોઈ ઉતાવળ નથી કરી રહ્યા, જે દર્શાવે છે કે માહોલ ખૂબ જ સાવચેતીભર્યો છે.
ચેતવણી: 21,000 નો આંકડો તૂટશે તો...
ચિંચાલકરે અંતમાં રોકાણકારોને ચેતવણી આપતા કહ્યું કે, "હાલમાં બજાર 21,000 ની આસપાસના નીચલા સ્તરે ટકેલું છે, પરંતુ જો આ લેવલ તૂટશે તો બજારમાં વેચવાલીનો એક નવો અને ભયંકર દોર શર થઈ શકે છે. જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે ભૌગોલિક તણાવ શાંત નહીં થાય, ત્યાં સુધી બજારમાં શાંતિની અપેક્ષા રાખવી મુશ્કેલ છે."
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.