RIL AGM: આજની 46 એજીએમની અસર શૅરબજાર ઉપર જોવા મળી શકે છે.
થોડા દિવસ પહેલા જ જિઓ ફાઈનાન્સિયલ સર્વિસીસનું લિસ્ટિંગ થયુ છે. તેમ જ કતાર ઈનવેસ્ટમેન્ટ ઓથોરિટીએ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં હિસ્સો હસ્તગત કર્યો છે. એવામાં આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 46મી એજીએમમાં મહત્વના અપડેટ્સ જાહેર થશે એવો અંદાજ છે. પરિણામે આજની એજીએમની અસર શૅરબજાર ઉપર જોવા મળી શકે છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમમાં હંમેશા નવા ડિવિઝનની અપડેટ્સ આવતી હોય છે, જે ઝડપી ગતિએ વૃદ્ધિ કરતા હોય છે. જોકે, આજની તારીખમાં પણ ઓઈલ-ટુ-કેમિકલ્સ સેગમેન્ટથી જ સૌથી વધુ આવક થાય છે. વર્ષ 2022ની એજીએમમાં કંપનીએ દેશભરમાં ડિસેમ્બર 2023 સુધીમાં જિઓ ફાઈવજી અમલમાં લાવવાની જાહેરાત કરી હતી. જ્યારે 2021માં તેમણે ગ્રીન એનર્જી સેગમેન્ટમાં કામકાજ શરૂ કરવાની જાહેરાત કરી હતી. ગુગલ પણ લઘુમતિ રોકાણકાર હોવાની વાત તે વખતે કરી હતી. આજની એજીએમમાં કંપની નીચે આપેલા અમૂક મુદ્દા સંબંધિત જાહેરાત કરી શકે છે.
આઈપીઓ ટાઈમલાઈન્સ
રોકાણકારો રિલાયન્સના ટેલિકોમ અને રિટેલ ડિવિઝનનું મૂલ્ય અનલોક થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરિણામે અંદાજ છે કે આજે ચેરમેન મુકેશ અંબાણી જિઓ અને રિટેલના આઈપીઓ બાબતે અપડેટ આપી શકે છે.
જિઓ પ્લેટફોર્મ્સમાં પહેલાથી જ અગ્રણી રોકાણકારો છે જેમ કે- ગુગલ, જનરલ એટલાન્ટિક, અબુ ધાબી ઈનવેસ્ટમેન્ટ ઓથોરિટી અને મેટા પ્લેટફોર્મ્સ. જ્યારે રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં કતાર ઈનવેસ્ટમેન્ટ ઓથોરિટી, કેકેઆર, સિલ્વર લેક પાર્ટનર્સ, સાઉદી અરેબિયા અને સિંગાપોરના સોવરીન વેલ્થ ફંડ રોકાણકારો તરીકે છે.
જિઓ ફાઈનાન્સિયલ સર્વિસીસ
જિઓ ફાઈનાન્સિયલ સર્વિસીસનો શૅર લિસ્ટ થયો છે. હવે એજીએમમાં નોન-બૅન્કિંગ ફાઈનાન્સિયલ કંપની સાથે વેન્ચરની ઈચ્છા દર્શાવે છે કે નહીં તેના ઉપર એનાલિસ્ટો અને ટ્રેડર્સની નજર રહેશે. હાલના સમયમાં જિઓ ફાઈનાન્સિયલ સર્વિસીસે બ્લેકરોક સાથે ભાગીદારી કરી છે. આગળ જતા કન્ઝ્યુમર અને મર્ચન્ટ ધિરાણ તેમ જ ઈન્સ્યોરન્સ સેગમેન્ટમાં કંપનીની કામકાજ કરવાની વ્યૂહરચના બાબતે આજે જાહેરાત થઈ શકે છે.
5G, જિઓ એરફાઈબર
5Gનો વ્યાપ વધારવા માટે આકર્ષક પ્રિપેઈડ પ્લાન્સની જાહેરાત થઈ શકે છે. ઉપરાંત જિઓ 5G સ્માર્ટફોન સંબંધિત પણ કોઈ અપડેટ આવી શકે છે, જેમ અગાઉ જિઓભારત 4G ફોનનાં આવ્યા હતા.
નવિનીકરણ ઊર્જા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે અગાઉ જાહેરાત કરી હતી કે નવિનીકરણ ઊર્જા બિઝનેસમાં ત્રણ વર્ષમાં 10 અબજ ડૉલરનું રોકાણ કરવામાં આવશે અને વર્ષ 2035 સુધીમાં કામકાજને કાર્બનમુક્ત કરવામાં આવશે. પરિણામે આ બાબતે આજે કોઈ જાહેરાત થઈ શકે છે. કંપનીની વિવિધ પ્રોજેક્ટ્સની ટાઈમલાઈનની જાહેરાત કરી શકે છે.
રિલાયન્સ રિટેલ વેન્ચર્સનું વિસ્તરણ
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ વિવિધ કન્ઝ્યુમર સેગમેન્ટમાં ઝડપી ગતિએ વિકાસ કરી રહી છે. તેમણે ટિરા અને યુસ્તા જેવા નવા ફોર્મેટ સ્ટોર્સ પણ રજૂ કર્યા છે. તેમની એફએમસીજી બ્રાન્ડ ‘ઈન્ડિપેન્ડન્સ’ ને ઉત્તર ભારતમાં વિસ્તારી છે. આજની એજીએમમાં ઈ-કોમર્સમાં વિસ્તરણ સંબંધિત અને સપ્લાય ચેઈન મજબૂત કરવાની સાથે વિવિધ હસ્તગતની જાહેરાત થઈ શકે છે.
ડિસ્ક્લેમર: નેટવર્ક 18 મીડિયા એન્ડ ઈનવેસ્ટમેન્ટ લિમિટેડ પર ઈંડિપેંડેંટ મીડિયા ટ્રસ્ટનો માલિકીનો હક છે. તેની બેનફિશિયરી કંપની રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ છે.