Stock Market 2025: કોણે કર્યા માલામાલ અને કોણે તોડ્યો ભરોસો? જાણો બ્લૂચિપ શેરોનું સરવૈયું
Stock Market 2025: વર્ષ 2025માં સેન્સેક્સ-નિફ્ટી ભલે 9-10% વધ્યા હોય, પણ અસલી કહાની અલગ છે. IT સેક્ટર તૂટ્યું તો ઓટો અને બેંકો ચમક્યા. જાણો કયા શેરે રોકાણકારોને માલામાલ કર્યા અને કયા મોટા શેરો ધોવાઈ ગયા.
આંકડાકીય રીતે જોઈએ તો 2025માં સેન્સેક્સે આશરે 9% અને નિફ્ટીએ 10.5%નું રિટર્ન આપ્યું છે.
Stock Market 2025: જો તમને એમ લાગતું હોય કે શેરબજાર ઉપર જાય એટલે બધા જ રોકાણકારો પૈસા કમાય, તો તમારે 2025નું માર્કેટ સરવૈયું ખાસ વાંચવું જોઈએ. વર્ષ 2025એ શેરબજારના રોકાણકારોને એક કડવો પણ જરૂરી પાઠ શીખવ્યો છે. ભલે સેન્સેક્સ અને નિફ્ટીએ આ વર્ષે 9થી 10%નું રિટર્ન આપ્યું હોય, પરંતુ માર્કેટની અંદરની તસવીર સાવ અલગ છે. કેટલાક શેરોએ રોકાણકારોની તિજોરી છલકાવી દીધી, તો કેટલાક વર્ષો જૂના ભરોસાપાત્ર શેરોએ નિરાશ કર્યા.
ચાલો વિગતે સમજીએ કે 2025માં કયા સેક્ટર 'હીરો' બન્યા અને કયા 'ઝીરો' સાબિત થયા.
સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ: દેખાય છે એવું નથી
આંકડાકીય રીતે જોઈએ તો 2025માં સેન્સેક્સે આશરે 9% અને નિફ્ટીએ 10.5%નું રિટર્ન આપ્યું છે. આ આંકડા સામાન્ય લાગી શકે છે, પરંતુ જ્યારે આપણે તેની સરખામણી એશિયન અને ગ્લોબલ માર્કેટ સાથે કરીએ છીએ, ત્યારે ભારતીય બજાર થોડું પાછળ દેખાયું છે. ખાસ વાત એ છે કે આ વર્ષે બજારમાં ઉતાર-ચઢાવ (Volatality) ખૂબ વધારે હતો.
કયા સેક્ટર તૂટ્યા અને કયા ચમક્યા?
પછડાયેલા સેક્ટર્સ: IT, રિયલ્ટી અને મીડિયા સેક્ટર માટે 2025નું વર્ષ ભારે રહ્યું. આ સેક્ટર્સના ઈન્ડેક્સમાં 12 થી લઈને 20% સુધીનું ગાબડું પડ્યું. ખાસ કરીને અમેરિકા અને યુરોપમાં મંદીના ભણકારા અને વિદેશી રોકાણકારોની વેચવાલીને કારણે IT સેક્ટર દબાણમાં રહ્યું.
કમાણી કરાવતા સેક્ટર્સ: બીજી તરફ, જેમણે PSU બેંક, મેટલ અને ઓટો સેક્ટરમાં પૈસા રોક્યા હતા, તેઓ ખુશખુશાલ થઈ ગયા. આ સેક્ટર્સે 23 થી 30% સુધીનું દમદાર રિટર્ન આપીને રોકાણકારોને માલામાલ કરી દીધા.
નિફ્ટીના ટોપ પરફોર્મર: કોણે લગાવી દોટ?
નિફ્ટીના કુલ શેરોમાંથી 31 શેરો પોઝિટિવ રહ્યા. જેમાં શ્રીરામ ફાઇનાન્સ, મારુતિ સુઝુકી, આયશર મોટર્સ (Eicher Motors), હિન્દાલ્કો, SBI લાઈફ અને બજાજ ફાઇનાન્સ સૌથી આગળ રહ્યા. 3 શેરોએ તો 50% કરતા પણ વધુ રિટર્ન આપ્યું. 8 શેરોએ 30% થી વધુનો જમ્પ લગાવ્યો. મિડકેપ અને સ્મોલકેપની વાત કરીએ તો, L&T ફાઇનાન્સ, આદિત્ય બિરલા કેપિટલ, RBL બેંક અને મુથૂટ ફાઇનાન્સ મિડકેપના ટોપ ગેનર્સ રહ્યા, જ્યારે સ્મોલકેપમાં હિન્દુસ્તાન કોપરે બાજી મારી.
બ્લૂચિપ શેરોની 'હીરો' અને 'ઝીરો' મોમેન્ટ્સ
1. આયશર મોટર્સ (Eicher Motors): વર્ષનો સુપરસ્ટાર
બુલેટ બનાવતી કંપની રોયલ એનફિલ્ડ એટલે કે આયશર મોટર્સ માટે 2025 ઐતિહાસિક રહ્યું. આ શેરે 50%થી વધુ રિટર્ન આપ્યું, જે 2014 પછીનું તેનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. સરકારે કાર અને બાઈક પર GST ઘટાડ્યો અને કંપનીની વિદેશમાં નિકાસ (Exports) 55% વધી ગઈ, જેના કારણે આ શેરમાં રોકેટ ગતિ જોવા મળી.
2. TCS: સૌથી મોટી નિરાશા
દેશની દિગ્ગજ IT કંપની TCS માટે 2025 નું વર્ષ ભૂલવા જેવું રહ્યું. 2008 ની મંદી પછી પહેલીવાર આ શેરમાં એક જ વર્ષમાં 20% જેટલો મોટો ઘટાડો જોવા મળ્યો. અમેરિકન ક્લાયન્ટ્સ દ્વારા ખર્ચમાં કાપ અને વિદેશી રોકાણકારોની વેચવાલીએ આ સ્ટોકને તોડ્યો. જોકે, IT સેક્ટરમાં માત્ર LTIMindtree અપવાદ રહ્યો જેણે પોઝિટિવ રિટર્ન આપ્યું.
3. ટાટા મોટર્સ અને ઇન્ડસઇન્ડ બેંક
ઓટો સેક્ટર તેજીમાં હતું, પણ ટાટા મોટર્સ માટે મુશ્કેલીઓ વધી હતી. કંપનીનો પેસેન્જર વ્હીકલ બિઝનેસ 18% તૂટ્યો. ખાસ કરીને તેની લક્ઝરી કાર યુનિટ JLR પર અમેરિકામાં ટેરિફ અને સાયબર એટેકની અસર જોવા મળી. બીજી તરફ, બેન્કિંગ સેક્ટરની તેજી વચ્ચે પણ ઇન્ડસઇન્ડ બેંક 10% તૂટ્યો, જેનું કારણ મેનેજમેન્ટમાં ફેરફાર અને આંતરિક ગરબડ હતું.
4. ઓઈલ કંપનીઓ અને અશોક લેલેન્ડ
કાચા તેલના ભાવમાં 15% નો ઘટાડો થતાં BPCL, HPCL અને IOC જેવી ઓઈલ કંપનીઓના માર્જિન સુધર્યા અને તેમણે 20-30% રિટર્ન આપ્યું. ઓટો સેક્ટરમાં અશોક લેલેન્ડે તો કમાલ કરી દીધી અને 63% ના જંગી ઉછાળા સાથે રોકાણકારોને રાજી કરી દીધા.
રોકાણકારો માટે શું છે બોધપાઠ?
વર્ષ 2025 ની આ હલચલ એક જ વાત શીખવે છે - "આ વર્ષ ઇન્ડેક્સનું નહીં, પણ સ્ટોક સિલેક્શનનું હતું." જેણે માત્ર સેન્સેક્સ જોઈને રોકાણ કર્યું તેમને કદાચ ઓછો ફાયદો થયો, પણ જેણે ફંડામેન્ટલ્સ જોઈને સેક્ટર અને શેર પસંદ કર્યા, તેઓ કમાણી કરી ગયા. 2026 માં પણ આ જ સ્ટ્રેટેજી કામ આવશે - ભીડની પાછળ દોડવાને બદલે સમજી-વિચારીને સારા શેરો પસંદ કરો.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે છે. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લેવી.