NSE IPO Impact: ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપનીના શેરમાં 14% નો જંગી ઉછાળો, જાણો NSEના મેગા આઈપીઓ સાથે શું છે કનેક્શન
દેશના સૌથી મોટા NSE IPO ની જાહેરાત થતા જ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ (NIACL) ના શેરમાં 14% નો મોટો ઉછાળો જોવા મળ્યો છે. જાણો આ આઈપીઓથી કઈ સરકારી કંપનીઓ અને બેંકોને થશે જંગી ફાયદો.
આ કંપની NSE ના આઈપીઓમાં પોતાનો હિસ્સો વેચવા જઈ રહી છે. ન્યૂ ઇન્ડિયા આ ઓફર ફોર સેલ હેઠળ પોતાના 1.05 કરોડ શેર્સ વેચશે.
NSE IPO Impact : શેરબજારના રોકાણકારો જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે નેશનલ સ્ટોક એક્સચેન્જના મેગા આઈપીઓની હિલચાલ શરૂ થઈ ગઈ છે. આ સમાચાર આવતાની સાથે જ 18 જૂનના રોજ માર્કેટ ખુલતા વેંત ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપનીના શેરમાં જાણે પાંખો આવી ગઈ હોય તેમ 14 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો હતો.
દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ ગણાતા NSE એ પોતાના 30,000 કરોડ રૂપિયાના બમ્પર આઈપીઓ માટે માર્કેટ રેગ્યુલેટર SEBI પાસે જરૂરી દસ્તાવેજો (પેપર્સ) ફાઈલ કરી દીધા છે. આ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ બની શકે છે, જેની સીધી અને સકારાત્મક અસર શેરબજારની અમુક સરકારી કંપનીઓ પર પડી રહી છે.
ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સના શેરમાં કેમ આવી તેજી?
સવારે 10:10 વાગ્યાની આસપાસ New India Assurance Companyનો શેર 13.45 ટકાના જબરદસ્ત ઉછાળા સાથે 187.72 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે, NSE દ્વારા સેબીને જે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ સોંપવામાં આવ્યો છે, તેમાં ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સનું નામ પણ સામેલ છે.
આ કંપની NSE ના આઈપીઓમાં પોતાનો હિસ્સો વેચવા જઈ રહી છે. ન્યૂ ઇન્ડિયા આ ઓફર ફોર સેલ હેઠળ પોતાના 1.05 કરોડ શેર્સ વેચશે. સૌથી રસપ્રદ વાત એ છે કે, કંપનીએ આ શેર્સ સરેરાશ માત્ર 0.32 રૂપિયા પ્રતિ શેરના અત્યંત નજીવા ભાવે ખરીદ્યા હતા, જેથી હવે તેમને આ ડીલથી જંગી નફો થવાની પૂરી શક્યતા છે.
આ આઈપીઓ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ હશે
નેશનલ સ્ટોક એક્સચેન્જે 17 જૂનના રોજ સેબી સમક્ષ પોતાના શરૂઆતી દસ્તાવેજો રજૂ કર્યા હતા. 30,000 કરોડ રૂપિયાના આ વિશાળ ઈશ્યુમાં કોઈ નવા શેર બહાર પાડવામાં આવશે નહીં. આ આઈપીઓ 100 ટકા ઓફર ફોર સેલ પર આધારિત હશે, જે અંતર્ગત કુલ 14.89 કરોડ શેર વેચાણ માટે મુકાશે.
આનો સીધો અર્થ એ છે કે, આઈપીઓ દ્વારા જે પણ ભંડોળ એકત્ર થશે તે સીધું NSE કંપનીના ખાતામાં જવાના બદલે, તેમાં હિસ્સો ધરાવતા વર્તમાન રોકાણકારો (શેરહોલ્ડર્સ) ને મળશે. આ પ્રક્રિયામાં વર્તમાન શેરહોલ્ડર્સ કંપનીમાંથી પોતાનો અંદાજિત 6 ટકા હિસ્સો વેચવા જઈ રહ્યા છે.
SBI અને GIC જેવી કંપનીઓ પર થશે પૈસાનો વરસાદ
NSE માં અગાઉથી જ ઘણી સરકારી બેંકો, વીમા કંપનીઓ અને લોંગ ટર્મ સંસ્થાકીય રોકાણકારોએ રોકાણ કરેલું છે. વર્ષો પહેલા આ કંપનીઓએ સાવ કોડીના ભાવે શેર ખરીદ્યા હોવાથી હવે તેમને આ આઈપીઓ મારફતે જંગી નફો મળવાનો છે.
જનરલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન: આ કંપની OFS દ્વારા NSE ના 1.066 કરોડ શેર્સ વેચશે. GIC એ આ શેર્સ માત્ર 5.26 રૂપિયા પ્રતિ શેરના ભાવે ખરીદ્યા હતા.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા: દેશની સૌથી મોટી બેંક SBI પણ NSE માં 3.23 ટકા હિસ્સો ધરાવે છે. આ સિવાય SBI કેપિટલ માર્કેટ્સ પાસે 4.33 ટકા અને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન પાસે 4.44 ટકા હિસ્સો છે. આ મેગા આઈપીઓમાં એકલા SBI દ્વારા 2.48 કરોડ જેટલા શેર્સ વેચવામાં આવી શકે છે.
આમ, NSE ના આઈપીઓની જાહેરાતે બજારમાં એક નવો ઉત્સાહ જગાડ્યો છે અને તેમાં ભાગીદાર કંપનીઓ માટે નફાના નવા દરવાજા ખોલી દીધા છે. બજારના રોકાણકારો આ ઐતિહાસિક લિસ્ટિંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.