Stock Market Today: શેરબજારમાં દિવસના તળિયેથી 600 પોઈન્ટની શાનદાર રિકવરી, જાણો બજારમાં કડાકા અને ઉછાળાના મુખ્ય કારણો | Moneycontrol Gujarati
Get App

Stock Market Today: શેરબજારમાં દિવસના તળિયેથી 600 પોઈન્ટની શાનદાર રિકવરી, જાણો બજારમાં કડાકા અને ઉછાળાના મુખ્ય કારણો

Stock Market Today: શેરબજારમાં શુક્રવારે ભારે કડાકા બાદ સેન્સેક્સમાં 600 પોઈન્ટ અને નિફ્ટીમાં શાનદાર રિકવરી જોવા મળી. જાણો બજાર કેમ તૂટ્યું અને કયા કારણોથી પાછો ઉછાળો આવ્યો.

અપડેટેડ 02:59:42 PM Jul 24, 2026 પર
Story continues below Advertisement
આજે શરૂઆતી સત્રમાં સેન્સેક્સ તેના ગઈકાલના ક્લોઝિંગથી લગભગ 917 પોઈન્ટ તૂટીને 75474.43ના લેવલ પર પહોંચી ગયો હતો. તો બીજી તરફ નિફ્ટી પણ 263 પોઈન્ટ ગગડીને 23606.30 ના તળિયે ગયો હતો.

Stock Market Today: શેરબજારમાં શુક્રવારે એટલે કે 24 જુલાઈ આવેલા મોટા કડાકા બાદ રોકાણકારોને થોડી રાહત મળી છે. શરૂઆતના ઘટાડા પછી સેન્સેક્સ દિવસના નીચલા સ્તરેથી 600 પોઈન્ટ રિકવર થઈને 76000ના આંકડાને પાર કરી ગયો છે. આવી જ રીતે નિફ્ટીએ પણ રિકવરી બતાવી છે અને તે 23770ની પાર નીકળી ગયો છે. જોકે, આટલી રિકવરી છતાં બંને મુખ્ય ઇન્ડેક્સ હજુ પણ લાલ નિશાનમાં જ ટ્રેડ કરી રહ્યા છે.

આજે શરૂઆતી સત્રમાં સેન્સેક્સ તેના ગઈકાલના ક્લોઝિંગથી લગભગ 917 પોઈન્ટ તૂટીને 75474.43ના લેવલ પર પહોંચી ગયો હતો. તો બીજી તરફ નિફ્ટી પણ 263 પોઈન્ટ ગગડીને 23606.30 ના તળિયે ગયો હતો.

નોંધનીય છે કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને કાચા તેલના વધતા ભાવને કારણે ગુરુવારે પણ બજારમાં નિરાશા હતી. ગુરુવારે સેન્સેક્સ 363.66 પોઈન્ટ 0.47 ટકા ઘટીને 76391.39 અને નિફ્ટી 126.65 પોઈન્ટ 0.53 ટકા ઘટીને 23869.60 પર બંધ થયો હતો.

બજારમાં રિકવરી આવવા પાછળના 4 મુખ્ય કારણો

1) કાચું તેલ 100 ડોલરની નીચે આવ્યું


24 જુલાઈએ કાચા તેલના ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત ઘટીને 100 ડોલર પ્રતિ બેરલની નીચે આવી ગઈ છે, જેનાથી શેરબજારના રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો છે.

2) નીચલા સ્તરેથી ખરીદી

શુક્રવારે બજારમાં સળંગ પાંચમા સત્રમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ અઠવાડિયામાં સેન્સેક્સ અને નિફ્ટીમાં 3 ટકા સુધીનો ઘટાડો આવી ચૂક્યો છે. બજારને સસ્તું થતું જોઈને રોકાણકારોએ નીચલા સ્તરેથી ફરી શેરોની ખરીદી શરૂ કરી છે.

3) બેન્કિંગ શેરોમાં કમબેક

બેન્ક શેરોએ આજે શાનદાર રિકવરી બતાવી છે. બેન્ક નિફ્ટી શરૂઆતમાં 56023.60ના લેવલ સુધી ગગડી ગયો હતો, પણ બાદમાં સુધરીને 56772.55 પર પહોંચી ગયો. બેન્ક ઓફ બરોડાઅને AU સ્મોલ ફાઇનાન્સ બેન્કના શેરોમાં 1 થી 2 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

4) રૂપિયામાં મજબૂતી

શુક્રવારે શરૂઆતી કારોબારમાં અમેરિકી ડોલર સામે રૂપિયો 22 પૈસા મજબૂત થઈને 96.51ના સ્તર પર પહોંચ્યો. એવા અહેવાલ છે કે રૂપિયાને વધુ પડતો અટકાવવા રિઝર્વ બેન્ક દ્વારા દરમિયાનગીરી કરવામાં આવી છે. સાથે જ નબળા ડોલરનો ફાયદો પણ રૂપિયાને મળ્યો છે.

શુક્રવારના મોટા કડાકા માટે જવાબદાર પરિબળો

ક્રૂડ ઓઇલ 100 ડોલરને પાર: અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા તણાવને લીધે બ્રેન્ટ ક્રૂડ 100 ડોલરની પાર પહોંચી ગયું હતું. ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ આયાતકાર દેશ છે, તેથી મોંઘુ ક્રૂડ ભારત માટે મોટું જોખમ છે. આના કારણે ઓઇલ કંપનીઓ (BPCL, HPCL) માં 2 ટકા, પેઇન્ટ શેરોમાં 1 ટકા અને ટાયર તથા એરલાઇન્સ (SpiceJet, Indigo) શેરોમાં 3 ટકા સુધીનો કડાકો બોલી ગયો હતો.

ઇન્ફોસિસના શેરમાં ગાબડું: આઇટી સેક્ટરની દિગ્ગજ કંપની ઇન્ફોસિસના શેરમાં 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો. કંપનીએ આર્થિક અનિશ્ચિતતાઓને કારણે પોતાના રેવેન્યુ ગ્રોથના અંદાજને ઘટાડીને 1.5 ટકાથી 3 ટકાની વચ્ચે કરી દીધો છે. જોકે, એપ્રિલ-જૂન 2026 ના ક્વાર્ટરમાં કંપનીનો નફો 12.2 ટકા વધીને 7769 કરોડ રૂપિયા અને આવક 14 ટકા વધીને 48211 કરોડ રૂપિયા રહી છે.

વિદેશી રોકાણકારોની વેચવાલી: ડેટા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બજારમાંથી પૈસા ખેંચવાનું ચાલુ રાખ્યું છે. ગુરુવારે તેમણે 2999.23 કરોડ રૂપિયાના શેર વેચી માર્યા હતા.

એશિયન બજારોમાં ગભરાટ: ગ્લોબલ માર્કેટના ખરાબ સંકેતોની અસર ભારતીય બજાર પર પડી છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 5.56 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત જાપાન, ચીન અને હોંગકોંગના બજારો પણ ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા.

ઈન્ડિયા VIX માં ઉછાળો: બજારમાં ડર અને અનિશ્ચિતતા દર્શાવતો ઈન્ડેક્સ 'ઈન્ડિયા VIX' 9 ટકા ઉછળીને 14.68 પર પહોંચી ગયો હતો. આ દર્શાવે છે કે રોકાણકારોમાં ડરનો માહોલ છે.

ભૌગોલિક રાજકીય તણાવ: અમેરિકાએ ઈરાન અને હૂતી વિદ્રોહીઓને કડક સૈન્ય કાર્યવાહીની ચીમકી આપી છે. લાલ સમુદ્રમાં સાઉદી અરેબિયાના બે તેલ ટેન્કરો પર થયેલા હુમલાએ મિડલ ઈસ્ટના તણાવને વધુ ભડકાવ્યો છે, જેની સીધી અસર ગ્લોબલ માર્કેટ પર પડી રહી છે.

એકંદરે, ગ્લોબલ માર્કેટના ટેન્શન વચ્ચે ભારતીય શેરબજારે નીચલા સ્તરેથી બાઉન્સ બેક કરીને રોકાણકારોને મોટી નુકસાનીમાંથી બચાવી લીધા છે, છતાં બજારમાં હજુ સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- રામદેવ અગ્રવાલની મોટી સલાહ: શેરબજાર માટે ક્રૂડ અને રૂપિયો મોટું જોખમ, છતાં રોકાણ વધારવાનો આ જ છે સાચો સમય

ડિસ્ક્લેમર: (આ જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

MoneyControl News

MoneyControl News

First Published: Jul 24, 2026 2:59 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.