SEBI Report 2025: F&O ટ્રેડિંગમાં રિટેલ રોકાણકારોને 1.06 લાખ કરોડનું નુકસાન, SEBIની રિપોર્ટનો ખુલાસો | Moneycontrol Gujarati
Get App

SEBI Report 2025: F&O ટ્રેડિંગમાં રિટેલ રોકાણકારોને 1.06 લાખ કરોડનું નુકસાન, SEBIની રિપોર્ટનો ખુલાસો

સેબી: 7 જુલાઈના રોજ સેબી દ્વારા રજૂ કરાયેલો રિપોર્ટ ફ્યુચર એન્ડ ઓપ્શન્સ (F&O)ના ડેટા પર આધારિત છે. તેમાં જણાવાયું છે કે F&O રિટેલ વેપારીઓને નાણાકીય વર્ષ 25 માં રૂપિયા 1.06 લાખ કરોડનું નુકસાન થયું હતું. આ નાણાકીય વર્ષ 2024ના નુકસાન કરતા 41 ટકા વધુ છે.

અપડેટેડ 11:55:45 AM Jul 08, 2025 પર
Story continues below Advertisement
F&O ટ્રેડિંગ એ શેરબજારનું એક જટિલ અને જોખમી સેગમેન્ટ છે, જેમાં રોકાણકારો ભવિષ્યના ભાવની આગાહીના આધારે ટ્રેડિંગ કરે છે.

SEBI Report 2025 ON F&O Trading: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના તાજેતરના રિપોર્ટે શેરબજારના રોકાણકારોને ચોંકાવી દીધા છે. ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) ટ્રેડિંગમાં રિટેલ રોકાણકારોને નાણાકીય વર્ષ 2024-25 (FY25)માં 1.06 લાખ કરોડ રૂપિયાનું ભારે નુકસાન થયું છે. આ નુકસાન ગયા વર્ષે FY24માં થયેલા 74,812 કરોડના નુકસાન કરતાં 41 ટકા વધારે છે. SEBIના આ રિપોર્ટે રિટેલ ટ્રેડર્સની આર્થિક સ્થિતિ અને F&O માર્કેટના જોખમો પર ફરી એકવાર પ્રકાશ ફેંક્યો છે.

દરેક રોકાણકારને સરેરાશ 1.1 લાખનું નુકસાન

SEBIના રિપોર્ટ મુજબ FY25માં દરેક રિટેલ ટ્રેડરને સરેરાશ 1.1 લાખ રૂપિયાનું નુકસાન થયું છે, જે FY24ના 86,728 રૂપિયાની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે. આ રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે 91 ટકા રિટેલ ટ્રેડર્સને નુકસાન થયું છે, જે ગયા વર્ષના આંકડા જેવું જ છે. રિટેલ રોકાણકારો પોતાની બચતનો ઉપયોગ આ ટ્રેડિંગ માટે કરે છે, અને ઘણા તો લોન લઈને પણ રોકાણ કરે છે, જેનાથી તેમનું નાણાકીય જોખમ વધી જાય છે.

ચાર વર્ષમાં 3 લાખ કરોડનું નુકસાન

SEBIના રિપોર્ટે એક ચોંકાવનારો આંકડો રજૂ કર્યો છે કે છેલ્લા ચાર વર્ષ FY22થી FY25માં રિટેલ રોકાણકારોને ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં કુલ 2.87 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ આંકડો દર્શાવે છે કે F&O માર્કેટમાં ટ્રેડિંગ રિટેલ રોકાણકારો માટે કેટલું જોખમી બની રહ્યું છે. નિષ્ણાતો અને SEBI દ્વારા વારંવાર ચેતવણી આપવા છતાં, રિટેલ રોકાણકારોનું આકર્ષણ આ સેગમેન્ટ તરફ યથાવત છે.


SEBIના નવા નિયમોની થોડી અસર

ગયા વર્ષે SEBIએ F&O ટ્રેડિંગને નિયંત્રિત કરવા માટે ઘણા નવા નિયમો રજૂ કર્યા હતા, જેમાં લોટ સાઈઝ વધારવા અને કોન્ટ્રાક્ટ એક્સપાયરી ઘટાડવા જેવા પગલાંનો સમાવેશ થાય છે. આ નિયમોના કારણે FY25ના ચોથા ક્વાર્ટરમાં ટ્રેડર્સની સંખ્યા 61.4 લાખથી ઘટીને 42.7 લાખ થઈ ગઈ, એટલે કે 20 ટકાનો ઘટાડો થયો. જોકે, નુકસાનનું પ્રમાણ ઘટવાને બદલે વધ્યું છે, જે દર્શાવે છે કે આ નિયમોની અસર મર્યાદિત રહી છે.

શું છે F&O ટ્રેડિંગનું જોખમ?

F&O ટ્રેડિંગ એ શેરબજારનું એક જટિલ અને જોખમી સેગમેન્ટ છે, જેમાં રોકાણકારો ભવિષ્યના ભાવની આગાહીના આધારે ટ્રેડિંગ કરે છે. આ માર્કેટમાં એલ્ગોરિધમિક ટ્રેડિંગ અને મોટા ખેલાડીઓનો દબદબો છે, જેના કારણે નાના રિટેલ રોકાણકારોને નુકસાન થવાની શક્યતા વધી જાય છે. SEBIએ તાજેતરમાં અમેરિકન ટ્રેડિંગ ફર્મ જેન સ્ટ્રીટ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેના પર માર્કેટ મેનિપ્યુલેશનનો આરોપ છે. આ ફર્મે 26 મહિનામાં 36,700 કરોડ રૂપિયાનો નફો કર્યો, જેમાંથી 4,850 કરોડ ગેરકાયદેસર હોવાનું SEBIએ જણાવ્યું.

રોકાણકારો માટે શું છે સલાહ?

નિષ્ણાતોનું કહેવું છે કે F&O ટ્રેડિંગમાં પૂરતું જ્ઞાન અને રિસ્ક મેનેજમેન્ટ વિના રોકાણ ન કરવું જોઈએ. રિટેલ રોકાણકારોએ પોતાની નાણાકીય ક્ષમતા અને જોખમ સહન કરવાની શક્તિનું મૂલ્યાંકન કરીને જ ટ્રેડિંગ કરવું જોઈએ. SEBI પણ રોકાણકારોના રક્ષણ માટે સતત પગલાં લઈ રહી છે, પરંતુ રોકાણકારોની જાગૃતિ અને નાણાકીય સાક્ષરતા જ આવા નુકસાનને ઘટાડી શકે છે.

આ પણ વાંચો- Donald Trump Nobel Peace Prize: ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ, ઇઝરાયલના PM નેતન્યાહૂએ આગળ કર્યું નામ

MoneyControl News

MoneyControl News

First Published: Jul 08, 2025 11:55 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.