ભારતીય શેરબજારમાં સતત પાંચમા સપ્તાહે ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 2.26% અને નિફ્ટી 50 2.09% ઘટ્યા હતા. ઊંચા ક્રૂડ ઓઈલના ભાવ અને ડોલરની મજબૂત માંગને કારણે રૂપિયો પણ નબળો પડ્યો હતો. સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા હતા, જેમાં રિયલ્ટી અને આઈટીમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. FIIની વેચવાલી સતત ચોથા સપ્તાહે ચાલુ રહી, જ્યારે DIIની ખરીદીએ બજારને થોડો સપોર્ટ આપ્યો હતો.
FIIની વેચવાલી અને વૈશ્વિક દબાણ વચ્ચે સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં સતત ઘટાડો જોવા મળ્યો.
Market This Week: ભારતીય શેરબજારમાં સતત પાંચમા સપ્તાહે ઘટાડો નોંધાયો છે. સપ્તાહના અંતે બીએસઈ સેન્સેક્સ 1,733.67 પોઈન્ટ એટલે કે 2.26% ઘટીને 74,781.76 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 50માં 499.6 પોઈન્ટ એટલે કે 2.09%નો ઘટાડો નોંધાયો હતો અને ઈન્ડેક્સ 23,398.10ના સ્તરે બંધ થયો હતો. આ સાથે બંને મુખ્ય ઈન્ડેક્સ ત્રણ મહિનાની નીચલી સપાટીની નજીક પહોંચી ગયા છે.
રૂપિયામાં પણ મોટો ઘટાડો
ભારતીય રૂપિયાએ સતત બે સપ્તાહની મજબૂતીનો સિલસિલો તોડ્યો હતો. ઊંચા ક્રૂડ ઓઈલના ભાવ અને ડોલરની મજબૂત માંગને કારણે રૂપિયામાં લગભગ ચાર મહિનાનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો નોંધાયો હતો.
11 સપ્ટેમ્બરે રૂપિયો અમેરિકી ડોલર સામે 106 પૈસા ઘટીને 95.55ના સ્તરે બંધ થયો હતો. 4 સપ્ટેમ્બરે રૂપિયો 94.49ના સ્તરે હતો. સપ્તાહ દરમિયાન રૂપિયાએ 94.37થી 95.79ની રેન્જમાં ટ્રેડિંગ કર્યું હતું.
સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલી
નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સમાં સપ્તાહ દરમિયાન લગભગ 1%નો ઘટાડો થયો હતો. IFCI, એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બ્રિગેડ એન્ટરપ્રાઇઝ, IDBI બેંક, ઝેન્સર ટેક્નોલોજીસ, અર્બન કંપની અને IIFL ફાઇનાન્સ જેવા શેરોમાં 18% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
બીજી તરફ પાઈન લેબ્સ, ફિઝિક્સવાલા, બંધન બેંક, એજિસ લોજિસ્ટિક્સ, રેડિંગ્ટન, ફાઈવ-સ્ટાર બિઝનેસ ફાઈનાન્સ, ડેટા પેટર્ન્સ (ઈન્ડિયા) અને સ્વાન કોર્પ જેવા શેરોમાં 5%થી 21% સુધીનો ઉછાળો નોંધાયો હતો.
મિડકેપ ઈન્ડેક્સ પણ દબાણમાં
નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ સપ્તાહ દરમિયાન 1.4% ઘટ્યો હતો અને સતત બીજા સપ્તાહે ઘટાડા સાથે બંધ થયો હતો. ગોદરેજ પ્રોપર્ટીઝ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, પીઆઇ ઇન્ડસ્ટ્રીઝ, કોચીન શિપયાર્ડ, ઓબેરોય રિયલ્ટી, કોફોર્જ અને ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયા જેવા શેરોએ ઈન્ડેક્સ પર દબાણ વધાર્યું હતું.
જોકે વન 97 કોમ્યુનિકેશન્સ (પેટીએમ), લૌરસ લેબ્સ, જીઇ વર્નોવા ટી એન્ડ ડી ઇન્ડિયા, બ્લુ સ્ટાર અને યસ બેંક જેવા શેરોમાં તેજી જોવા મળી હતી.
બીએસઈ માર્કેટ કેપમાં ₹7 લાખ કરોડનો ઘટાડો
સપ્તાહ દરમિયાન બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપમાં આશરે ₹7 લાખ કરોડનો ઘટાડો થયો હતો. બજારના મોટા હેવીવેઈટ શેરોમાં ઘટાડાને કારણે માર્કેટ વેલ્યુ પર અસર પડી હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રી માર્કેટ કેપમાં ઘટાડો કરાવનાર સૌથી મોટો શેર રહ્યો હતો. ત્યારબાદ ઈન્ફોસીસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ અને આઈસીઆઈસીઆઈ બેંકનો નંબર આવ્યો હતો. (ડિસ્ક્લેમર: નેટવર્ક 18 મીડિયા એન્ડ ઈનવેસ્ટમેન્ટ લિમિટેડ પર ઈંડિપેંડેંટ મીડિયા ટ્રસ્ટનો માલિકીનો હક છે. તેની બેનફિશિયરી કંપની રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ છે.)
બીજી તરફ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને એનટીપીસી સપ્તાહ દરમિયાન સૌથી મોટા વેલ્થ ક્રિએટર્સમાં રહ્યા હતા.
તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં
સપ્તાહ દરમિયાન તમામ સેક્ટોરલ ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી રિયલ્ટીમાં સૌથી વધુ 6.5%નો ઘટાડો થયો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 5.7% ઘટ્યો હતો.
આ ઉપરાંત નિફ્ટી મેટલમાં 2.4%, નિફ્ટી ઑયલ એન્ડ ગેસમાં 2.2%નો ઘટાડો થયો હતો. નિફ્ટી પીએસયુ બેંક, મીડિયા અને એફએમસીજી ઈન્ડેક્સ પણ લગભગ 2% ઘટ્યા હતા.
FII વેચવાલી સતત ચોથા સપ્તાહે
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ સતત ચોથા સપ્તાહે ચાલુ રાખી હતી, જોકે વેચવાલીની ગતિ અગાઉની સરખામણીએ ધીમી રહી હતી. FIIs એ સપ્તાહ દરમિયાન ₹1,795.19 કરોડના શેર વેચ્યા હતા. બીજી તરફ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એટલે કે (DIIs) એ બજારને સપોર્ટ આપવાનું ચાલુ રાખ્યું હતું. DIIs એ સપ્તાહ દરમિયાન ₹6,419.46 કરોડની ઇક્વિટી ખરીદી કરી હતી.