75 વર્ષનો અર્થ એ છે કે વ્યક્તિએ નિવૃત્તિ લેવી જોઈએ; મોહન ભાગવતે કોનો ઉલ્લેખ કરતા કહી આ વાત
મોહન ભાગવતનું નિવેદન મોરોપંત પિંગળેની નમ્રતા અને નિસ્વાર્થ ભાવનાને રજૂ કરવા માટે હતું, પરંતુ રાજકીય હલચલને કારણે તેને PM મોદી સાથે જોડવામાં આવ્યું. RSS અને BJPએ સ્પષ્ટ કર્યું છે કે આ નિવેદનનો કોઈ રાજકીય અર્થ નથી. હવે આગળ જોવું રહે કે આ ચર્ચા કઈ દિશામાં જાય છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતના તાજેતરના નિવેદને રાજકીય ચર્ચાઓને હવા આપી છે.
Political Controversy: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતના તાજેતરના નિવેદને રાજકીય ચર્ચાઓને હવા આપી છે. તેમણે નાગપુરમાં એક બુક લોન્ચ ઇવેન્ટમાં કહ્યું કે, "75 વર્ષની ઉંમરે નેતાઓએ રિટાયર થઈ જવું જોઈએ અને બીજાઓને તક આપવી જોઈએ." આ નિવેદનને ઘણા લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જોડી રહ્યા છે, કારણ કે મોદી આ વર્ષે 17 સપ્ટેમ્બરે 75 વર્ષના થશે, જ્યારે ભાગવત પોતે 11 સપ્ટેમ્બરે 75 વર્ષના થશે.
મોહન ભાગવતે શું કહ્યું?
મોહન ભાગવતે આ નિવેદન RSSના દિવંગત નેતા મોરોપંત પિંગળેના જીવન પર આધારિત પુસ્તક 'મોરોપંત પિંગળે: ધ આર્કિટેક્ટ ઓફ હિન્દુ રિસર્જન્સ'ના વિમોચન સમયે કર્યું હતું. તેમણે પિંગળેના 75મા જન્મદિવસના એક કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો, જ્યાં પિંગળેને શાલ ઓઢાડી સન્માનવામાં આવ્યા હતા. ભાગવતે કહ્યું, "પિંગળેજીએ કહ્યું હતું કે, 75 વર્ષે શાલ ઓઢાડવાનો અર્થ એ છે કે હવે તમારી ઉંમર થઈ ગઈ, રિટાયર થઈને બીજાઓને આગળ આવવા દો." આ વાતને ભાગવતે પિંગળેની નમ્રતા અને નિસ્વાર્થ ભાવનાના સંદર્ભમાં રજૂ કરી હતી.
વિરોધ પક્ષોની પ્રતિક્રિયા
આ નિવેદન બાદ કોંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)એ તેને PM મોદી માટે ઇશારો ગણાવ્યો. કોંગ્રેસ નેતા જયરામ રમેશે X પર ટ્વીટ કરીને કટાક્ષ કર્યો, "બેચારા એવોર્ડ-વિનિંગ પ્રધાનમંત્રી! ઘરવાપસી પર RSS ચીફે યાદ અપાવ્યું કે તેઓ 17 સપ્ટેમ્બરે 75 વર્ષના થશે. પરંતુ મોદી પણ ભાગવતને કહી શકે કે તેઓ 11 સપ્ટેમ્બરે 75ના થશે! એક તીર, બે નિશાન!"
શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું, "મોદીએ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી જેવા નેતાઓને 75 વર્ષે રિટાયર કર્યા હતા. હવે જોવું રહે કે તેઓ પોતે આ નિયમનું પાલન કરે છે કે નહીં." કોંગ્રેસના પવન ખેરાએ પણ વીડિયોમાં કહ્યું, "આ સારા સમાચાર છે, કારણ કે ભાગવત અને મોદી બંને 75ના થઈ રહ્યા છે. હવે બંનેએ બેગ ઉપાડીને એકબીજાને ગાઇડ કરવું જોઈએ."
BJP અને RSSનું સ્પષ્ટીકરણ
BJPએ આ અટકળોને ફગાવી દીધી છે. મહારાષ્ટ્ર BJP ચીફ ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું, "પાર્ટીમાં 75 વર્ષે રિટાયરમેન્ટનો કોઈ નિયમ નથી. મોદીની નેતૃત્વની ટર્મ દેશના લોકો નક્કી કરશે." RSSના એક વરિષ્ઠ અધિકારીએ પણ મીડિયાને જણાવ્યું કે, "આ નિવેદન પિંગળેની નમ્રતા દર્શાવવા માટે હતું, નહીં કે કોઈને રિટાયરમેન્ટનો સંદેશ આપવા."
મોરોપંત પિંગળે કોણ હતા?
મોરોપંત પિંગળે રામજન્મભૂમિ આંદોલનના મુખ્ય રણનીતિકાર હતા. તેમણે RSSના કાર્યને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભાગવતે તેમની નિસ્વાર્થતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. તેમણે કહ્યું, "પિંગળેજી ક્યારેય લાઇમલાઇટમાં ન આવ્યા, પરંતુ તેમણે અશોક સિંઘલને આગળ કરીને રામજન્મભૂમિ આંદોલનને સફળ બનાવ્યું."
શું છે વિવાદનું કારણ?
આ નિવેદનનો વિવાદ એટલે વધ્યો કે BJPએ 2014માં અડવાણી, જોશી જેવા નેતાઓને 75 વર્ષની ઉંમરે 'માર્ગદર્શક મંડળ'માં મોકલી દીધા હતા. વિરોધ પક્ષોનું કહેવું છે કે જો આ નિયમ અન્ય નેતાઓ પર લાગુ થયો, તો મોદી અને ભાગવત પર કેમ નહીં? જોકે, ગૃહમંત્રી અમિત શાહે 2023માં સ્પષ્ટ કર્યું હતું કે, "મોદી 2029 સુધી નેતૃત્વ કરશે, BJPમાં રિટાયરમેન્ટનો કોઈ નિયમ નથી."