Stock Market : શેરબજારમાં ઉથલપાથલ- સેન્સેક્સ 300 અંક તૂટ્યો, રિલાયન્સ અને અદાણી ગ્રીનના પરિણામો પર રહેશે સૌની નજર
શેરબજારમાં આજે ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. સેન્સેક્સ 300 અંક નીચે સરક્યો છે તો નિફ્ટી 24100 ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. જાણો વૈશ્વિક બજાર અને ક્રૂડ ઓઈલની શું થશે અસર.
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 107 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે. હોરમુઝ જળડમરુમધ્યમાં નાકેબંધીને કારણે સપ્લાય ચેઈન પ્રભાવિત થઈ છે.
Stock Market : ભારતીય શેરબજાર માટે સપ્તાહનો અંતિમ દિવસ એટલે કે શુક્રવાર, 24 April ભારે ઉતાર-ચઢાવ વાળો સાબિત થઈ રહ્યો છે. શરૂઆતી સંકેતો પોઝિટિવ હોવા છતાં બજાર ખુલતાની સાથે જ દબાણ જોવા મળ્યું હતું. સેન્સેક્સમાં 300 અંકોનો ઘટાડો નોંધાયો છે, જ્યારે નિફ્ટી 24100 ની મહત્વની સપાટી તોડીને નીચે સરકી ગયો છે.
ગિફ્ટ નિફ્ટીના પોઝિટિવ સંકેતો છતાં બજાર નરમ
સવારે ગિફ્ટ નિફ્ટી ફ્યુચર્સમાં 92 અંકનો ઉછાળો જોવા મળ્યો હતો અને તે 24250 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સંકેતો જોતા અપેક્ષા હતી કે બજાર મજબૂતી સાથે ખુલશે, પરંતુ પ્રોફિટ બુકિંગ અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે બજારે શરૂઆતી તેજી ગુમાવી દીધી હતી.
યુદ્ધવિરામ અને વૈશ્વિક સ્થિતિની અસર
વૈશ્વિક મોરચે એક રાહતના સમાચાર એ છે કે ઈઝરાયેલ અને લેબનાન વચ્ચેના યુદ્ધવિરામને વધુ 3 સપ્તાહ માટે લંબાવવામાં આવ્યો છે. વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે. જોકે, બીજી તરફ અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીતમાં અવરોધ આવતા હોરમુઝની ખાડીમાંથી થતી એનર્જી સપ્લાય ખોરવાવાની ભીતિ સેવાઈ રહી છે, જેની અસર એશિયન માર્કેટ પર જોવા મળી છે.
ક્રૂડ ઓઈલ $107 ને પાર
મોંઘવારીના મોરચે ભારતીય અર્થતંત્ર માટે ચિંતાજનક સમાચાર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 107 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે. હોરમુઝ જળડમરુમધ્યમાં નાકેબંધીને કારણે સપ્લાય ચેઈન પ્રભાવિત થઈ છે, જેની સીધી અસર તેલના ભાવ પર પડી રહી છે.
આજે આ દિગ્ગજ કંપનીઓના પરિણામો પર રહેશે નજર
આજના ટ્રેડિંગ સેશનમાં કોર્પોરેટ જગતની ઘણી મોટી કંપનીઓ પોતાના ચોથા ક્વાર્ટરના (Q4) પરિણામો જાહેર કરવાની છે. જેમાં,
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)
અદાણી ગ્રીન એનર્જી
હિન્દુસ્તાન ઝિંક અને ઇન્ડસઇન્ડ બેંક
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસીસ
એલએન્ડટી ફાઇનાન્સ અને લોઢા ડેવલપર્સ
IPO માર્કેટમાં હલચલ
પ્રાથમિક બજાર એટલે કે IPO માર્કેટમાં પણ એક્શન જોવા મળી રહ્યું છે. એડિસોફ્ટ ટેક્નોલોજીસનો IPO સબસ્ક્રિપ્શનના બીજા દિવસે પ્રવેશ્યો છે. પહેલા દિવસે તેને સારો પ્રતિસાદ મળ્યો હતો અને તે 2.03 ગણો ભરાયો હતો. રોકાણકારો પાસે આ IPO માં 27 April સુધી અરજી કરવાની તક છે.