વિપુલ ઓર્ગેનિક્સે ગુજરાતના સાયખામાં નવો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કર્યો, જાણો કંપનીના ગ્રોથ અને ભવિષ્યના મોટા પ્લાન વિશે
સ્પેશિયાલિટી કેમિકલ કંપની વિપુલ ઓર્ગેનિક્સે ગુજરાતના સાયખામાં નવા મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કર્યું છે. કંપની મહારાષ્ટ્રનો પ્લાન્ટ પણ અહીં શિફ્ટ કરી રહી છે. જાણો સંપૂર્ણ વિગતો.
આ નવા પ્લાન્ટની શરૂઆત સાથે જ કંપની પોતાના મહારાષ્ટ્રના તારાપુર ખાતે આવેલા પિગમેન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટને ગુજરાતના સાયખા ખાતે સંપૂર્ણપણે શિફ્ટ કરી રહી છે.
Vipul Organics Limited: સ્પેશિયાલિટી કેમિકલ્સ ક્ષેત્રની જાણીતી કંપની વિપુલ ઓર્ગેનિક્સ લિમિટેડે ગુજરાતના સાયખામાં પોતાના નવા ગ્રીનફિલ્ડ ફેસિલિટીમાં કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કરી દીધું છે. કંપનીએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અને મુહૂર્ત કરીને આ નવા જંગી પ્લાન્ટની સત્તાવાર શરૂઆત કરી છે.
મહારાષ્ટ્રનો પ્લાન્ટ ગુજરાતમાં શિફ્ટ થશે
આ નવા પ્લાન્ટની શરૂઆત સાથે જ કંપની પોતાના મહારાષ્ટ્રના તારાપુર ખાતે આવેલા પિગમેન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટને ગુજરાતના સાયખા ખાતે સંપૂર્ણપણે શિફ્ટ કરી રહી છે. કંપનીના વહીવટ અને ઓપરેશનને એક જ જગ્યાએથી વધુ મજબૂત અને ઝડપી બનાવવા માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
સાયખા પ્લાન્ટની મુખ્ય ખાસિયતો અને ઉત્પાદન ક્ષમતા
આ નવો પ્લાન્ટ વાર્ષિક 3600 મેટ્રિક ટન પિગમેન્ટ ઉત્પાદન કરવાની વિશાળ ક્ષમતા ધરાવે છે. જોકે, શરૂઆતના પ્રથમ તબક્કામાં અહીં 1800 MT પિગમેન્ટનું ઉત્પાદન કરવામાં આવશે અને માર્કેટની માંગ મુજબ તેને વધારવામાં આવશે.
આ પ્લાન્ટ GIDC (ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ) દ્વારા ફાળવવામાં આવેલા 24,633.11 ચોરસ મીટરના વિશાળ ઔદ્યોગિક પ્લોટ પર બનાવવામાં આવ્યો છે. આ વિસ્તાર ગુજરાતના પ્રતિષ્ઠિત પેટ્રોલિયમ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનની અંદર આવેલો છે. આ પ્લાન્ટ દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર પર આવેલો છે અને ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર તથા દહેજ પોર્ટ (બંદર) ની એકદમ નજીક છે. બંદરની નજીક હોવાથી કંપનીને લોજિસ્ટિક્સમાં મોટો ફાયદો થશે અને દેશ-વિદેશમાં માલ પહોંચાડવો એકદમ સરળ બની જશે.
માત્ર પિગમેન્ટ જ નહીં, અન્ય પ્રોડક્ટ્સ પણ બનશે
આ સાયખા પ્લાન્ટ માત્ર પિગમેન્ટ પાવડર માટે જ નથી. અહીં કંપનીના અન્ય યુનિટ 'AdiMem Technologies' નું પણ સંચાલન થશે. આ યુનિટ રિવર્સ ઓસ્મોસિસ અને અલ્ટ્રાફિલ્ટરેશન મેમ્બ્રેનનું ઉત્પાદન કરે છે. જેનું કોમર્શિયલ વેચાણ આ વર્ષની શરૂઆતમાં જ શાનદાર રીતે શરૂ થઈ ચૂક્યું છે.
કંપનીના મેનેજિંગ ડિરેક્ટરનું શું કહેવું છે?
વિપુલ ઓર્ગેનિક્સના મેનેજિંગ ડિરેક્ટર વિપુલ પી. શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, "સાયખામાં ઉત્પાદન શરૂ થવું એ કંપનીના ગ્રોથ માટે એક ઐતિહાસિક ક્ષણ છે. આ પ્લાન્ટ દ્વારા પિગમેન્ટ, મેમ્બ્રેન અને સોલ્વેન્ટ ડાઈઝનું કામકાજ હવે એક જ છત નીચે આવી ગયું છે. બંદર નજીક હોવાથી ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપી શકાશે. અમને પૂરો વિશ્વાસ છે કે નાણાકીય વર્ષ 2025-26 માં અમે જે ગ્રોથ નોંધાવ્યો છે, તે આ નવા પ્લાન્ટના સપોર્ટથી નાણાકીય વર્ષ 2026-27 માં વધુ મજબૂત બનશે."
કંપનીનું વૈશ્વિક નેટવર્ક અને નાણાકીય સ્થિતિ
કંપની સતત પોતાનો બિઝનેસ વધારી રહી છે. હાલમાં જ કંપનીએ યુરોપમાં પોતાના પિગમેન્ટના વેચાણ માટે Omya Group સાથે મોટી ડિસ્ટ્રિબ્યુશન ડીલ કરી છે. વિપુલ ઓર્ગેનિક્સ આજે 45 થી વધુ દેશોમાં પોતાનો સક્સેસફુલ બિઝનેસ ધરાવે છે. નાણાકીય વર્ષ 2025-26 માં કંપનીની આવક175.40 કરોડ રૂપિયા નોંધાઈ હતી.