શુક્રવારે IT શેરોમાં જંગી વેચવાલીના કારણે સેન્સેક્સ 607 પોઈન્ટ અને નિફ્ટી 154 પોઈન્ટ તૂટ્યા હતા. જાણો 22 જૂને માર્કેટમાં કયા લેવલ પર ખરીદી કરવી અને નિષ્ણાતોની રણનીતિ શું છે.
નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.22% અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સમાં 0.42% નો ઉછાળો જોવા મળ્યો હતો.
Market Outlook : સળંગ પાંચ દિવસથી શેરબજારમાં ચાલી આવતી તેજી પર શુક્રવારે, 19 જૂનના રોજ બ્રેક વાગી ગઈ હતી. ગ્લોબલ માર્કેટના નબળા સંકેતો અને ખાસ કરીને IT શેરોમાં જોવા મળેલી ભારે વેચવાલીના કારણે ભારતીય શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. ચાલો સમજીએ કે શુક્રવારે બજારમાં શું થયું અને આવનારા સોમવારે એટલે કે 22 જૂને બજારની ચાલ કેવી રહી શકે છે.
શુક્રવારે કેમ ગગડ્યું માર્કેટ?
ગ્લોબલ આઈટી કંપની એક્સેન્ચરદ્વારા પોતાના રેવન્યુ ગ્રોથના અંદાજમાં ઘટાડો કરવામાં આવ્યો, જેની સીધી અને મોટી અસર ભારતીય IT શેરો પર પડી. આ ઉપરાંત, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ની વેચવાલી અને જિયોપોલિટિકલ ટેન્શનને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર દબાણ જોવા મળ્યું.
ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 607 પોઈન્ટ (0.78%) ના મોટા ઘટાડા સાથે 76802.90 પર અને નિફ્ટી 50 ઈન્ડેક્સ 154.90 પોઈન્ટ (0.64%) તૂટીને 24013.10 ના સ્તરે બંધ રહ્યો હતો.
સ્મોલકેપ-મિડકેપ શેરોમાં મજબૂતી અકબંધ
મોટા શેરોમાં ઘટાડો હોવા છતાં, નાના અને મધ્યમ કદના શેરોએ રોકાણકારોને નિરાશ નહોતા કર્યા. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.22% અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સમાં 0.42% નો ઉછાળો જોવા મળ્યો હતો.
સેક્ટર મુજબ જોઈએ તો સૌથી મોટો ફટકો નિફ્ટી IT ને પડ્યો, જેમાં 3.6% થી વધુનો કડાકો બોલી ગયો. ઓટો, બેન્ક અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટર પણ નુકસાનમાં રહ્યા. જ્યારે તેની સામે નિફ્ટી મીડિયા, ફાર્મા, હેલ્થકેર અને કેમિકલ્સ સેક્ટરના શેરોમાં સારી ખરીદી જોવા મળી હતી.
22 જૂન માટે માર્કેટ આઉટલુક: નિષ્ણાતોની રણનીતિ શું છે?
સોમવારે બજાર ખુલશે ત્યારે કયા લેવલ્સ મહત્વના રહેશે તેના પર માર્કેટ એક્સપર્ટ્સ નીચે મુજબની સલાહ આપી રહ્યા છે:
જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના વી.કે. વિજયકુમારના મતે,,,કાચા તેલના ભાવમાં આવેલો ઘટાડો અને મજબૂત મેક્રો-ઈકોનોમિક ડેટા બજારને સપોર્ટ કરી રહ્યા છે. ઘટાડે ખરીદી કરવાની રણનીતિ રોકાણકારો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
એક્સિસ ડાયરેક્ટના રાજેશ પાલવિયાના જણાવ્યા મુજબ,,, જ્યાં સુધી નિફ્ટી 24000 ની સપાટીની ઉપર છે, ત્યાં સુધી ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ રહેશે. 24000 નું લેવલ હાલમાં મજબૂત સપોર્ટ છે. ઉપરની તરફ 24250 થી 24400 નો ઝોન રેઝિસ્ટન્સનું કામ કરશે. જો 24400 ની સપાટી પાર થશે તો નવી તેજી જોવા મળશે. પરંતુ જો 24050 ની નીચે જશે, તો 23950 અને ત્યારબાદ 23850 સુધી પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. મીડિયમ-ટર્મ ટ્રેન્ડ પોઝિટિવ હોવાથી ઘટાડે ખરીદીની સલાહ છે.
બજાજ બ્રોકિંગના પવિત્રો મુખર્જી કહે છે કે,,, બજારમાં ફરી બુલિશ ટ્રેન્ડ લાવવા માટે નિફ્ટીનું 23900 ના લેવલ પર ટકી રહેવું ખૂબ જ જરૂરી છે. નિફ્ટી માટે 23900 થી 23800 નું લેવલ તાત્કાલિક સપોર્ટનું કામ કરશે કારણ કે અહીં 50-દિવસની EMA જોવા મળે છે.
કોટક સિક્યોરિટીઝના શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું કે, ટ્રેડર્સ માટે સલાહ છે કે જો નિફ્ટીમાં 24100 અને 24000 ની વચ્ચે ઘટાડો આવે તો ખરીદીની તક શોધવી અને 23900 નો કડક સ્ટોપ લોસ રાખવો.
શુક્રવારનો ઘટાડો મુખ્યત્વે IT સેક્ટર અને ગ્લોબલ કારણો પૂરતો સીમિત હતો. બજારના ફંડામેન્ટલ્સ હજુ પણ મજબૂત છે. તેથી ગભરાઈને વેચવાલી કરવા કરતા, મજબૂત સપોર્ટ લેવલ પર સારા શેરોમાં ઘટાડે ખરીદી કરવી એ એક ડહાપણભર્યો નિર્ણય સાબિત થઈ શકે છે.