Pharma Stocks: પશ્ચિમ એશિયાના યુદ્ધે ફાર્મા કંપનીઓનું ગણિત બગાડ્યું, ફાર્મા શેરો પર ભારે દબાણ, દવાઓ મોંઘી થવાની ભીતિ
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર ભારતીય ફાર્મા કંપનીઓ પર પડી છે. કાચા માલની અછત અને વધતા ટ્રાન્સપોર્ટ ખર્ચને કારણે ફાર્મા શેરો દબાણમાં છે. જાણો સંપૂર્ણ વિગત.
દ્ધના કારણે કેટલીક ચોક્કસ કેમિકલ સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે. ખાસ કરીને 'આઇસોબ્યુટાઇલબેન્ઝીન' નામના કેમિકલની સપ્લાયમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
Pharma Stocks: ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ફાર્મા સેક્ટરના શેરોમાં ભારે દબાણ અને વેચવાલી જોવા મળી રહી છે. સામાન્ય રીતે સુરક્ષિત મનાતા આ સેક્ટરમાં આવેલી પડતી પાછળનું સૌથી મોટું કારણ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું ભયંકર યુદ્ધ છે. આ યુદ્ધે માત્ર ક્રૂડ ઓઇલ જ નહીં, પરંતુ દવાઓ બનાવતી કંપનીઓનું આખું ગણિત ખોરવી નાખ્યું છે.
ચાલો સમજીએ કે હજારો કિલોમીટર દૂર ચાલી રહેલા યુદ્ધની ભારતીય ફાર્મા કંપનીઓ અને દવાઓના ભાવ પર શું અસર પડી રહી છે.
પેટ્રોકેમિકલ્સ અને ફાર્મા ઇન્ડસ્ટ્રીનું કનેક્શન
દવા કંપનીઓ અને યુદ્ધ વચ્ચેનો સીધો સંબંધ કાચા માલ સાથે જોડાયેલો છે. ફાર્મા કંપનીઓને દવાઓ બનાવવા માટે જે કાચો માલ (ફીડસ્ટોક) જોઈએ છે, તેનો 90 થી 99 ટકા હિસ્સો પેટ્રોકેમિકલ્સમાંથી આવે છે. ભારતનો વૈશ્વિક દબા બજારમાં મોટો દબદબો છે. ભારત દુનિયાની કુલ જેનરિક દવાઓના 20 ટકા સપ્લાય કરે છે. એકલા અમેરિકાની વાત કરીએ તો ત્યાં વપરાતી 40 થી 50 ટકા જેનરિક દવાઓ ભારતમાંથી જ જાય છે.
દવા બનાવવા માટે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ્સ ખૂબ જ જરૂરી છે. આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2025 માં ભારતે 39,214 કરોડ રૂપિયાના API ની આયાત કરી હતી. ચિંતાની વાત એ છે કે આમાંથી 74 ટકા આયાત માત્ર ચીનમાંથી કરવામાં આવી હતી.
પશ્ચિમ એશિયાના સંકટને કારણે લોજિસ્ટિક્સ એટલે કે માલસામાનની હેરફેર પર ખરાબ અસર પડી છે:
ભારત તેનું 40 ટકા ક્રૂડ ઓઇલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝના રસ્તેથી મંગાવે છે, જ્યાં અત્યારે ભારે તણાવ છે. હાલના દિવસોમાં એર ફ્રેઇટ (હવાઈ માર્ગે સામાન લાવવાનો ખર્ચ) માં 15 થી 30 ટકાનો તોતિંગ ઉછાળો આવ્યો છે.
દરિયાઈ માર્ગે આવતા માલસામાનમાં 10 થી 20 દિવસનું મોડું થઈ રહ્યું છે. કન્ટેનરનું ભાડું 2 થી 3 ગણું વધી ગયું છે. API બનાવવાની કુલ પડતરમાં 20 થી 25 ટકા ખર્ચ માત્ર ઊર્જાનો હોય છે. આ તમામ કારણોસર કંપનીઓના ઇનપુટ ખર્ચમાં 10 થી 15 ટકાનો વધારો થયો છે.
દવાઓ માટે જરૂરી કાચા માલની અછત
યુદ્ધના કારણે કેટલીક ચોક્કસ કેમિકલ સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે. ખાસ કરીને આઇસોબ્યુટાઇલબેન્ઝીન નામના કેમિકલની સપ્લાયમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, 'ઇબુપ્રોફેન' જેવી રોજિંદા વપરાશની પેઇનકિલર દવા બનાવવા માટે આ કેમિકલ ખૂબ જ જરૂરી કાચો માલ છે.
ફાર્મા ઇન્ડસ્ટ્રીનો શું છે દાવો?
આ સ્થિતિ વચ્ચે ફાર્મા ઇન્ડસ્ટ્રીએ રાહતના સમાચાર આપતા કહ્યું છે કે હાલમાં માર્કેટમાં દવાઓની કોઈ અછત નથી. કંપનીઓ પાસે ગોડાઉનમાં 2 થી 3 મહિના ચાલે તેટલો કાચો માલ ઉપલબ્ધ છે. તેમજ તૈયાર દવાઓનો 3 થી 6 મહિનાનો સ્ટોક પડેલો છે. ગ્લોબલ ડિસ્ટ્રીબ્યુટર્સ પણ 30 થી 60 દિવસની સપ્લાય સાથે કામ ચલાવી રહ્યા છે. નોંધનીય છે કે અમેરિકામાં ડૉક્ટરોના પ્રિસ્ક્રિપ્શનમાં 90 ટકા હિસ્સો જેનરિક દવાઓનો હોય છે.
જોકે, નિષ્ણાતો ચેતવણી આપે છે કે જો યુદ્ધ લાંબુ ચાલશે અને પરિસ્થિતિ નહીં સુધરે, તો કંપનીઓના નફા પર મોટું દબાણ આવશે. જેના પરિણામે આગામી સમયમાં દવાઓના ભાવમાં વધારો થઈ શકે છે અને સપ્લાયમાં વિલંબ થવાની પૂરી શક્યતા છે.
યુદ્ધના લેટેસ્ટ અપડેટ્સ
ભૌગોલિક રાજકીય સ્થિતિની વાત કરીએ તો, અમેરિકા અને ઈરાન વચ્ચે નિવેદનબાજી તેજ થઈ ગઈ છે. યુદ્ધનો અંત નજીક દેખાઈ રહ્યો નથી. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે અને અમેરિકા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સાથે જોડાયેલા વિસ્તારો પર હુમલો કરશે. સામે પક્ષે ઈરાનની સેનાએ પણ અમેરિકાને ખુલ્લી ધમકી આપતા કહ્યું છે કે, "યુદ્ધની શરૂઆત અમેરિકાએ કરી છે, પરંતુ તેનો અંત અમે લાવીશું." આ બધાની વચ્ચે ઈઝરાયેલે દાવો કર્યો છે કે તેમણે એક હુમલામાં ઈરાનના સિક્યુરિટી ચીફ અલી લારીજાનીને મારી નાખ્યા છે.
બીજી તરફ, રશિયાએ પણ આ મામલે ઝંપલાવ્યું છે. રશિયાએ ઈરાન પર થયેલા હુમલાઓને ગેરવાજબી અને દગાખોરી સમાન ગણાવ્યા છે. રશિયાનું કહેવું છે કે કોઈપણ ઉશ્કેરણી વગર આ યુદ્ધ થોપવામાં આવ્યું છે, જે આખા પશ્ચિમ એશિયાના વિસ્તારને ખતરનાક સ્તર સુધી અસ્થિર કરી રહ્યું છે.