Share Market: IT સેક્ટરના વળતા પાણી? નિફ્ટીમાં વેઇટેજ ઘટીને 26 વર્ષના તળિયે, રોકાણકારોમાં ફફડાટ | Moneycontrol Gujarati
Get App

Share Market: IT સેક્ટરના વળતા પાણી? નિફ્ટીમાં વેઇટેજ ઘટીને 26 વર્ષના તળિયે, રોકાણકારોમાં ફફડાટ

Nifty 50 IT Sector Weightage: નિફ્ટી 50 ઈન્ડેક્સમાં IT સેક્ટરનું પ્રભુત્વ ઘટીને 26 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચ્યું છે. TCS અને Infosys જેવા દિગ્ગજ શેરોમાં સતત વેચવાલીથી વેઇટેજ 8.8% થયું છે. જાણો શું છે આ ઘટાડાનું કારણ.

અપડેટેડ 12:18:50 PM Feb 15, 2026 પર
Story continues below Advertisement
Nifty 50 IT Sector Weightage: નિફ્ટી 50 ઈન્ડેક્સમાં IT સેક્ટરનું પ્રભુત્વ ઘટીને 26 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચ્યું છે.

Nifty 50 IT Sector Weightage: ભારતીય શેરબજારમાં જે સેક્ટર હંમેશા રોકાણકારોનું માનીતું રહ્યું છે, તેવા આઈટી (IT) સેક્ટરમાં અત્યારે ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશની દિગ્ગજ આઈટી કંપનીઓ જેવી કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), ઈન્ફોસીસ, વિપ્રો અને HCL ટેકના શેરોમાં જે રીતે વેચવાલી નીકળી છે, તેના કારણે એક મોટો રેકોર્ડ તૂટ્યો છે. નિફ્ટી 50 ઈન્ડેક્સમાં આઈટી સેક્ટરનું વજન (વેઇટેજ) ઘટીને છેક 26 વર્ષના તળિયે પહોંચી ગયું છે.

માર્ચ 1999 પછીની સૌથી નીચી સપાટી

આંકડાઓ પર નજર કરીએ તો, હાલમાં નિફ્ટી 50માં આઈટી સર્વિસીસ સેક્ટરનું કુલ વેઇટેજ ઘટીને માત્ર 8.8 ટકા રહી ગયું છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ સ્તર માર્ચ 1999 પછીનું સૌથી નીચું સ્તર છે. એ સમયે ઈન્ડેક્સમાં આઈટી સેક્ટરનું યોગદાન માત્ર 7.1 ટકા હતું.

આ ઘટાડો કેટલો મોટો છે તે સમજવા માટે આપણે થોડા પાછળ જવું પડશે. કોરોના મહામારીના સમયમાં એટલે કે માર્ચ 2021માં આ સેક્ટરનું વેઇટેજ 16.2 ટકાની ટોચ પર હતું. જ્યારે ગયા વર્ષે માર્ચના અંતમાં તે 11.7 ટકા હતું, જે હવે સીધું 8.8 ટકા પર આવી ગયું છે.

બીજા નંબરનું સ્થાન પણ ગુમાવ્યું


છેલ્લા 6 વર્ષમાં આવું પહેલીવાર બન્યું છે કે આઈટી સેક્ટર હવે બેન્ચમાર્ક ઈન્ડેક્સમાં બીજા નંબરનું સૌથી મોટું સેક્ટર નથી રહ્યું. આ સ્થાન હવે 'ઓઈલ એન્ડ ગેસ' સેક્ટરે લઈ લીધું છે. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. ઓઈલ એન્ડ ગેસ સેક્ટરનું વેઇટેજ હવે 9.2 ટકા છે.

જ્યારે પહેલા નંબર પર ‘બેન્કિંગ અને ફાઈનાન્શિયલ સર્વિસીસ' (BFSI) સેક્ટરનો દબદબો કાયમ છે, જેનું વેઇટેજ 36.5 ટકા છે. આમ, નિફ્ટીમાં હવે IT સેક્ટર ત્રીજા ક્રમે ધકેલાઈ ગયું છે.

IT શેરોમાં ઘટાડાનું કારણ શું?

હાલમાં નિફ્ટી 50માં 5 આઈટી કંપનીઓ સામેલ છે. જેમાં ઈન્ફોસીસ 3.97 ટકા અને TCS 2.27 ટકા હિસ્સો ધરાવે છે. આ સેક્ટરના અંડરપર્ફોર્મન્સ (નબળા દેખાવ) પાછળનું મુખ્ય કારણ માર્કેટમાં સતત ચાલી રહેલી વેચવાલી છે.

નિફ્ટી IT ઈન્ડેક્સની હાલત: દેશની ટોચની 10 આઈટી કંપનીઓના ઈન્ડેક્સ 'નિફ્ટી આઈટી'માં ગયા વર્ષની સરખામણીએ 11.4 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે તેની સામે નિફ્ટી 50માં 8.3 ટકાનો વધારો થયો છે.

ડિસેમ્બરથી મોટો કડાકો: ડિસેમ્બર 2024માં આઈટી ઈન્ડેક્સ તેની 43,338ની સર્વોચ્ચ સપાટી પર હતો, ત્યાંથી અત્યાર સુધીમાં તેમાં લગભગ 26 ટકાનો તોતિંગ ઘટાડો થઈ ચૂક્યો છે.

કોરોના સમયની તેજી ગાયબ

વર્ષ 2020 અને 2021માં જ્યારે દુનિયા કોરોના સામે લડી રહી હતી, ત્યારે ડિજિટાઈઝેશન અને વર્ક ફ્રોમ હોમના કારણે આઈટી કંપનીઓના નફામાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો. માર્ચ 2020 થી ડિસેમ્બર 2021 વચ્ચે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 203 ટકા વધ્યો હતો, જે નિફ્ટી 50 ના 102 ટકા વધારા કરતા બમણો હતો. જોકે, હવે સ્થિતિ બદલાઈ છે અને રોકાણકારો આ સેક્ટર પ્રત્યે સાવચેત બન્યા છે.

ટૂંકમાં કહીએ તો, જે આઈટી સેક્ટરે 1998માં ઈન્ફોસીસ સાથે નિફ્ટીમાં એન્ટ્રી કરી હતી અને વર્ષો સુધી બજારને ડ્રાઈવ કર્યું હતું, તે અત્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે.

આ પણ વાંચો- સોનું-ચાંદીના ભાવમાં મોટો કડાકો: 4 લાખવાળી ચાંદી સીધી 2.44 લાખે! સોનું પણ 37000 સસ્તું, જાણો અચાનક કેમ તૂટ્યા ભાવ?

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 15, 2026 12:18 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.