બ્રોડર માર્કેટમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ રોકાણકારોએ માલ વેચ્યો છે. નિફ્ટી મિડકેપ 100 અડધો ટકો ઘટી ગયો છે, જ્યારે સ્મોલકેપ 100 માં પણ નરમાશ છે.
Share Market Crash: આજના ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં મોટો ભૂકંપ જોવા મળ્યો છે. નિફ્ટીની વીકલી એક્સપાયરીના દિવસે સેન્સેક્સ અને નિફ્ટી 50 બંને પત્તાના મહેલની જેમ ધરાશાયી થયા છે. શરૂઆતી તેજી બાદ ઇન્ટ્રા-ડે હાઈથી સેન્સેક્સ 700 થી વધુ પોઈન્ટ્સ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી પણ સરકીને 24500 ની સપાટી તોડી નીચે આવી ગયો છે. બ્રોડર માર્કેટમાં પણ વેચવાલીનું ભારે દબાણ જોવા મળી રહ્યું છે.
આજના અને અગાઉના ટ્રેડિંગ સેશનના આંકડા
અગાઉના ટ્રેડિંગ દિવસે 03 ઓગસ્ટના રોજ સેન્સેક્સ 544.39 પોઈન્ટ 0.70%ના ઉછાળા સાથે 78,639.03 પર અને નિફ્ટી 390.70 પોઈન્ટ1.60%ના વધારા સાથે 24,774.30 પર બંધ થયા હતા. પરંતુ આજે બજારનો મિજાજ સાવ બદલાયેલો જોવા મળ્યો.
આજે બપોરે 01:07 વાગ્યાના ડેટા મુજબ, સેન્સેક્સ 249.56 પોઈન્ટ 0.32%ના ઘટાડા સાથે 78,389.47 પર અને નિફ્ટી 283.30 પોઈન્ટ 1.14%ના મોટા ઘટાડા સાથે 24,491.00 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ એક સમયે 504.12 પોઈન્ટ ઉછળીને 79,143.15 ની ટોચે પહોંચ્યો હતો, પરંતુ ત્યાંથી 781.36 પોઈન્ટ્સનો જંગી કડાકો બોલાવી 78,361.79 સુધી પટકાયો હતો. આવી જ રીતે નિફ્ટી પણ 291.10 પોઈન્ટ તૂટીને 24,483.20 સુધી નીચે આવી ગયો હતો.
બ્રોડર માર્કેટમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ રોકાણકારોએ માલ વેચ્યો છે. નિફ્ટી મિડકેપ 100 અડધો ટકો ઘટી ગયો છે, જ્યારે સ્મોલકેપ 100 માં પણ નરમાશ છે.
શેરબજારમાં આજના કડાકા પાછળના 5 મુખ્ય કારણો:
1. નવી CAS સિસ્ટમ અંગે અસમંજસ
શેરબજારમાં ક્લોઝિંગ ઓક્શન સેશન (CAS)ની નવી સિસ્ટમને લઈને રોકાણકારો અને બ્રોકર્સમાં ભારે અનિશ્ચિતતા છે. ઘણા બ્રોકરેજ હાઉસે પોતાના રિટેલ ગ્રાહકોને સલાહ આપી છે કે જ્યાં સુધી નવી સિસ્ટમ બરાબર સમજાઈ ન જાય, ત્યાં સુધી બપોરે 3:00 થી 3:05 ની વચ્ચે પોતાની તમામ પોઝિશન સ્ક્વેર ઓફ કરી દે. આના કારણે બજારમાં શેરોની લેવડ-દેવડનો સમય ઘટ્યો હોવાની લાગણી જન્મી છે, જેણે માર્કેટમાં 'બેરિશ' માહોલ ઉભો કર્યો.
2. IT અને પ્રાઇવેટ બેન્કિંગ શેર્સમાં ભારે દબાણ
આજે બજારને નીચે ખેંચવામાં આઈટી અને હેવીવેઈટ પ્રાઇવેટ બેન્કિંગ શેર્સનો મોટો ફાળો રહ્યો. આ બંનેના નિફ્ટી ઇન્ડેક્સમાં લગભગ 1.5%નો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત રિયલ્ટી સેક્ટરમાં 1.5%થી વધુ FMCGમાં 1%થી વધુ અને ઓટો તથા સરકારી બેંકોના ઇન્ડેક્સમાં અડધા ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
3. કાચા તેલના ભાવમાં ભડકો
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં અચાનક આવેલી તેજીએ ભારતીય બજાર પર દબાણ વધાર્યું છે. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક 'બ્રેન્ટ ક્રૂડ' 1%થી વધુ ઉછળીને 85 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયું છે, જેની સીધી નકારાત્મક અસર શેરબજાર પર પડી છે.
4. India VIXમાં ઉછાળો
બજારમાં રોકાણકારોનો ડર અને ગભરાહટ માપતો ઈન્ડેક્સ એટલે 'ઈન્ડિયા વિક્સ'. આજે આ ઈન્ડેક્સ 2.41% ઉછળીને 12.21 પર પહોંચી ગયો છે. ઈન્ડિયા વિક્સ વધવાનો સીધો અર્થ એ છે કે બજારમાં અસ્થિરતા અને જોખમ વધવાની આશંકા છે, જેના કારણે રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ તરફ દોટ મૂકી.
5. નિફ્ટીની વીકલી એક્સપાયરી
આજે ગુરુવારે નિફ્ટી 50 ના ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સની વીકલી એક્સપાયરીનો દિવસ છે. એક્સપાયરીના દિવસે સામાન્ય રીતે ઓપ્શન્સ અને ફ્યુચર્સના સેટલમેન્ટને કારણે બજારમાં ભારે ઉથલપાથલ થતી હોય છે, જેણે આજના કડાકાને વધુ વેગ આપ્યો.
નવી સિસ્ટમની મૂંઝવણ, ગ્લોબલ માર્કેટના સંકેતો, ક્રૂડ ઓઇલનો ભાવવધારો અને એક્સપાયરીના પ્રેશરના કારણે આજના દિવસે રોકાણકારોના પોર્ટફોલિયોમાં મોટું ધોવાણ જોવા મળ્યું છે. એક્સપર્ટ્સ હાલમાં રોકાણકારોને સાવચેતીપૂર્વક ટ્રેડ કરવાની સલાહ આપી રહ્યા છે.
ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.