Securities Markets Code Bill 2025: શેર બજારના નિયમો ધરમૂળથી બદલાશે! સરકારે રજૂ કર્યું નવું બિલ, રોકાણકારો પર શું થશે અસર?
Securities Markets Code Bill 2025: કેન્દ્ર સરકારે લોકસભામાં 'સિક્યોરિટીઝ માર્કેટ્સ કોડ બિલ, 2025' રજૂ કર્યું છે. આ બિલનો હેતુ શેર બજારના જૂના કાયદાઓને એક કરી રોકાણકારો માટે પ્રક્રિયા સરળ બનાવવાનો છે. જાણો તેની ખાસિયતો.
Securities Markets Code Bill 2025: કેન્દ્ર સરકારે લોકસભામાં 'સિક્યોરિટીઝ માર્કેટ્સ કોડ બિલ, 2025' રજૂ કર્યું છે.
Securities Markets Code Bill 2025: ભારતીય શેર બજારના ઇતિહાસમાં એક મોટા સુધારા તરફ કેન્દ્ર સરકારે પગલું ભર્યું છે. ગુરુવાર, 18 ડિસેમ્બરના રોજ લોકસભામાં 'સિક્યોરિટીઝ માર્કેટ્સ કોડ બિલ, 2025' રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલનો મુખ્ય હેતુ શેર બજાર, બોન્ડ, મ્યુચ્યુઅલ ફંડ અને ડેરિવેટિવ્ઝ જેવા તમામ નાણાકીય સાધનો સાથે સંકળાયેલા અલગ-અલગ કાયદાઓને એક જ સરળ અને મજબૂત કાયદામાં સમાવવાનો છે.
* આ તમામ કાયદાઓ નાબૂદ થશે અને તેની જગ્યાએ એક જ કોડ લાગુ પડશે. ચાલો જાણીએ કે આ નવા બિલથી રોકાણકારો અને બજાર પર શું અસર થશે.
શા માટે આ બિલની જરૂર પડી?
સરકારનો ઉદ્દેશ્ય હાલના જટિલ અને અલગ-અલગ કાયદાકીય માળખાને સરળ બનાવવાનો છે. આ નવા કોડથી નિયમોમાં સ્પષ્ટતા આવશે, કાયદાકીય ગૂંચવણ દૂર થશે અને 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ને મોટું પ્રોત્સાહન મળશે. એક જ કાયદો હોવાથી બજારના તમામ સહભાગીઓ માટે નિયમોનું પાલન કરવું વધુ સરળ બનશે.
SEBI બનશે વધુ શક્તિશાળી અને પારદર્શક
આ બિલમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ની ભૂમિકાને વધુ મજબૂત કરવાનો પ્રસ્તાવ છે.
જવાબદારી: SEBI બોર્ડના સભ્યોએ કોઈપણ નિર્ણય લેતી વખતે પોતાના પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ હિતોનો ખુલાસો કરવો ફરજિયાત બનશે.
પારદર્શિતા: કોઈપણ નવા નિયમો બહાર પાડતા પહેલાં વધુ પારદર્શક અને લોકોના સલાહ-સૂચન આધારિત પ્રક્રિયા અપનાવવામાં આવશે.
ઝડપી કાર્યવાહી અને નાના ગુનાઓમાંથી મુક્તિ
સમયસર નિકાલ: તપાસ અને અમલીકરણ જેવી કાર્યવાહી માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરાશે, જેથી કેસો વર્ષો સુધી લટકી ન રહે. તમામ ન્યાયિક બાબતો માટે એક જ પ્રક્રિયા અપનાવવામાં આવશે.
નાના ગુનાઓ અપરાધમુક્ત: સામાન્ય ટેકનિકલ કે પ્રક્રિયાગત ભૂલોને હવે ફોજદારી ગુનો ગણવામાં નહીં આવે. તેના બદલે નાણાકીય દંડની જોગવાઈ રહેશે. જોકે, માર્કેટ મેનિપ્યુલેશન (બજાર સાથે ચેડાં) અને તપાસમાં સહકાર ન આપવા જેવા ગંભીર ગુનાઓ માટે કડક ફોજદારી સજા યથાવત રહેશે.
રોકાણકારો માટે લોકપાલ: રોકાણકારોની ફરિયાદોના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે 'ઓમ્બુડ્સમેન' એટલે કે લોકપાલ વ્યવસ્થાની સ્થાપના કરવામાં આવશે.
નવીનતાને પ્રોત્સાહન: બિલમાં SEBIને 'રેગ્યુલેટરી સેન્ડબોક્સ' બનાવવાની સત્તા આપવામાં આવી છે. આ એક એવું નિયંત્રિત વાતાવરણ હશે જ્યાં નવી નાણાકીય પ્રોડક્ટ્સ અને સેવાઓનું પરીક્ષણ કરી શકાશે, જેથી બજારમાં નવીનતાને પ્રોત્સાહન મળે.
હવે આગળ શું થશે?
લોકસભામાં રજૂ થયા બાદ આ બિલને વધુ ચર્ચા અને સૂચનો માટે સંસદની સ્થાયી સમિતિ (Standing Committee) પાસે મોકલવામાં આવી શકે છે. ત્યાંથી મંજૂરી મળ્યા બાદ તેને લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવા માટે ફરીથી રજૂ કરવામાં આવશે.
આ બિલ ભારતીય સિક્યોરિટીઝ માર્કેટ માટે એક ઐતિહાસિક સુધારો સાબિત થઈ શકે છે. તેનો હેતુ કાયદાકીય પ્રક્રિયાને સરળ બનાવી, પારદર્શિતા વધારી અને રોકાણકારોના હિતોનું રક્ષણ કરી બજારને વધુ કાર્યક્ષમ બનાવવાનો છે.