Market outlook : ભારે ઉથલ-પાથલ બાદ સામાન્ય તેજી સાથે બંધ થયા સેન્સેક્સ-નિફ્ટી, જાણો કાલે કેવી રહેશે બજારની ચાલ
શેરબજારમાં ભારે ઉથલપાથલ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી સામાન્ય વધારા સાથે ગ્રીન ઝોનમાં બંધ થયા. IT શેરોનો મોટો સપોર્ટ મળ્યો. જાણો નિષ્ણાતો મુજબ હવે બજારની ચાલ કેવી રહેશે.
ઓટો, PSU બેન્ક, મીડિયા અને મેટલ શેરો પર ભારે દબાણ જોવા મળ્યું હતું. માર્કેટની વોલેટિલિટી દર્શાવતો India VIX ઈન્ડેક્સ પણ લગભગ 4.5 ટકા ઉછળ્યો છે, જે બજારમાં વધતા જોખમનો સંકેત આપે છે.
Market outlook : ભારતીય શેરબજારમાં અઠવાડિયાના પહેલા જ દિવસે ભારે ઉથલપાથલ જોવા મળી હતી. શરૂઆતી સત્રમાં બજારમાં મોટો ઘટાડો નોંધાયો હતો, પરંતુ ત્યારબાદ IT શેરોમાં આવેલી શાનદાર તેજીએ બજારને મોટો ટેકો આપ્યો હતો. નબળા વૈશ્વિક સંકેતો, ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને જિયો-પોલિટિકલ ટેન્શન વચ્ચે પણ બેન્ચમાર્ક ઈન્ડેક્સ સામાન્ય વધારા સાથે ગ્રીન ઝોનમાં બંધ થવામાં સફળ રહ્યા હતા.
સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ
કારોબારી સત્રના અંતે સેન્સેક્સ 77.05 પોઈન્ટ (0.10 ટકા) વધીને 75,315.04 ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 6.45 પોઈન્ટ (0.03 ટકા) ના મામૂલી વધારા સાથે 23,649.95 ના સ્તર પર સેટલ થયો હતો. બ્રોડર માર્કેટનું વલણ નબળું રહ્યું હતું. બજારમાં માત્ર 1,216 શેરોમાં જ વધારો જોવા મળ્યો હતો, જ્યારે તેની સામે 2,891 શેરોમાં ઘટાડો નોંધાયો હતો.
રોકાણકારોને 3 લાખ કરોડનું નુકસાન
શેરબજારમાં IT શેરો સૌથી મોટો સહારો બન્યા હતા. બીજી તરફ ઓટો, PSU બેન્ક, મીડિયા અને મેટલ શેરો પર ભારે દબાણ જોવા મળ્યું હતું. માર્કેટની વોલેટિલિટી દર્શાવતો India VIX ઈન્ડેક્સ પણ લગભગ 4.5 ટકા ઉછળ્યો છે, જે બજારમાં વધતા જોખમનો સંકેત આપે છે.
બ્રોડર ઈન્ડેક્સમાં આવેલા ઘટાડાને કારણે BSE માં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન 461 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 458 લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું. એટલે કે માત્ર એક જ સેશનમાં રોકાણકારોના 3 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા હતા.
બજાર પર દબાણના મુખ્ય કારણો
ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો, રૂપિયાની નબળાઈ અને મિડલ-ઈસ્ટના તણાવે રોકાણકારોને સતર્ક કરી દીધા છે. બ્રેન્ટ ક્રૂડ 110 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયું છે. જ્યારે ભારતીય રૂપિયો અમેરિકી ડોલર સામે 96.33 ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો હતો.
આજના કારોબારમાં સેન્સેક્સમાં Tech Mahindra, Infosys અને Bharti Airtel સૌથી વધુ નફો કમાવનારા શેરોમાં સામેલ રહ્યા હતા. જ્યારે Tata Steel, Power Grid અને NTPC ના શેરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો.
આગળ કેવી રહેશે બજારની ચાલ? નિષ્ણાતોનો મત
ચોઈસ બ્રોકિંગના હિરેશ ટેલરના મતે, નિફ્ટી માટે 23,400 થી 23,500 ની રેન્જ મજબૂત સપોર્ટ છે. જ્યારે 23,900 થી 24,000 ના લેવલ પર મોટું રેઝિસ્ટન્સ જોવા મળી શકે છે.
કોટક સિક્યોરિટીઝના શ્રીકાંત ચૌહાણે જણાવ્યું કે, શોર્ટ-ટર્મ માટે બજારનું આઉટલુક નબળું છે. જો નિફ્ટી 23,600 અને સેન્સેક્સ 75,300 ની ઉપર ટકશે તો જ માર્કેટમાં પુલબેક જોવા મળશે. જો બજાર ઊંચે જાય છે તો નિફ્ટી 24,100 અને સેન્સેક્સ 77,300 સુધી જઈ શકે છે. પરંતુ જો નિફ્ટી 23,600 ની નીચે સરકશે તો મોટો ઘટાડો આવી શકે છે.
SBI સિક્યોરિટીઝના સુદીપ શાહના મતે, નિફ્ટી માટે 23,500 થી 23,450 નો ઝોન તાત્કાલિક સપોર્ટ છે. જો આ લેવલ તૂટશે તો નિફ્ટીમાં 23,300 અને ત્યારબાદ 23,150 સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. ઉપરની તરફ 23,850 થી 23,900 નો ઝોન મોટો અવરોધ છે.
LKP સિક્યોરિટીઝ રૂપક ડેના જણાવ્યા મુજબ, નિફ્ટી 61.8% ફિબોનાચી રિટ્રેસમેન્ટ લેવલ 23,650 પાસે રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો છે. આ લેવલ પાર કરતાની સાથે જ 24,000 નો આંકડો દેખાઈ શકે છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.