Closing Bell: સેન્સેક્સ 894 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23850ની નીચે બંધ, IT અને મેટલ શેરો કડડભૂસ
આજના શેરબજારમાં મોટો કડાકો બોલ્યો છે. સેન્સેક્સ 894 પોઈન્ટ અને નિફ્ટી 23850 ની નીચે બંધ થયો છે. જાણો IT અને મેટલ શેરોના ઘટાડા પાછળનું કારણ અને આજના ટોપ ગેનર્સ વિશે.
આજના આ નબળા બજારમાં મેટલ શેરો સૌથી વધુ પાછળ રહ્યા હતા. આ ઉપરાંત આઈટી, PSU બેંક અને કન્ઝ્યુમર ડ્યુરેબલ શેરો પણ ભારે દબાણમાં જોવા મળ્યા.
Closing Bell: મંગળવારે ભારતીય શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. ગ્લોબલ માર્કેટમાં જોવા મળેલી ભારે વેચવાલીની સીધી અસર સ્થાનિક બજાર પર પડી, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સમાં મોટું ગાબડું પડ્યું છે. ખાસ કરીને આઈટી અને મેટલ સેક્ટરના શેરોમાં આવેલી નબળાઈએ માર્કેટનું સેન્ટિમેન્ટ બગાડ્યું હતું.
બજાર ખુલ્યું ત્યારે સવારે 9:19 વાગ્યાની આસપાસ નિફ્ટી 43.35 પોઈન્ટ (0.18%) ઘટીને 24,059.55 પર અને સેન્સેક્સ 117.76 પોઈન્ટ (0.15%) ના ઘટાડા સાથે 76,976.31 પર ટ્રેડ કરી રહ્યો હતો. શરૂઆતના સમયમાં બ્રોડર માર્કેટમાં નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ અનુક્રમે 0.15% અને 0.21% ના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, પરંતુ દિવસ પૂરો થતાં સુધીમાં સમગ્ર બજાર પર વેચવાલી હાવી થઈ ગઈ.
સેન્સેક્સ અને નિફ્ટીના ક્લોઝિંગ આંકડા
દિવસના અંતે બેન્કિંગ, IT અને મેટલ શેરોના મોટા પાયે વેચાણને કારણે માર્કેટ ભારે નુકસાન સાથે બંધ થયું. સેન્સેક્સ 893.39 પોઈન્ટ એટલે કે 1.16% તૂટીને 76,200.68 ના સ્તરે બંધ થયો હતો.જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 278.80 પોઈન્ટ એટલે કે 1.16% ના કડાકા સાથે 23,824.10 પર સમેટાઈ ગયો હતો.બજારનો એકંદર ટ્રેન્ડ સંપૂર્ણ નેગેટિવ રહ્યો, જેમાં માત્ર 1,420 શેરોમાં વધારો જોવા મળ્યો, જ્યારે 2,678 શેરો લાલ નિશાનમાં બંધ થયા અને 150 શેરોના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો.
કયા સેક્ટરમાં રહી તેજી અને કયા સેક્ટરમાં મંદી?
આજના આ નબળા બજારમાં મેટલ શેરો સૌથી વધુ પાછળ રહ્યા હતા. આ ઉપરાંત આઈટી, PSU બેંક અને કન્ઝ્યુમર ડ્યુરેબલ શેરો પણ ભારે દબાણમાં જોવા મળ્યા. જોકે, આ મોટા કડાકા વચ્ચે પણ ફાર્મા અને હેલ્થકેર શેરો શાનદાર રીતે ઉભરી આવ્યા. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 0.92% અને BSE હેલ્થકેર ઈન્ડેક્સ 0.62% ના વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા. બજારની અસ્થિરતા માપતો 'ઈન્ડિયા VIX' 8% થી વધુ ઉછળ્યો છે, જે બજારમાં વધતા ઉતાર-ચઢાવનો સ્પષ્ટ સંકેત આપે છે.
આજના ટોપ ગેનર્સ અને ટોપ લુઝર્સ
Top Gainers
નિફ્ટી પર ડો. રેડ્ડીઝ લેબ્સ, અદાણી પોર્ટ્સ, ટાટા કન્ઝ્યુમર, એપોલો હોસ્પિટલ્સ અને સિપ્લા જેવા શેરો કમાણી કરાવવામાં આગળ રહ્યા હતા.
Top Losers
બીજી તરફ ઈન્ફોસિસ, હિંડાલ્કો, એચસીએલ ટેક, ટીસીએસ અને ટેક મહિન્દ્રા જેવા દિગ્ગજ શેરોમાં રોકાણકારોને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું.