કંગના રનૌતનું સંસદ સભ્યપદ રદ કરવાની માગ સાથે કોર્ટમાં અરજી, હાઈકોર્ટે અરજી પર ફટકારી નોટિસ
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત ફરી એકવાર ચર્ચામાં છે. કંગનાની સંસદ સભ્યતા જોખમમાં આવી શકે છે. કંગનાની ચૂંટણીને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. કોર્ટે તેમને નોટિસ પાઠવીને જવાબ દાખલ કરવા આદેશ કર્યો છે. હવે કંગનાએ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કરવો પડશે.
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત ફરી એકવાર ચર્ચામાં છે.
હાઈકોર્ટે બોલીવુડ અભિનેત્રી અને બીજેપી સાંસદ કંગના રનૌતને નોટિસ પાઠવી છે. કંગનાની ચૂંટણીને કોર્ટમાં પડકારવામાં આવી છે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને રદ કરવાની માંગ કરવામાં આવી છે. કોર્ટે કંગનાને 21 ઓગસ્ટ સુધીમાં જવાબ દાખલ કરવા કહ્યું છે. આવી સ્થિતિમાં કંગનાની સંસદ સભ્યપદની ચર્ચા થવા લાગી છે.
કંગનાએ હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી 74,755 મતોથી ચૂંટણી જીતી હતી. તેમણે કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહને હરાવ્યા છે. વિક્રમાદિત્ય રાજ્ય સરકારમાં જાહેર બાંધકામ વિભાગમાં મંત્રી પણ છે. વિક્રમાદિત્યને 4,62,267 વોટ મળ્યા. જ્યારે કંગનાને 5,37,002 વોટ મળ્યા હતા.
કોણે દાખલ કરી અરજી?
કિન્નરના રહેવાસી લાઈક રામ નેગીની અરજી પર હાઈકોર્ટે બુધવારે કંગના રનૌતને નોટિસ જારી કરી છે. આ અરજીમાં કંગનાની ચૂંટણી રદ કરવાની માંગ કરવામાં આવી છે. અરજીકર્તાનું કહેવું છે કે તે આ વખતે સામાન્ય ચૂંટણી લડવા માંગે છે. આ માટે તેમણે મંડી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર પણ ભર્યું હતું. પરંતુ, ચૂંટણી અધિકારી દ્વારા તેમનું નામાંકન પત્ર ખોટી રીતે નામંજૂર કરવામાં આવ્યું હતું.
ચૂંટણી રદ કરવાની માંગ
હાઈકોર્ટમાં જસ્ટિસ જ્યોત્સના રેવાલે કંગના રનૌતને નોટિસ પાઠવીને 21 ઓગસ્ટ સુધીમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. અરજીકર્તા નેગીએ રાણાવતની ચૂંટણી રદ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, મારું નામાંકન પત્ર રિટર્નિંગ ઓફિસર (ડેપ્યુટી કમિશનર, મંડી) દ્વારા ખોટી રીતે નકારી કાઢવામાં આવ્યું હતું. નેગીએ આ સમગ્ર મામલે કંગનાને પણ પક્ષકાર બનાવ્યા છે.
નેગી VRS સાથે ચૂંટણી લડવા માંગતા હતા
નેગીએ કહ્યું કે તે વન વિભાગમાં કર્મચારી હતા. તેમણે ચૂંટણી માટે VRS લીધું હતું. નોમિનેશન ફોર્મની સાથે ડિપાર્ટમેન્ટલ નો ડ્યૂઝ પણ રિટર્નિંગ ઓફિસર સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. નેગીએ કહ્યું કે નોમિનેશન દરમિયાન, મને કહેવામાં આવ્યું હતું કે મારે સરકારી આવાસ માટે આપવામાં આવેલ વીજળી, પાણી અને ટેલિફોન માટે કોઈ બાકી રકમનું પ્રમાણપત્ર પણ સબમિટ કરવું પડશે. તેમને આ પ્રમાણપત્ર જમા કરાવવા માટે બીજા દિવસ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. બીજા દિવસે જ્યારે અમે રિટર્નિંગ ઓફિસરને પેપર્સ આપ્યા ત્યારે તેમણે તેમને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને ઉમેદવારી પત્રો પણ નામંજૂર કર્યા હતા.
નેગીએ દાવો કર્યો હતો કે જો તેમના કાગળો સ્વીકારવામાં આવ્યા હોત તો તેઓ ચૂંટણી જીતી શક્યા હોત. તેમણે કહ્યું કે આ ચૂંટણી રદ થવી જોઈએ.