Stock Market Crash: શેરબજારમાં આજે મોટો કડાકો જોવા મળ્યો છે.
Stock Market Crash: આજે ભારતીય શેરબજારમાં એવો ભૂકંપ આવ્યો કે રોકાણકારોના શ્વાસ અધ્ધર થઈ ગયા. માર્કેટ ખૂલતાની સાથે જ માત્ર 5 સેકન્ડમાં આશરે 5 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે. બજારમાં ચારેબાજુ વેચવાલીનું ભારે દબાણ જોવા મળી રહ્યું છે, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ લાલ નિશાનમાં ગરકાવ થઈ ગયા છે.
બજાર કેમ તૂટ્યું? જાણો મુખ્ય કારણ
આ ભયંકર કડાકા પાછળનું સૌથી મોટું કારણ અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા આ તણાવે આખી દુનિયાના શેરબજારોને હચમચાવી દીધા છે. આ યુદ્ધને કારણે દુનિયાભરમાં ગેસ (LPG) ની ભારે અછત ઊભી થઈ છે. આ હાહાકારની અસર ભારતીય શેરબજાર પર પણ પડી છે અને બજાર ખુલતા જ રોકાણકારોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
સેન્સેક્સ અને નિફ્ટીની હાલની સ્થિતિ
ગઈકાલે એટલે કે બુધવારે 11 માર્ચ 2026 ના રોજ સેન્સેક્સ 1342.27 પોઈન્ટ (1.72%) તૂટીને 76,863.71 પર અને નિફ્ટી 394.75 પોઈન્ટ (1.63%) ના ઘટાડા સાથે 23,866.85 પર બંધ થયો હતો. જ્યારે આજે કારોબાર શરૂ થતા જ બજારમાં વધુ પડતી જોવા મળી. હાલમાં BSE સેન્સેક્સ 962.54 પોઈન્ટ (1.25%) ગગડીને 75,901.17 પર આવી ગયો છે. તો બીજી તરફ નિફ્ટી 50 પણ 294.35 પોઈન્ટ (1.23%) તૂટીને 23,572.50 પર ટ્રેડ કરી રહ્યો છે. શરૂઆતી કારોબારમાં તો સ્થિતિ એટલી ખરાબ હતી કે સેન્સેક્સ 75,871.18 અને નિફ્ટી 23,556.30 ના નીચલા સ્તરે પહોંચી ગયો હતો.
રોકાણકારોના 4.91 લાખ કરોડ ડૂબ્યા
આ કડાકામાં રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. એક દિવસ પહેલા એટલે કે 11 માર્ચ 2026 ના રોજ BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 4,41,90,196.39 કરોડ હતું. આજે 12 માર્ચે બજાર ખુલતાની સાથે જ તે ઘટીને 4,36,98,337.97 કરોડ થઈ ગયું. આનો સીધો અર્થ એ છે કે ગણતરીની સેકન્ડોમાં રોકાણકારોની મૂડીમાં 4,91,858.42 કરોડનો મોટો ઘટાડો નોંધાયો છે.
બજારના અન્ય મહત્વના આંકડાઓ પર એક નજર:
ચારેબાજુ વેચવાલી: માત્ર લાર્જ કેપ જ નહીં, પરંતુ સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ ભારે વેચવાલી જોવા મળી રહી છે. નિફ્ટીના તમામ સેક્ટર લાલ નિશાનમાં છે.
ભયનો માહોલ: માર્કેટમાં ગભરાટ દર્શાવતો ઇન્ડેક્સ ‘ઈન્ડિયા VIX' 5%થી વધુ ઉછળીને 22ની પાર પહોંચી ગયો છે.
સેન્સેક્સના માત્ર 3 શેર લીલા નિશાનમાં: સેન્સેક્સમાં લિસ્ટેડ 30 કંપનીઓમાંથી માત્ર 3 શેરો જ ગ્રીન ઝોનમાં છે. જેમાં ટેક મહિન્દ્રા (Tech Mahindra) માં સૌથી વધુ તેજી છે. જ્યારે એરટેલ, ઈન્ડિગો અને M&Mમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે.
BSE પર શેરોની સ્થિતિ: આજે BSE પર કુલ 3046 શેરોનું ટ્રેડિંગ થઈ રહ્યું છે. જેમાંથી 2180 શેરોમાં ઘટાડો છે, 707 શેરોમાં સામાન્ય તેજી છે અને 159 શેરોમાં કોઈ ફેરફાર નથી.
હાઈ અને લો: આજના ખરાબ માહોલમાં પણ 24 શેર પોતાના એક વર્ષના હાઈ પર પહોંચ્યા છે, જ્યારે 179 શેર એક વર્ષના તળિયે (Low) આવી ગયા છે. આ ઉપરાંત 55 શેરોમાં અપર સર્કિટ અને 64 શેરોમાં લોઅર સર્કિટ લાગી છે.
ગ્લોબલ માર્કેટના ખરાબ સંકેતો અને યુદ્ધના માહોલને જોતા હાલ પૂરતું શેરબજારમાં અસ્થિરતા રહેવાની પૂરેપૂરી શક્યતા છે. રોકાણકારોએ આ સમયે કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે.
ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે. શેરબજારમાં રોકાણ કરવું બજારના જોખમોને આધીન છે. એક રોકાણકાર તરીકે કોઈપણ શેરમાં પૈસા લગાવતા પહેલા હંમેશા તમારા સર્ટિફાઈડ ફાઇનાન્સિયલ એક્સપર્ટની સલાહ ચોક્કસ લો. અહીંયા કોઈપણ પ્રકારના રોકાણની સીધી સલાહ આપવામાં આવતી નથી.