અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યારે પેટ્રોલ અને ડીઝલનો સપ્લાય એકદમ સામાન્ય છે, પરંતુ સરકારની બાજ નજર LPG ગેસની સ્થિતિ પર છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવને કારણે સમગ્ર દુનિયામાં ફ્યુઅલ (ઈંધણ) ના સપ્લાયને લઈને ચિંતાઓ વધી ગઈ છે. આ વૈશ્વિક સ્થિતિ વચ્ચે ભારત સરકારે દેશના નાગરિકોને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે, ભારતમાં ઈંધણની કોઈ જ અછત નથી. પરંતુ, આ પરિસ્થિતિનો ખોટો લાભ ઉઠાવીને LPG સિલિન્ડર (LPG Cylinder) નું કાળાબજાર કરતા લેભાગુ તત્વો સામે સરકારે લાલ આંખ કરી છે. કાળાબજારિયાઓને પકડવા માટે દેશભરમાં મોટા પાયે દરોડા પાડવામાં આવી રહ્યા છે.
ભારતમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે મંગળવારે માહિતી આપી હતી કે ભારતમાં કાચા તેલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. દેશની તમામ ઓઇલ રિફાઇનરીઓ તેમની 100% ક્ષમતા સાથે કામ કરી રહી છે અને દેશના કોઈપણ પેટ્રોલ પંપ પર ઈંધણની કોઈ અછત નોંધાઈ નથી.
એક આંતર-મંત્રાલય બ્રીફિંગમાં જોઈન્ટ સેક્રેટરી (માર્કેટિંગ અને ઓઇલ રિફાઇનરી) સુજાતા શર્માએ જણાવ્યું હતું કે, દેશ પાસે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે. આથી હાલમાં આપણે બહારથી કોઈ વધારાના આયાતની જરૂરિયાત નથી.
LPG ગેસની સ્થિતિ પર સરકારની ચાંપતી નજર
અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યારે પેટ્રોલ અને ડીઝલનો સપ્લાય એકદમ સામાન્ય છે, પરંતુ સરકારની બાજ નજર LPG ગેસની સ્થિતિ પર છે. રાહતની વાત એ છે કે હજુ સુધી ક્યાંય પણ ગેસ સંપૂર્ણપણે ખતમ થઈ ગયો હોય તેવી કોઈ વિકટ પરિસ્થિતિ સામે આવી નથી.
સુજાતા શર્માએ વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, ભૂતકાળમાં થોડા સમય માટે કોમર્શિયલ LPG ગેસનો સપ્લાય રોકવામાં આવ્યો હતો, પરંતુ હવે તેને રાજ્ય સરકારોના માધ્યમથી આંશિક રીતે ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે. LPG પરનું દબાણ ઘટાડવા માટે હાલ કેરોસીન અને કોલસા જેવા વૈકલ્પિક ઈંધણનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
કાળાબજાર અને સંગ્રહખોરી સામે કડક એક્શન
ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી કરીને કૃત્રિમ અછત ઉભી કરતા લોકો સામે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. સુજાતા શર્માના જણાવ્યા મુજબ, 16 માર્ચ સુધીમાં સમગ્ર દેશમાં 12,000 થી વધુ સ્થળોએ અચાનક દરોડા પાડવામાં આવ્યા છે. આ મોટા ઓપરેશન દરમિયાન 15,000 જેટલા LPG સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે. ગેરરીતિ રોકવા માટે સતત સરપ્રાઈઝ ચેકિંગ ચાલી રહ્યું છે.
કયા રાજ્યમાં કેટલી કાર્યવાહી થઈ? જાણો આંકડા
દેશના અલગ-અલગ રાજ્યોમાં સ્થાનિક તંત્રએ સપાટો બોલાવ્યો છે.
દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં માત્ર એક જ દિવસના ચેકિંગમાં 600 જેટલા સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશ : યુપીમાં છેલ્લા કેટલાક દિવસોમાં 450 થી વધુ દરોડા પાડવામાં આવ્યા, જેમાં 10 લોકોની સીધી ધરપકડ કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીર : અહીં 564 સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું, જેમાં કસૂરવારો સામે પોલીસ ફરિયાદ (FIR) નોંધવાની સાથે ધરપકડ પણ થઈ છે.
કેરળ : કેરળમાં 1,000 થી વધુ સ્થળોએ દરોડાની કાર્યવાહી થઈ. અહીંથી ઘરેલુ અને કોમર્શિયલ બંને પ્રકારના સિલિન્ડર મોટા પ્રમાણમાં જપ્ત કરાયા છે.
મધ્ય પ્રદેશ : મધ્ય પ્રદેશમાં 1,200 જેટલા સ્થળોએ દરોડા પાડીને 1,800 થી વધુ ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે.
પેટ્રોલ પંપ અને ડિસ્ટ્રીબ્યુટર્સ પર પણ ચેકિંગ
આટલું જ નહીં, ઓઇલ માર્કેટિંગ કંપનીઓની ઇન્સ્પેક્શન ટીમોને પણ મેદાનમાં ઉતારી દેવામાં આવી છે. આ ટીમોએ કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે અત્યાર સુધીમાં 2,500 જેટલા પેટ્રોલ પંપ અને LPG ગેસ એજન્સીઓ પર અચાનક સરપ્રાઈઝ ચેકિંગ કર્યું છે.