સોલાર પીવી મોડ્યુલ બનાવતી કંપની Waaree Energies ના Q1 પરિણામો બાદ શેરમાં 6% નો કડાકો જોવા મળ્યો છે. માર્જિન ઘટતા રોકાણકારો ચિંતિત છે. જાણો બ્રોકરેજ ફર્મનો નવો ટાર્ગેટ પ્રાઈસ.
શેરમાં આવેલા આ કડાકા પાછળનું મુખ્ય કારણ કંપનીના તાજેતરમાં જાહેર થયેલા એપ્રિલ-જૂન 2026 ક્વાર્ટરના (Q1) પરિણામો છે. પરિણામોમાં આવક ભલે વધી હોય, પરંતુ માર્જિન ઘટતા રોકાણકારોમાં નિરાશા જોવા મળી છે.
Waaree Energies Share Price: શેરબજારમાં 30 જુલાઈના રોજ ટ્રેડિંગની શરૂઆત થતાની સાથે જ દેશની દિગ્ગજ સોલાર પીવી મોડ્યુલ બનાવતી કંપની વારી એનર્જીસના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. શરૂઆતી કારોબારમાં જ શેર 6% જેટલો તૂટી ગયો હતો અને BSE પર તે ગગડીને 2563 રૂપિયાના નીચલા સ્તરે પહોંચી ગયો હતો.
શેરમાં આવેલા આ કડાકા પાછળનું મુખ્ય કારણ કંપનીના તાજેતરમાં જાહેર થયેલા એપ્રિલ-જૂન 2026 ક્વાર્ટરના પરિણામો છે. પરિણામોમાં આવક ભલે વધી હોય, પરંતુ માર્જિન ઘટતા રોકાણકારોમાં નિરાશા જોવા મળી છે.
આવક વધી, પણ માર્જિન ઘટતા લાગ્યો ઝટકો
કંપનીએ માર્કેટ બંધ થયા પછી પોતાના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા હતા. ચાલો જોઈએ આંકડા શું કહે છે,, વાર્ષિક ધોરણે કંપનીની કુલ આવકમાં 79.2% નો મોટો ઉછાળો નોંધાયો છે અને તે 7,932 કરોડ રૂપિયા રહી છે. mકંપનીનો ઓપરેટિંગ નફો (EBITDA) 1,440 કરોડ રૂપિયા રહ્યો છે. જૂન 2025 ક્વાર્ટરની સરખામણીમાં તેમાં 44% નો વધારો થયો છે. આંકડાઓમાં સૌથી વધુ ચિંતાજનક બાબત EBITDA માર્જિન છે. જૂન 2025 ક્વાર્ટરમાં માર્જિન 22.5% હતું, જે આ વખતે 4% થી વધુ ઘટીને સીધું 18.2% પર આવી ગયું છે. માર્જિન પરના આ દબાણના કારણે જ શેરમાં વેચવાલી આવી છે.
મજબૂત ઓર્ડર બુક અને મેનેજમેન્ટનો ટાર્ગેટ
માર્જિન ઘટ્યું હોવા છતાં, કંપનીનો બિઝનેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. જૂન 2026 ક્વાર્ટરમાં જ Waaree Energies ને 16,000 કરોડ રૂપિયાના નવા ઓર્ડર મળ્યા છે. આ નવા ઓર્ડર સાથે કંપનીની કુલ ઓર્ડર બુક હવે 61,500 કરોડ રૂપિયાની થઈ ગઈ છે. મેનેજમેન્ટે આખા વર્ષ માટેના પોતાના ઓપરેટિંગ EBITDA ગાઈડન્સને 7,000 કરોડથી 7,700 કરોડ રૂપિયાની વચ્ચે જાળવી રાખ્યું છે.
IPO થી લઈને અત્યાર સુધીની શેરની સફર
તમને જણાવી દઈએ કે, Waaree Energies ઓક્ટોબર 2024 માં શેરબજારમાં લિસ્ટ થઈ હતી. કંપનીનો 4321.44 કરોડ રૂપિયાનો IPO આવ્યો હતો, જેને રોકાણકારોએ 79.44 ગણો ભરીને બમ્પર રિસ્પોન્સ આપ્યો હતો. સપ્ટેમ્બર 2025 ના આંકડા મુજબ, કંપનીમાં પ્રમોટર્સ 64.22% નો મોટો હિસ્સો ધરાવે છે. જોકે, છેલ્લા 3 મહિનામાં આ શેરમાં 21% નો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે.
રોકાણકારોએ હવે શું કરવું?
આ ઘટાડા વચ્ચે પણ માર્કેટ એક્સપર્ટ્સ આ શેરને લઈને પોઝિટિવ છે. જાણીતી ગ્લોબલ બ્રોકરેજ ફર્મ નોમુરાએ Waaree Energies પર પોતાનું BUY રેટિંગ જાળવી રાખ્યું છે. નોમુરાએ આ શેર માટે 3,750 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઈસ આપ્યો છે, જે તેના વર્તમાન ભાવ કરતા લગભગ 37% વધુ છે. બ્રોકરેજ ફર્મનું માનવું છે કે માર્જિન પર દબાણ હોવાથી એડજસ્ટેડ EBITDA અપેક્ષા કરતા ઓછો રહ્યો છે, પરંતુ કંપની પાસે જે મજબૂત ઓર્ડર બુક છે તે ભવિષ્યમાં શાનદાર ગ્રોથ અપાવશે. નોંધનીય છે કે, આ શેરને 19 જેટલા એનાલિસ્ટ્સ કવર કરે છે, જેમાંથી 14 એક્સપર્ટ્સે 'ખરીદી' ની સલાહ આપી છે, 1 એક્સપર્ટે હોલ્ડ અને માત્ર 4 એક્સપર્ટ્સે વેચવાની સલાહ આપી છે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી બ્રોકરેજ ફર્મના રિપોર્ટ પર આધારિત છે. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન હોય છે. કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા, કૃપા કરીને સર્ટિફાઇડ નિષ્ણાત અથવા તમારા નાણાકીય સલાહકારની મદદ લો. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.