મિડલ ઈસ્ટમાં તણાવ અને અમેરિકાની ઈરાન પર હુમલાની ધમકીથી ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા છે. નોમુરાના રિપોર્ટ મુજબ OMC કંપનીઓને મોટું નુકસાન થઈ શકે છે. જાણો શેરબજાર પર અસર.
મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ 2-3 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. બજારની અસ્થિરતા દર્શાવતો ઈન્ડિયા VIX 6 ટકા ઉછળ્યો છે.
OMC Stocks : પશ્ચિમ એશિયામાં સતત વધી રહેલા તણાવે આખી દુનિયામાં તેલ સંકટ ઊભું કરી દીધું છે. અમેરિકાએ ઈરાન પર વધુ ભીષણ હુમલા કરવાની ધમકી આપી છે, જેના કારણે કાચા તેલની કિંમતોમાં મોટો ઉછાળો આવ્યો છે. એનર્જી સપ્લાયને લઈને ઊભી થયેલી આ નવી ચિંતાઓની સીધી અસર શેરબજાર અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેરો પર જોવા મળી રહી છે.
શેરબજારમાં હાહાકાર: નિફ્ટી 1 વર્ષના તળિયે
ઈરાન પર હુમલાઓ તેજ કરવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ બજારમાં ભારે વેચવાલી જોવા મળી છે. નિફ્ટી અને બેન્ક નિફ્ટી 1 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે.
મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ 2-3 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. બજારની અસ્થિરતા દર્શાવતો ઈન્ડિયા VIX 6 ટકા ઉછળ્યો છે. ગ્લોબલ માર્કેટમાં પણ નરમાશ છે, ડાઉ ફ્યુચર્સ લગભગ 550 પોઈન્ટ તૂટ્યો છે. ક્રૂડના વધતા ભાવને કારણે OMCs ની મુશ્કેલીઓ વધી છે. HPCL અને IOC ના શેર 3-4 ટકા અને BPCL નો શેર લગભગ 3 ટકા ગગડ્યો છે.
ક્રૂડ ઓઇલ સપ્લાય પર મોટો ખતરો
બ્રેન્ટ ક્રૂડ લગભગ 6 ટકા ઉછળીને 107 ડોલરની પાર નીકળી ગયું છે. ઇરાક, કુવૈત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) દ્વારા તેલ ઉત્પાદનમાં કરાયેલા ઘટાડાએ વૈશ્વિક તેલ વ્યાપાર માટે અત્યંત મહત્વપૂર્ણ એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝની આસપાસ સપ્લાય ખોરવાઈ જવાની આશંકાઓ વધારી દીધી છે.
OMCs પર નોમુરાનો ચોંકાવનારો રિપોર્ટ
જાણીતી બ્રોકરેજ ફર્મ નોમુરાએ OMCs ની સ્થિતિ અંગે એક ખાસ રિપોર્ટ બહાર પાડ્યો છે. સરકારે ઘરેલુ એરલાઇન્સ માટે ATF (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ) ની કિંમતોમાં 8.5 ટકાના વધારાની જાહેરાત કરી છે. જ્યારે વિદેશી ફ્લાઇટ્સ માટે તેમાં 107 ટકાનો તોતિંગ વધારો કરાયો છે. વર્તમાન સ્થિતિમાં, OMCs ને ATF પર પ્રતિ લિટર 64 રૂપિયાનું મોટું નુકસાન થઈ રહ્યું છે. કંપનીઓના કુલ માર્કેટિંગ વોલ્યુમમાં ATF નો હિસ્સો 2 થી 6 ટકા છે, અને તેમાંથી 65 ટકા વેચાણ માત્ર ઘરેલુ એરલાઇન્સને થાય છે. જો આ જ ભાવ ચાલુ રહેશે, તો વર્ષના અંતે IOC ને 23,600 કરોડ રૂપિયા, BPCL ને 9,500 કરોડ રૂપિયા અને HPCL ને 5,300 કરોડ રૂપિયાનું જંગી નુકસાન થઈ શકે છે.
ક્રૂડ ઓઇલના આજના લેટેસ્ટ ભાવ
ગુરુવારે કાચા તેલના ભાવમાં જોરદાર તેજી જોવા મળી. ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા આક્રમક હુમલા ચાલુ રાખશે અને યુદ્ધ ખતમ કરવાની કોઈ સમય-મર્યાદા નથી. ભારતમાં MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર તેલની કિંમતો 5.66 ટકા વધીને 9,775 રૂપિયા પ્રતિ બેરલ થઈ ગઈ છે. ગ્લોબલ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ 5 ટકા વધીને 106.22 ડોલર અને અમેરિકી WTI ક્રૂડ 4.2 ટકા ઉછળીને 104.36 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.
નિષ્ણાતોનું શું કહેવું છે?
વેસ્ટપેક બેન્કિંગ કોર્પના કોમોડિટી રિસર્ચ હેડ, રોબર્ટ રેનીએ બ્લૂમબર્ગને જણાવ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં બ્રેન્ટ ક્રૂડ 95 થી 110 ડોલરની વચ્ચે ટ્રેડ થવાની સંભાવના છે. ટ્રમ્પના ભાષણથી વાસ્તવિકતા બદલાતી નથી. હોર્મુઝ સ્ટ્રેટ છેલ્લા એક મહિનાથી બંધ જેવી સ્થિતિમાં છે, જેનાથી સપ્લાયમાં મોટો કાપ આવ્યો છે. આ રૂકાવટ હજુ કેટલાક અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી ખેંચાઈ શકે છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.