Global Share Market Crash: ભારત, અમેરિકા અને દક્ષિણ કોરિયા સહિત દુનિયાભરના શેર બજારોમાં હાહાકાર, જાણો માર્કેટ કેમ કડડભૂસ થયું?
23 જૂને ભારત, અમેરિકા અને દક્ષિણ કોરિયા સહિત વિશ્વભરના શેર બજારોમાં મોટો કડાકો જોવા મળ્યો છે. ટેક અને IT શેરોમાં ભારે વેચવાલીથી બજાર તૂટ્યું, જાણો માર્કેટ ક્રેશનું સાચું કારણ.
જાપાનનો નિક્કેઈ 225 લગભગ 3 ટકા નીચે આવી ગયો છે. આ સાથે જ હોંગકોંગનો હેંગસેંગ 1.75 ટકા, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 1.38 ટકા અને થાઈલેન્ડનો સેટ કમ્પોઝિટ 1.69 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે.
Global Share Market Crash: 23 જૂનનો દિવસ દુનિયાભરના શેર બજારના રોકાણકારો માટે ભયંકર સાબિત થયો છે. અમેરિકાથી લઈને એશિયા સુધીના તમામ મુખ્ય બજારોમાં મોટો કડાકો જોવા મળ્યો છે. ખાસ કરીને ટેકનોલોજી અને IT કંપનીઓના શેરોમાં આવેલી ભારે વેચવાલીને કારણે બજારનું સેન્ટિમેન્ટ સંપૂર્ણપણે ખરડાયું છે અને રોકાણકારોમાં ભારે ગભરાહટ ફેલાઈ છે.
અમેરિકન બજારોમાં ભારે દબાણ અને કડાકો
અમેરિકન સ્ટોક ફ્યુચર્સમાં 2 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે, જે એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે 23 જૂને અમેરિકન બજારો ખુલતાની સાથે જ મોટું દબાણ જોવા મળી શકે છે. અગાઉ 22 જૂને અમેરિકામાં ટેક શેરોમાં મોટો કડાકો બોલ્યો હતો, જેના કારણે નેસ્ડેક 1.32 ટકા ઘટીને બંધ થયો હતો. તાજેતરમાં લિસ્ટ થયેલો સ્પેસએક્સનો શેર 16 ટકાથી વધુ ક્રેશ થઈ ગયો હતો. આલ્ફાબેટ 5 ટકા તૂટ્યો, જ્યારે એમેઝોન અને માઈક્રોસોફ્ટના શેરમાં પણ 2.3 થી 4.7 ટકાનો ઘટાડો નોંધાયો હતો. હવે બજારની નજર માઈક્રોન ટેકનોલોજી પર છે, જે 24 જૂને પોતાના ત્રિમાસિક પરિણામો જાહેર કરવાની છે.
દક્ષિણ કોરિયાનું બજાર 10% ક્રેશ, ટ્રેડિંગ રોકવું પડ્યું
આ ગ્લોબલ ક્રેશની સૌથી માઠી અસર દક્ષિણ કોરિયા પર પડી છે. કોરિયાનો મુખ્ય ઈન્ડેક્સ કોસ્પી 10 ટકા જેટલો ક્રેશ થઈ ગયો છે. SK Hynix અને Samsung Electronics જેવા દિગ્ગજ શેરોમાં એટલો મોટો ઘટાડો આવ્યો કે બજારમાં થોડા સમય માટે ટ્રેડિંગ જ રોકી દેવું પડ્યું હતું. વિદેશી રોકાણકારોએ આ વર્ષે સેમિકન્ડક્ટર કંપનીઓમાં જબરદસ્ત રોકાણ કર્યું હતું, પરંતુ હવે ત્યાંથી પૈસા પાછા ખેંચાઈ રહ્યા છે.
ભારતીય બજાર અને IT શેરોનું ધોવાણ
ભારતીય બજાર પણ આ ગ્લોબલ પ્રેશરમાંથી બચી શક્યું નથી. શરૂઆતી કારોબારમાં જ મોટા સૂચકાંકો દબાણમાં જોવા મળ્યા.
સેન્સેક્સ 0.67 ટકા એટલે કે 513 પોઈન્ટ તૂટી ચૂક્યો છે.નિફ્ટી 0.71 ટકા એટલે કે 172 પોઈન્ટ નીચે કારોબાર કરી રહ્યો છે. ઘટાડા પાછળ સૌથી મોટો હાથ IT શેરોનો છે. ભારતમાં નિફ્ટી IT ઈન્ડેક્સ 2 ટકાથી વધુ ગગડ્યો છે.દિગ્ગજ કંપનીઓ જેવી કે TCS અને Infosys માં 3 ટકાથી વધુનો કડાકો જોવા મળ્યો છે.
આ ઉપરાંત Wipro (2.85%), Tech Mahindra (2.15%), LTI Mindtree (2%) અને HCL Tech (1.57%) જેવા શેરો પણ લાલ નિશાનમાં છે.
એશિયાના અન્ય બજારોની સ્થિતિ
જાપાનનો નિક્કેઈ 225 લગભગ 3 ટકા નીચે આવી ગયો છે. આ સાથે જ હોંગકોંગનો હેંગસેંગ 1.75 ટકા, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 1.38 ટકા અને થાઈલેન્ડનો સેટ કમ્પોઝિટ 1.69 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે.
શા માટે તૂટી રહ્યા છે ટેક શેરો?
માર્કેટ એક્સપર્ટ્સના મતે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના વધતા ઉપયોગ અને ક્રેઝને કારણે અમેરિકા અને કોરિયામાં સેમિકન્ડક્ટર તથા ટેક કંપનીઓના શેરોમાં અસાધારણ તેજી આવી હતી. આ શેરોનું વેલ્યુએશન અને કિંમતો આસમાને પહોંચી ગઈ હતી. હવે આ 'હાઈ વેલ્યુએશન' ને લઈને રોકાણકારોમાં ચિંતા વધી છે, જેના પરિણામે મોટા પાયે પ્રોફિટ બુકિંગ અને ભારે વેચવાલી શરૂ થઈ છે.