Urban Company Share Price: UBSની 'બાય' રેટિંગ મળતા જ શેરમાં ભડકો, નવો ટાર્ગેટ પ્રાઇસ જાણીને તમે પણ રોકાણ કરશો
ફોરેન બ્રોકરેજ ફર્મ UBS દ્વારા Urban Company ના શેર ખરીદવાની સલાહ મળતા શેરમાં 6 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. જાણો કંપનીનો નવો ટાર્ગેટ પ્રાઇસ, નાણાકીય સ્થિતિ અને ભવિષ્યના બિઝનેસ પ્લાન.
યુબીએસના રિપોર્ટ અનુસાર કંપનીના ગ્રોથ પાછળ કેટલાક મજબૂત કારણો છે, જેના પર રોકાણકારોએ ધ્યાન આપવું જોઈએ,,કંપનીની નેટ ટ્રાન્ઝેક્શન વેલ્યુ 32 ટકાના શાનદાર CAGR સાથે FY26 સુધીમાં 4300 કરોડ રૂપિયા પર પહોંચી જશે.
Urban Company Share Price: ઓનલાઈન હોમ સર્વિસ સેક્ટરની દિગ્ગજ કંપની અર્બન કંપનીના શેરમાં અચાનક મોટી તેજી જોવા મળી છે. વિદેશી બ્રોકરેજ ફર્મ UBS દ્વારા એક પોઝિટિવ રિપોર્ટ જાહેર થયા બાદ કંપનીના શેરોએ જાણે ઉડાન ભરી છે. 21 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ આ શેર 6.86 ટકા ઉછળીને 155.41 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.
UBS એ આપી શેર ખરીદવાની સલાહ
બ્રોકરેજ ફર્મ UBS એ અર્બન કંપનીના શેર પર પોતાનું કવરેજ શરૂ કર્યું છે અને રોકાણકારોને આ શેર ખરીદવાની સલાહ આપી છે. તેમણે આ શેર માટે 180 રૂપિયાનો નવો ટાર્ગેટ પ્રાઇસ નક્કી કર્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતનું ઓનલાઈન હોમ સર્વિસ માર્કેટ અત્યારે તેના બ્લિંકિટ મોમેન્ટમાં પ્રવેશી રહ્યું છે, જે દર્શાવે છે કે આ સેક્ટરમાં વિકાસની અપાર તકો રહેલી છે. અર્બન કંપની હાલમાં દેશનું સૌથી મોટું ઓનલાઈન હોમ સર્વિસ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ પર 84 લાખ જેટલા સક્રિય યુઝર્સ અને 59000 થી વધુ સર્વિસ પ્રોવાઈડર્સ જોડાયેલા છે.
કંપનીનો ગ્રોથ કેમ વધશે?
યુબીએસના રિપોર્ટ અનુસાર કંપનીના ગ્રોથ પાછળ કેટલાક મજબૂત કારણો છે, જેના પર રોકાણકારોએ ધ્યાન આપવું જોઈએ,,કંપનીની નેટ ટ્રાન્ઝેક્શન વેલ્યુ 32 ટકાના શાનદાર CAGR સાથે FY26 સુધીમાં 4300 કરોડ રૂપિયા પર પહોંચી જશે. આ ઉપરાંત, ગ્રોથની આ જ ઝડપ જળવાઈ રહેશે તો FY29 સુધીમાં આ આંકડો 10000 કરોડ રૂપિયા સુધી પહોંચવાની પૂરી સંભાવના છે. કંપનીની મજબૂત બેલેન્સશીટ, ગ્રાહકોની જરૂરિયાત મુજબનું પ્રોડક્ટ અને મેનેજમેન્ટનો શાનદાર એક્ઝિક્યુશન ટ્રેક રેકોર્ડ તેને માર્કેટમાં ટકાવી રાખશે. રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે કંપનીની 'InstaHelp' સર્વિસ તેના નક્કી કરેલા સમય કરતા વહેલા જ નુકસાનમાંથી બહાર આવીને નફાકારક બની જશે.
એક્સપર્ટ્સનો અભિપ્રાય અને IPOની સફર
આ શેર પર નજર રાખનારા 8 માર્કેટ એનાલિસ્ટ્સમાંથી 3 એનાલિસ્ટ્સે આ શેર ખરીદવાની સલાહ આપી છે. જ્યારે 3 નિષ્ણાતોએ શેરને પોતાના પોર્ટફોલિયોમાં જાળવી રાખવાની એટલે કે હોલ્ડ કરવાની સલાહ આપી છે, અને માત્ર 2 એનાલિસ્ટ્સે વેચવાની સલાહ આપી છે.
ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં અર્બન કંપનીનો IPO આવ્યો હતો, જેમાં રોકાણકારોને 103 રૂપિયાના ભાવે શેર ફાળવવામાં આવ્યા હતા. શેરબજારમાં આ શેરનું શાનદાર લિસ્ટિંગ 162 રૂપિયા પર થયું હતું. લિસ્ટિંગ બાદ શેરે 201 રૂપિયાની લાઈફટાઈમ હાઈ સપાટી બનાવી હતી, જોકે ત્યારબાદ બજારના દબાણને કારણે તે ઘટીને 106 રૂપિયા સુધી નીચે પણ આવી ગયો હતો. સારી વાત એ છે કે શેરમાં ફરી શાનદાર રિકવરી જોવા મળી છે અને આ વર્ષે તેમાં 18 ટકાથી વધુનો સુધારો નોંધાયો છે.
મિડલ ઈસ્ટમાં વ્યાપાર વધારવાની મોટી તૈયારી
અર્બન કંપની હવે માત્ર ભારત પૂરતી સીમિત ન રહેતા વિદેશમાં પણ પોતાનો બિઝનેસ ફેલાવી રહી છે. એક સત્તાવાર રેગ્યુલેટરી ફાઈલિંગ મુજબ, કંપનીની મિડલ ઈસ્ટ બ્રાન્ચે પોતાની ઈ-કોમર્સ અને સર્વિસ કામગીરીને યુએઈ અને સાઉદી અરેબિયામાં વિસ્તારવા માટે યુનિકોમર્સ ઈસોલ્યુશન્સસાથે એક મોટી ભાગીદારી કરી છે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી બ્રોકરેજ ફર્મના રિપોર્ટ પર આધારિત છે. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન હોય છે. કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા, કૃપા કરીને સર્ટિફાઇડ નિષ્ણાત અથવા તમારા નાણાકીય સલાહકારની મદદ લો. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.