SBI Bank Alert: ગ્રાહકો સાવધાન! 26 સપ્ટેમ્બર પહેલા પતાવી લેજો જરૂરી કામ, સતત 5 દિવસ બેંકો રહેશે બંધ
SBI ગ્રાહકો માટે મોટું એલર્ટ. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા 28 થી 30 સપ્ટેમ્બર 2026 સુધી હડતાલની જાહેરાત. શનિ-રવિ સાથે સતત 5 દિવસ બેંકો બંધ રહેશે. હાલાકીથી બચવા 26 સપ્ટેમ્બર પહેલા બેંકના કામ પતાવી લો.
ગ્રાહકોને થોડી રાહત આપતા SBI એ જણાવ્યું છે કે હડતાલ હોવા છતાં બેંકના ડિજિટલ અને ઓનલાઈન પ્લેટફોર્મ રાબેતા મુજબ કામ કરશે.
SBI Bank Alert: જો તમારું બેંકને લગતું કોઈ પણ મહત્વપૂર્ણ કામ અટકેલું છે, તો તેને 26 સપ્ટેમ્બર પહેલાં અચૂક પતાવી લેજો. બેંક કર્મચારીઓના સંયુક્ત સંગઠન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સએ પોતાની પડતર માંગણીઓને લઈને 28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર 2026 સુધી ત્રણ દિવસની દેશવ્યાપી બેંક હડતાલની જાહેરાત કરી છે.
આ મોટી હડતાલને ધ્યાનમાં રાખીને, દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના કરોડો ગ્રાહકો માટે એક ખાસ એડવાઇઝરી જારી કરી છે. બેંકે ગ્રાહકોને ખાસ અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની અગવડતાથી બચવા માટે પોતાની બ્રાન્ચના કામ સમયસર પૂરા કરી લેવા.
સતત 5 દિવસ સુધી બેંકોમાં કામકાજ રહેશે ઠપ્પ
આ હડતાલનો સમયગાળો એવો છે કે બેંક બ્રાન્ચમાં સતત 5 દિવસ સુધી સામાન્ય કામકાજ પ્રભાવિત થઈ શકે છે. રજાઓનું શિડ્યુલ કંઈક આ પ્રમાણે રહેશે.
26 સપ્ટેમ્બર (શનિવાર): મહિનાનો ચોથો શનિવાર હોવાથી નિયમિત બેંક રજા.
27 સપ્ટેમ્બર (રવિવાર): સાપ્તાહિક રજા.
28 થી 30 સપ્ટેમ્બર (સોમવારથી બુધવાર): UFBU ની 3 દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાલ.
આનો સીધો અર્થ એ છે કે શનિવારથી લઈને બુધવાર સુધી, સતત 5 દિવસ ગ્રાહકોને બેંક બ્રાન્ચમાં પહેલાની જેમ કર્મચારીઓ જોવા નહીં મળે.
કયા કામ અટકી શકે છે?
SBI એ સ્પષ્ટ કર્યું છે કે તે હડતાલ દરમિયાન પોતાની બ્રાન્ચમાં જરૂરી સેવાઓ ચાલુ રાખવાનો પૂરો પ્રયાસ કરશે. પરંતુ, જો મોટી સંખ્યામાં કર્મચારીઓ આ હડતાલમાં જોડાશે, તો બ્રાન્ચ લેવલનું કામ પ્રભાવિત થઈ શકે છે. ખાસ કરીને ચેક ક્લિયરન્સ, ફિઝિકલ ડોક્યુમેન્ટ જમા કરવા, લોન પાસ કરવી અને એવા કામ જેમાં બેંક સ્ટાફની સીધી મદદ લેવી જરૂરી છે, તેવા કામ અટકી શકે છે.
આ સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે
ગ્રાહકોને થોડી રાહત આપતા SBI એ જણાવ્યું છે કે હડતાલ હોવા છતાં બેંકના ડિજિટલ અને ઓનલાઈન પ્લેટફોર્મ રાબેતા મુજબ કામ કરશે.
રોકડ માટે ગ્રાહકો નજીકના ATM અને ADWMનો ઉપયોગ કરી શકશે. ગામડાઓ અને નાના કસ્બાઓમાં બેંકિંગ સેવાઓ માટે કસ્ટમર સર્વિસ પોઈન્ટ્સની મદદ લઈ શકાશે. YONO એપ, ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અને UPI દ્વારા પૈસાની લેવડદેવડ અને ઓનલાઈન પેમેન્ટ કોઈપણ અડચણ વગર ચાલુ રહેશે.
ઓક્ટોબરમાં અનિશ્ચિત મુદતની હડતાલની ચીમકી
અગાઉ બેંક યુનિયન UFBU એ 11 સપ્ટેમ્બરે એક દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલ કરી હતી. જો 28 થી 30 સપ્ટેમ્બરની આ ત્રણ દિવસની હડતાલ પછી પણ તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો યુનિયને 26 ઓક્ટોબર 2026 થી અનિશ્ચિત મુદતની હડતાલ પર જવાની પણ મોટી ચીમકી ઉચ્ચારી છે.