માર્ચ 2025 સુધીમાં યોગદાન આપતા SIP એકાઉન્ટ્સની સંખ્યા 8.11 કરોડ સુધી પહોંચી, જે એપ્રિલ 2024ની સરખામણીએ 27.17%નો વધારો દર્શાવે છે.
શેરબજારમાં ચાલી રહેલી ઉતાર-ચઢાવની સ્થિતિ વચ્ચે રોકાણકારોએ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં જોરદાર રોકાણ કર્યું છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI)ના તાજેતરના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2025માં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં અત્યાર સુધીનું સૌથી વધુ 4.17 લાખ કરોડ રૂપિયાનું રોકાણ નોંધાયું છે. આ આંકડો ગત વર્ષની સરખામણીએ બમણો છે, જે રોકાણકારોના વધતા વિશ્વાસને દર્શાવે છે. આ ઉપરાંત, વેલ્યુએશન ગેઇન્સના કારણે ઇક્વિટી સ્કીમ્સનું એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) માર્ચ 2025 સુધીમાં 25.4% વધીને 29.45 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે.
ઘરેલુ રોકાણકારોનો મજબૂત વિશ્વાસ
AMFIના વાર્ષિક ડેટા પ્રમાણે, નાણાકીય વર્ષ 2025માં નિફ્ટી ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (TRI)માં 6.7%નો વધારો નોંધાયો. આ વર્ષે ભારતીય શેરબજારે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ અને પડકારો વચ્ચે પણ મજબૂતી દર્શાવી છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) દ્વારા નેટ સેલિંગ હોવા છતાં, ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોએ બજારમાં નેટ બાયર તરીકે સતત રોકાણ જાળવી રાખ્યું છે. આનાથી બજારની સ્થિરતામાં મહત્ત્વનો ફાળો મળ્યો છે.
SIPમાં 45.24%નો જબરદસ્ત વધારો
નાણાકીય વર્ષ 2025માં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)માં પણ રોકાણનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો. આ વર્ષે SIPનું વાર્ષિક યોગદાન 45.24% વધીને 2.89 લાખ કરોડ રૂપિયા થયું. માર્ક-ટુ-માર્કેટ (MTM) ગેઇન્સની સાથે આ ઉછાળાએ SIP એસેટ્સને વાર્ષિક ધોરણે 24.59%ના વધારા સાથે 13.35 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચાડ્યા. આનાથી SIPનો હિસ્સો કુલ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીના AUMમાં 20.31% થયો છે. આ ઉપરાંત, નવા નોંધાયેલા SIP એકાઉન્ટ્સની સંખ્યા નાણાકીય વર્ષ 2024ના 4.28 કરોડની સરખામણીએ વધીને 6.80 કરોડ થઈ છે, જે રોકાણકારોની વધતી રુચિ દર્શાવે છે.
SIP એકાઉન્ટ્સમાં 27.17%ની વૃદ્ધિ
માર્ચ 2025 સુધીમાં યોગદાન આપતા SIP એકાઉન્ટ્સની સંખ્યા 8.11 કરોડ સુધી પહોંચી, જે એપ્રિલ 2024ની સરખામણીએ 27.17%નો વધારો દર્શાવે છે. કુલ SIP AUMમાં ડાયરેક્ટ પ્લાન્સનો હિસ્સો છેલ્લા પાંચ વર્ષમાં નોંધપાત્ર રીતે વધ્યો છે. માર્ચ 2020માં આ હિસ્સો 12% હતો, જે માર્ચ 2025 સુધીમાં 21% થયો છે. આ ઉપરાંત, માર્ચ 2020ની સરખામણીએ માર્ચ 2025 સુધીમાં પાંચ વર્ષથી વધુ સમય સુધી જાળવી રાખેલા SIP એસેટ્સનું પ્રમાણ પણ નોંધપાત્ર રીતે વધ્યું છે. આ લાંબા ગાળાની વેલ્થ ક્રિએશન સ્ટ્રેટેજી તરફ રોકાણકારોના ઝુકાવને દર્શાવે છે.
રોકાણકારો માટે શું છે સંદેશ?
ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ અને SIPમાં આવેલો આ રેકોર્ડબ્રેક રોકાણ ભારતીય રોકાણકારોના વધતા નાણાકીય જાગૃતિ અને શેરબજાર પ્રત્યેના વિશ્વાસને દર્શાવે છે. નિષ્ણાતોનું માનવું છે કે લાંબા ગાળાના રોકાણ અને નિયમિત SIP દ્વારા રોકાણકારો માટે સંપત્તિ નિર્માણની મોટી તકો ઉભી થઈ રહી છે.